યુએસ પ્રમુખ જો બિડેને ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિકો અશોક ગાડગિલ અને ડૉ. સુબ્રા સુરેશ સહિત અન્ય કેટલાકને એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને જીવન વિજ્ઞાનના ક્ષેત્રોમાં સંશોધન અને નવીનતા માટે પ્રતિષ્ઠિત વ્હાઇટ હાઉસ નેશનલ મેડલથી સન્માનિત કર્યા. અગ્રણી અમેરિકન સંશોધકોને આપવામાં આવેલ આ એવોર્ડ, અમેરિકાની સ્પર્ધાત્મકતા અને જીવનની ગુણવત્તા સુધારવા માટે કાયમી યોગદાન આપનાર અને દેશના ટેક્નોલોજી વર્કફોર્સને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા લોકોના કાર્યને માન્યતા આપે છે.
બાયડેને મંગળવારે સુબ્રા સુરેશ અને અશોક ગાડગીલ સહિત અનેક લોકોને વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઈનોવેશનનો પ્રતિષ્ઠિત મેડલ અર્પણ કર્યો હતો. ‘નેશનલ સાયન્સ ફાઉન્ડેશન’ના ભૂતપૂર્વ વડા સુબ્રા સુરેશ બ્રાઉન યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ એન્જિનિયરિંગમાં પ્રોફેસર છે. સુરેશને ઈજનેરી, ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાનમાં તેમના અગ્રેસર સંશોધન માટે અને ખાસ કરીને સામગ્રી વિજ્ઞાનના અભ્યાસને આગળ વધારવા અને અન્ય વિદ્યાશાખાઓમાં તેનો ઉપયોગ કરવા બદલ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
‘નેશનલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મેડલ્સ ફાઉન્ડેશન’ની જાહેરાતમાં આંતરરાષ્ટ્રીય સરહદો પર સંશોધન અને સહયોગ માટે સુરેશની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે વિજ્ઞાન કેવી રીતે લોકો અને રાષ્ટ્રો વચ્ચે સમજણ અને સહકારને પ્રોત્સાહન આપી શકે છે.
“તે ખૂબ જ સંતોષકારક છે,” બ્રાઉન યુનિવર્સિટીના નિવેદન અનુસાર સુરેશે કહ્યું. મને આ સન્માન પર ખાસ ગર્વ છે.” 1956માં ભારતમાં જન્મેલા સુરેશે 25 વર્ષની વયે સ્નાતક, માસ્ટર અને પીએચડીની ડિગ્રી મેળવી હતી. તેણે માત્ર બે વર્ષમાં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચડીની ડિગ્રી મેળવી.
સુરેશ 1983માં એન્જિનિયરિંગ ફેકલ્ટીના સૌથી યુવા સભ્ય તરીકે બ્રાઉન યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર બન્યા હતા. 10 વર્ષ સુધી બ્રાઉન યુનિવર્સિટીમાં સેવા આપ્યા પછી, સુરેશ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (NSF) નું નેતૃત્વ કરનાર પ્રથમ એશિયન-અમેરિકન બન્યા અને તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા નામાંકિત થયા બાદ તેના 13મા ડિરેક્ટર તરીકે સેવા આપી.
UC બર્કલે ખાતે સિવિલ અને એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગના પ્રતિષ્ઠિત પ્રોફેસર, ગાડગીલે વિકાસશીલ વિશ્વની કેટલીક અઘરી સમસ્યાઓ માટે ઓછા ખર્ચે ઉકેલો વિકસાવ્યા છે. આમાં પીવાના પાણીની સલામત ટેકનોલોજી, ઉર્જા-કાર્યક્ષમ સ્ટોવ અને સસ્તું વીજળી ઉત્પન્ન કરવાના પગલાંનો સમાવેશ થાય છે.