જાણો વિશ્વના સૌથી અનોખા તહેવારો વિશે.. જે વિવિધ સંસ્કૃતિઓની પરંપરાઓ વ્યક્ત કરે છે..

વિવિધ તહેવારો વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. તહેવારોમાં લોકો વિશ્વભરની વિવિધ સંસ્કૃતિઓની પરંપરાઓ વ્યક્ત કરી શકે છે અને ઉજવણી કરી શકે છે. ભલે તે મનોરંજનના હેતુ માટે હોય, અથવા માન્યતાઓ અને પરંપરાઓનું સન્માન કરવા માટે, તહેવારો વિશ્વભરના લોકો સાથે ઉજવવામાં આવે છે..

રિયો કાર્નિવલ, બ્રાઝિલ (Rio Carnival, Brazil)

બ્રાઝિલનો રિયો કાર્નિવલ એ દુનિયાનો સૌથી મોટો કાર્નિવલ છે. દર વર્ષે ઈસ્ટરના ચાલીસ દિવસ પહેલા યોજાતા આ પાંચ દિવસના કાર્નિવલને જોવા દેશ-વિદેશમાંથી વીસ લાખ લોકો રિયો દિ જાનેરોની શેરીઓમાં ઉભરાય છે! આ કાર્નિવલ એ ખરા અર્થમાં બ્રાઝિલની સંસ્કૃતિને ઉજાગર કરે છે. બ્રાઝિલનો સામ્બા ડાન્સ જગમશહૂર છે. રિયો કાર્નિવલનું એક મહત્ત્વનું આકર્ષણ  સામ્બા પરેડ છે, જેમાં 200 જેટલી સામ્બા સ્કૂલ્સ ભાગ લે છે.સામ્બા પરેડમાં ભાગ લેતા ડાન્સર્સ કોઈ સ્પેસીફીક થીમ, મ્યુઝિક, ગીત અને કોસ્ચ્યુમની પસંદગી કરીને ડાન્સ કરે છે. દરેક ગ્રુપ એ એક નિયત ઓર્ડરને ફોલો કરે છે અને ફેન્સી કોસ્ચ્યૂમ્સમાં ખૂબ જ સુંદર રીતે કોરિયોગ્રાફ કરેલા ડાન્સની પ્રસ્તુતિ કરે છે. અત્યંત ભવ્ય, રંગીન અને આકર્ષક વેશભૂષામાં સજ્જ આ ડાન્સર્સને કાર્નિવલમાં સામ્બા ડાન્સ કરતાં જોવા એ જીવનનો અવિસ્મરણીય અનુભવ બની રહે છે.

લેન્ટર્ન ફેસ્ટિવલ, તાઈવાન (Lantern Festival Taiwan)

કલ્પના કરો કે આખું આકાશ હજારો પેપર લેન્ટર્નથી રાત્રે છવાઈ ગયું હોય એ દૃશ્ય કેવું લાગે ? તાઈવાનના પિંગ્કસી પ્રાંતમાં યોજાતો લેન્ટર્ન ફેસ્ટિવલ એ દુનિયાના સૌથી આઈકોનિક ફેસ્ટિવલ્સમાંનો એક છે. ચાઈનીઝ લ્યુનાર યરના છેલ્લા દિવસે યોજાતો આ ફેસ્ટિવલ દુનિયાભરમાં જાણીતો છે અને સમગ્ર વિશ્વમાંથી આ ફેસ્ટિવલને નિહાળવા લોકો તાઈવાન આવે છે. જે ટાઉનમાં આ ફેસ્ટિવલ ઉજવાય છે તે ટાઉનને આ દિવસે વિવિધ રંગોથી રંગી દેવામાં આવે છે. ચાઈનીઝ લ્યુનાર વર્ષની અંતિમ રાત્રીએ તે ટાઉનનું આકાશ હજારો ઝળહળતી લેન્ટર્નથી છવાઈ જાય છે. પ્રાચીન સમયમાં ગામના લોકો આકાશમાં પ્રજ્વલિત લેન્ટર્ન છોડીને એવો સંદેશો આપતા હતા કે ગામ સલામત છે. હવે નવાં વર્ષના સ્વાગત માટે આવી લેન્ટર્ન્સ પ્રગટાવીને આકાશમાં છોડવામાં આવે છે. લોકો આ પેપર લેન્ટર્ન પર પોતાની ઈચ્છાઓ આલેખે છે અને આશા કરે છે કે તેમના પૂર્વજો તેમની આ ઈચ્છાઓને પૂર્ણ કરશે.

દિયા દે લોસ મ્યુર્ટોસ – મેક્સિકો (Dia De Los Muertos – Mexico)

દિયા દે લોસ મ્યુર્ટોસને ડેડ લોકોનો દિવસ ગણવામાં આવે છે.. આ તહેવાર મેક્સિકન લોકોનો તહેવાર છે અને પ્રથમ નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તેઓ ડેડ લોકોના દિવસને આનંદની વસ્તુઓથી ઉજવે છે. 3 દિવસની ઉજવણી દરમિયાન, પરિવારો ફ્લોર ડી મ્યુર્ટો (મૃતકોના ફૂલ) સાથે તેમના પ્રિય લોકોની કબરોને સાફ કરી તેની સજાવટ કરે છે. તેઓ મૃત બાળકો માટે રમકડા લાવે છે અને પુખ્ત વયના લોકો માટે ટકીલા મેસ્કલ અથવા પલ્ક. મેક્સીકન માન્યતાઓ અનુસાર, મૃતકો કાયમ માટે આપણને છોડીને જતા નથી, પરંતુ પછીના જીવનમાં જીવતા રહે છે, જેને મિકટલાન કહેવામાં આવે છે. તેથી, તેમના માટે મૃત્યુ એ જન્મની જેમ જ છે. હકીકતમાં, તે જન્મ છે, પરંતુ એક અલગ વેશમાં. મેક્સિકન લોકો માને છે કે વર્ષમાં એકવાર મૃતક તેમના સંબંધીઓની મુલાકાત લેવા, તેમની મનપસંદ વસ્તુઓ કરવા અને જીવનનું આકર્ષણ અનુભવવા માટે તેમના ઘરે આવે છે…

લોઇ ક્રાથોંગ થાઇલેંડ (Loi Krathong – Thailand)

લોઈ ક્રાથોંગ એ દક્ષિણપશ્ચિમની તાઈ સંસ્કૃતિઓમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં લોકો નદીઓ અથવા તળાવોની આસપાસ ભેગા થાય છે અને પાણીની દેવીને માન આપવા માટે કમળ આકારના રાફ્ટ્સ પાણીમાં તરાવે છે. રાફ્સને સામાન્ય રીતે મીણબત્તીઓ, ધૂપ અને ફૂલોથી શણગારવામાં આવે છે. આ તહેવાર પાછળનું કારણ ચોખાની સીઝન તથા જળદેવીનો આભાર માનવો છે અને પાણીને પ્રદૂષિત કરવા બદલ માફી માંગવી તે છે. આ ઉત્સવ વાર્ષિક ધોરણે થાઇલેન્ડ, લાઓસ, શાન વગેરે કેટલાક શહેરોમાં ઉજવવામાં આવે છે. આ ઉજવણી 12 મા મહિનાની પૂર્ણિમાની સાંજે થાય છે. તે વિશ્વભરના 10 શ્રેષ્ઠ તહેવારોમાંથી એક છે.

લા ટોમેટિના ફેસ્ટિવલ, સ્પેન (La Tomatina – Spain)

ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં સ્પેનના પ્રખ્યાત લા ટોમેટિના ફેસ્ટિવલને જોઈને અનેક ભારતીયોના વિશ લિસ્ટમાં આ ફેસ્ટીવલનો સમાવેશ થઈ ગયો છે. લા ટોમેટિના ફેસ્ટિવલ સ્પેનના બુનોલ નામના ટાઉનમાં દર વર્ષે ઓગસ્ટ મહિનાના છેલ્લા બુધવારે આયોજિત થાય છે. આ ફેસ્ટિવલમાં લોકો એકબીજા ઉપર ટામેટાં ફેંકે છે અને પછી ટાઉનની શેરીઓમાં ટામેટાંના જ્યુસની નદીઓ વહેવા માંડે છે ! દર વર્ષે આ તહેવારમાં સો મેટ્રિક ટન જેટલાં ટામેટાં ફેંકવામાં આવે છે. શેરીના દરેક કોર્નર પર ટ્રકોમાંથી પાણીના ફુવારા છોડવામાં આવે છે. આ તહેવારમાં લોકોની મસ્તી, જોશ, એનર્જીને જોવા જેવાં હોય છે. લોકોની સલામતી ખાતર સિટી કાઉન્સીલ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેમકે, આંખોના રક્ષણ માટે ગોગલ્સ પહેરવા, એકબીજા પર માત્ર છુંદાયેલા ટામેટાં જ ફેંકવા જેથી ઈજા ના થાય વગેરે.એક સપ્તાહ સુધી ચાલતા આ ફેસ્ટિવલમાં મ્યુઝિક, ડાન્સ, પરેડ અને ફાયરવર્કસ જેવાં અન્ય આકર્ષણો પણ હોય છે.

આઈસ એન્ડ સ્નો ફેસ્ટિવલ, ચાઈના (Ice and Snow Festival)

જો તમે કડકડતી ઠંડીને સહન કરવાની ક્ષમતા ધરાવતા હોવ તો  ચાઈનામાં યોજાતો હર્બિન ઈન્ટરનેશનલ આઈસ એન્ડ સ્નો સ્કલ્પચર ફેસ્ટિવલ વિશ્વના ખુબ જ ફેમસ ફેસ્ટીવલમાનો એક છે. ઉત્તર ચાઈનાના હેલોંગજિયાંગ પ્રાંતમાં યોજાતો આ ફેસ્ટિવલ દુનિયાનો સૌથી મોટો સ્નો એન્ડ આઈસ ફેસ્ટિવલ છે, જેમાં આઈસના કદાવર બ્લોક્સમાંથી તોતિંગ ઈમારતો, કિલ્લાઓ અને 20 ફૂટ ઊંચા મિનારાઓનું ભવ્ય ઈન્સ્ટોલેશન કરવામાં આવે છે. રાત્રે જ્યારે સ્નો અને આઈસમાંથી બનેલી આ ફૂલ સાઈઝ ઈમારતોમાં વિવિધ કલરની લાઈટિંગ કરવામાં આવે છે, ત્યારે તમે જાણે કોઈ પરીકથાની નગરીમાં આવી ચડ્યા હોવ તેવો અનુભવ થાય છે. આ વાર્ષિક ઉત્સવ દર વર્ષે 5 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ચાલે છે, પણ તેમાંના કેટલાંક આકર્ષણોને વિઝિટર્સ માટે ઓપનિંગ સેરેમની સાથે ખુલ્લા મૂકવામાં આવે છે, જેમાંનું સૌથી પોપ્યુલર આકર્ષણ છે ‘ધ હર્બિન આઈસ એન્ડ સ્નો વર્લ્ડ’, જે નજીકની સોંધુઆ નદીના આઈસ બ્લોકમાંથી બનાવવામાં આવે છે.

નોટિંગ હિલ કાર્નિવલ – યુનાઇટેડ કિંગડમ

(Notting Hill Carnival – United Kingdom)

લંડનમાં ઉજવાતો આ ફેસ્ટીવલ વિશ્વના સૌથી ફેમસ ફેસ્ટીવલમાનો એક છે..નોટિંગ હિલ કાર્નિવલ એ કેરેબિયન સમુદાયો, તેમની સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજવવા માટેનો વાર્ષિક ફેસ્ટીવલ છે. આ કાર્યક્રમ નોટિંગ હિલ, લેબ્રોક ગ્રોવ અને વેસ્ટબોર્ન પાર્કના ક્ષેત્રમાં યોજવામાં આવે છે અને આ ફેસ્ટીવલમાં વાર્ષિક આશરે એક મિલિયનથી વધુ લોકો ભાગ લે છે. આ ઉજવણીમાં 37 સાઉન્ડ સિસ્ટમ, સોકા ફ્લોટ્સ અને સ્ટીલ બેન્ડ્સજોવા મળે છે. નોટિંગ હિલ કાર્નિવલ બ્રિટીશ સંસ્કૃતિનો ખુબ જ મહત્વનો ફેસ્ટીવલ છે  વિશ્વભરના 10 શ્રેષ્ઠ તહેવારોમાંથી એક હોવાથી, તે વાર્ષિક 10 મિલિયનથી વધુ લોકોને આકર્ષે છે. આ ફેસ્ટીવલ વિશ્વનો સૌથી મોટો મોટો સ્ટ્રીટ ફેસ્ટીવલ છે.

હોળી – ભારત, નેપાળ (Holi – India,Nepal)

હોળી, જે રંગોનો તહેવાર  છે, તે ભારત, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર ‘રંગોનો તહેવાર’ એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે..

હૅરો વાઇન ફેસ્ટિવલ, સ્પેન ( Haro Wine Festival – Spain)


સ્પેનના લા રિઓજા પ્રાંતમાં આવેલા હૅરો ગામમાં વિશ્વવિખ્યાત વાઇનનો ઉત્સવ થાય છે. ગરમીના દિવસોમાં યોજાતા આ ઉત્સવમાં હજારો લિટર વાઇન બને છે અને બેસ્ટ વાઇન બનાવવાની સ્પર્ધા પણ થાય છે. જોકે વાઇન ફેસ્ટિવલની શરૂઆત એકદમ ધાર્મિક રીતે થાય છે. આપણે ત્યાં જેમ માતાજીનો વરઘોડો નીકળે એમ વાઇનનો વરઘોડો નીકળે છે; જેમાં સૌ પોતપોતાને ત્યાંથી વાઇન ભરેલા જગ, બૉટલો કે બાલદીઓ ભરીભરીને એમાં જોડાય છે. આ વરઘોડો ચાલતો હોય ત્યારે એકદમ ગંભીર વાતાવરણ હોય, પણ જેવું આ સરઘસ નિયત જગ્યાએ પહોંચી જાય એટલે ટોળાનો મૂડ એકદમ ચેન્જ થઈ જાય અને સાથે ભરીને લાવેલા વાઇનની બૉટલો, બાલદીઓ અને કટોરા એકબીજાના માથે ઢોળાવા શરૂ થાય છે. બીજાને વાઇનથી નવડાવનારને સુખસમૃદ્ધિ મળે છે એવી માન્યતાને કારણે છૂટથી વાઇનની રેલમછેલ થાય છે.

મડ ફેસ્ટિવલ (Mud Festival)


કાદવથી રમવાના ઉત્સવો કોઈ એક જ જગ્યાએ નહીં, અનેક જગ્યાએ ઊજવાય છે. સ્પેન, સાઉથ કોરિયા અને અમેરિકાના સૅન ઍન્ટોનિયોના કાદવ ઉછાળવાના ફેસ્ટિવલ્સ  જાણીતા છે. સાઉથ કોરિયામાં સૉલ ગામથી ૨૦૦ કિલોમીટર દૂર આવેલા બીચ પર ખેલાતા મડ ફેસ્ટિવલમાં ખાસ ચીકણી માટી વપરાય છે. બીચ પર બહારથી ભીની ચીકણી માટીનો ખડકલો કરાય છે ને પછી જુવાનિયાઓ મન મૂકીને મંડી પડે છે. અમેરિકાના સૅન ઍન્ટોનિયોમાં દર જાન્યુઆરી મહિનામાં એક સૂકાઈ રહેલી નદીના કીચડમાં ખાસ રિવરવૉક થાય છે. આ કાદવ-કીચડથી ભરપૂર નદીને ચાલીને જે લોકો પાર કરી જાય તેઓ લકી ગણાય છે. બીજા બધા ફેસ્ટિવલની જેમ સ્પેનનો મડ ફેસ્ટિવલ પણ અનોખો છે. અહીં રીતસર મધમાખીની જેમ કીડીઉછેર કરવામાં આવે છે અને એને સતત ઍક્ટિવ રાખવા માટે વિનેગરમાં રાખી મૂકવામાં આવે છે. આ કીડીઓને માટીવાળાં કપડાંમાં ભરીને એકબીજા પર ફેંકવામાં આવે છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *