ICC ODI રેન્કિંગઃ વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. પ્રથમ આઠ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. આ પછી ટીમ ઇન્ડિયાએ બુધવારે ICC દ્વારા તાજેતરની ODI રેન્કિંગમાં પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે. શુભમન ગિલે બેટિંગમાં નંબર 1નું સ્થાન મેળવ્યું છે. બોલિંગમાં પણ ભારતીય બોલરોએ ટોચનું સ્થાન કબજે કર્યું છે. જ્યારે ટીમ રેન્કિંગમાં ભારત પહેલાથી જ નંબર 1 પર છે.
સિરાજ ફરી નંબર 1 બોલર બન્યો
થોડા દિવસો પહેલા જોશ હેઝલવુડે ICC ODI રેન્કિંગમાં મોહમ્મદ સિરાજને પાછળ છોડી દીધો હતો. ત્યારબાદ ગયા અઠવાડિયે શાહીન આફ્રિદીએ હેઝલવુડને પાછળ છોડીને આ સ્થાન પર કબજો જમાવ્યો હતો. હવે ફરી એકવાર ભારતીય બોલરે નંબર 1નું સ્થાન કબજે કર્યું છે. મોહમ્મદ સિરાજ 709 રેટિંગ પોઈન્ટ સાથે આ યાદીમાં ટોચ પર છે. દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજ 694 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. આ સિવાય વર્લ્ડ કપમાં વર્તમાન ટોપ વિકેટ લેનાર એડમ ઝમ્પા ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.