રવૈયા વાનગી: ભરેલા રીંગણાનું શાક

રવૈયા એટલે મસાલો ભરેલા રીંગણાનું શાક. તો આજે અમે તમને જણાવીશું રવૈયા બનાવવાની રીત.

જરૂરી સામગ્રીઃ

 • ૮-૧૦ મધ્યમ સાઈઝના રીંગણા
 • શીંગદાણા ૧/૪ કપ
 • તલ ૨ ટી.સ્પૂન
 • ચણા દાળ ૨ ટી.સ્પૂન
 • આખા ધાણા ૧ ટે.સ્પૂન
 • વરિયાળી ૧ ટે.સ્પૂન
 • જીરૂ ૧ ટી.સ્પૂન
 • આખા મેથી દાણા ૧/૪ ટી.સ્પૂન
 • સૂકા લાલ મરચાં ૧૦ નંગ
 • ૫-૬ કળીપત્તા
 • સૂકું ટોપરૂ ૧/૪ કપ પાતળાં બારીક ટુકડામાં કટ કરેલું
 • ૧ કાંદો લાંબી ચીરીમાં સુધારેલો
 • આમલીનો પલ્પ ૧ ટી.સ્પૂન (આમલી ન વાપરવી હોય તો લીંબુ લેવું)
 • હળદર ૧/૪ ટી.સ્પૂન
 • ગોળ ૧ ટે.સ્પૂન (optional)
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • ૧ ટી.સ્પૂન રાઈ
 • ચપટી હીંગ
 • તેલ વઘાર માટે


બનાવવાની રીતઃ

સૌ પ્રથમ રીંગણાને ધોઈ લો. હવે દરેક રીંગણું લઈ એમાં મસાલો ભરવા માટે ચપ્પૂથી ચાર ઉભા કાપા પાડો. (નોધ: રીંગણામાં થોડી જગ્યા રહે એ રીતે). આ કાપા પાડેલાં બધાં રીંગણા એક બાઉલ લઈ પાણીમાં રાખી મૂકો.

હવે એક ફ્રાઈ પેનમાં શીંગદાણા હલકાં શેકાય એટલે એમાં તલ પણ નાખીને થોડીવાર માટે શેકી લો.આ શીંગદાણા અને તલને એક વાસણમાં ઠંડા કરવા મૂકી દો.

હવે આ જ પેનમાં ૨ ટી.સ્પૂન તેલ ગરમ કરો. એમાં આખા ધાણા, જીરૂ, મેથી, વરિયાળી, ચણા દાળ ૧ મિનિટ માટે સાંતડો. ત્યારબાદ એમાં સૂકાં લાલ મરચાં તેમજ કળીપત્તા નાખીને ૧ મિનિટ માટે સાંતડો.

હવે એમાં ટોપરૂં તેમજ કાંદો નાખીને હલકો ગુલાબી રંગ થાય એટલે ગેસ બંધ કરી દો. આ મિશ્રણ ઠંડુ થાય એટલે એને શીંગદાણા અને તલ સાથે ગોળ, આમલીનો પલ્પ, સ્વાદ પ્રમાણે મીઠું તેમજ થોડું પાણી ઉમેરીને મિક્સરમાં બારીક પીસી લો.

હવે આ મિશ્રણને દરેક રીંગણામાં ભરી લો. એક કઢાઈમાં ૩ ટે.સ્પૂન તેલ ગરમ થાય એટલે રાઈ તથા હીંગનો વઘાર કરીને રીંગણા એમાં ૨ મિનિટ માટે સાંતડો. થોડો રંગ બદલાય એટલે એમાં બાકી રહેલી મસાલાની પેસ્ટ ઉમેરી દો.

અને અડધો કપ પાણી રેડી દો. કઢાઈ ઢાંકીને ગેસની આંચ મધ્યમ રાખીને ૨૦-૨૫ મિનિટ સુધી રીંગણાને થવા દો. એકવાર ચેક કરી લો રીંગણા બરોબર ચઢી જાય એટલે ખાવા માટે પીરસો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *