વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ છે. અને જો પાકિસ્તાન આજે ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારી જશે તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. ટીમના ખરાબ પ્રદર્શન વચ્ચે કોચ મિકી આર્થરે ખરાબ પ્રદર્શન માટે કડક સુરક્ષાને જવાબદાર ગણાવી છે. તેણે કહ્યું છે કે, અમારા ખેલાડીઓ મુક્તપણે રમવા માટે ટેવાયેલા છે પરંતુ અમે એટલી સુરક્ષા વચ્ચે છીએ કે, અમે એકબીજા સાથે નાસ્તો પણ કરી શકતા નથી.
ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા પ્રી-મેચ કોન્ફરન્સમાં પાકિસ્તાનના કોચ મિકી આર્થરે કહ્યું કે, અમારા માટે સૌથી મુશ્કેલ બાબત એ છે કે, અમે આટલી કડક સુરક્ષા વચ્ચે છીએ. તમને સાચું કહું, મને આ પરિસ્થિતિ મુશ્કેલ લાગી રહી છે. એવું લાગે છે કે, અમે કોવિડ સમયગાળામાં પ્રવેશી ગયા છીએ. અહીં અમે અમારા અમારી હોટેલના રૂમ સુધી મર્યાદિત છીએ. એટલી કડક સુરક્ષા છે કે, અમે નાસ્તો પણ એકલા કરીએ છીએ. અમે અમારા ખેલાડીઓ સાથે વધુ વાત પણ નથી કરી શકતા. અમારા ખેલાડીઓ મુક્તપણે જીવવાની ટેવ ધરાવે છે. પરંતુ અમને ક્યાંય બહાર જવાની પરવાનગી નથી. આ અમારા માટે ખરેખર માટે ગૂંગળામણ સમાન છે.
નોંધનીય છે કે, આ પહેલા મિકી આર્થરે ભારત સામેની હાર બાદ આઈસીસી ટૂર્નામેન્ટને બીસીસીઆઈ ટૂર્નામેન્ટ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે, સાચું કહું તો ભારત અને પાકિસ્તાનની મેચ આઈસીસી ઈવેન્ટ જેવી નહોતી લાગતી. એવું લાગી રહ્યું હતું કે, જાણે દ્વિપક્ષીય શ્રેણીની આ મેચ રમાઈ રહી હોય. આ સંપૂર્ણ રીતે બીસીસીઆઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હોય તેવું લાગતું હતું.