ટેકનોલોજી અને સોશિયલ મીડિયા: સદઉપયોગ કરો, ગુલામ ન બનો

Social Media

વર્તમાન સમયમાં ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો વધ્યો છે કે, ઓછા સમયમાં અનેક લોકોનો સંપર્ક કરી શકાય છે. વ્હોટ્સએપ, ફેસબુક, ટ્વીટર સહિત સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મના માધ્યમથી પોતાની અભિવ્યક્તિ અનેક લોકો સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ સોશિયલ મીડિયાના પણ સારા-ખરાબ પરિબળો છે.

તર્કશક્તિ વધારે છે:


વર્તમાન સમયમાં યુવાનો સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેવાનું વધારે પસંદ કરે છે. સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ સારી વસ્તુઓ શીખવાડે છે. વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું નવું જાણી શકે છે. એક રિસર્ચ મુજબ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાં જોડાઈ રહેવાને કારણે અને એકબીજા સાથે વિચારોની આપ-લે કરવાને કારણે સારી વાતો જાણી અને શીખી શકે છે. એટલું જ નહીં તેઓ ચર્ચા માટે પોતાની તર્કશક્તિનો વિકાસ કરી શકે છે. જે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર તર્ક-વિતર્ક કરે છે તેની તાર્કિક ક્ષમતા તેમના સહપાઠી વિદ્યાર્થીઓ કરતાં ઘણી વધારે હોવાનું પુરવાર થયું છે. રિસર્ચમાં પુરવાર થયું છે કે, વર્તમાન સમયમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ભણાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લે છે અને પોતાની જાતને અપડેટ રાખે છે.

ટેકનોલોજીનો સદુપયોગ કરો, ગુલામ ન બનો:

ટેકનોલોજીના અતિરેકથી માનસિક અને શારીરિક નુકસાન થઈ શકે છે. જો મોબાઈલ અથવા સોશિયલ મીડિયાના અન્ય માધ્યમો તમારા મોટા ભાગના સમયનો વ્યય કરતા હોય અને જીવનમાં એ વસ્તુઓ જ તમારા માટે મહત્વની બની ગઈ હોય તો એ ચેતવણી છે કે, જીવનમાં કંઈક સારું નથી થઈ રહ્યું નથી. ઘણા લોકો પોતાના રુમમાં પુરાઈને કલાકો સુધી એકલા કોમ્પ્યુટર, મોબાઈલ અથવા ટીવી સામે બેસી રહે છે. એનાથી તેઓને જરુરી શારીરિક કસરત મળતી નથી. જેથી બેઠાડુ જીવન તેમના માટે હૃદયની તકલીફો, ડાયાબિટીસ અને બીજી કોઈ મોટી બીમારી પણ નોતરી શકે છે.


સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મનો વધુ પડતો ઉપયોગ બીજાં ઘણાં નકારાત્મક પરિણામ નોતરી શકે છે. જેમ કે તાજેતરનો એક અભ્યાસ જણાવે છે કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો એ દારુ પીને ડ્રાઈવિંગ કરવા જેટલું જોખમી પુરવાર થાય છે. વાહન ચલાવતી વખતે ટેક્સ્ટ મેસેજ ટાઈપ કરવો જીવલેણ સાબિત થઈ શકે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, 16થી 27 વર્ષના વય જૂથના વાહનચાલકોમાંથી આશરે 40 ટકા લોકો ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. વર્તમાન સમયમાં મોટાભાગના બાળકો ટાઈમપાસ કરવા માટે ટીવી જોયા કરે છે અથવા કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનો વપરાશ કરે છે. બાળકોએ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી આવી વસ્તુઓ સમજી વિચારીને વાપરતાં શીખવું જોઈએ, જેથી તેના ગેરફાયદાથી બચી શકાય. બાળકોના વાલીઓએ પણ તેને આમ કરવા માટે પ્રેરણા આપવી જોઈએ.


જોકે “અતિ સર્વત્ર વર્જ્યતે” એ સંસ્કૃત ઉક્તિ પ્રમાણે કોઈપણ વસ્તુનો તેની મર્યાદામાં રહીને ઉપયોગ થાય તો લાભ છે અને જો વધુ ઉપયોગ કરવામાં આવે તો નુકસાન નોતરે છે. જેથી કહી શકાય કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાને અવગણી પણ શકાય નહીં અને અતિરેક પણ યોગ્ય નથી. સોશિયલ મિડિયાના વધુ પડતાં ઉપયોગ પછી તેની લત છોડાવવા માટે ક્યારેક મનોચિકિત્સકની પણ સલાહ લેવી પડે તેવી સ્થિત સર્જાય છે. જોકે હવે તો તહેવાર અને વ્યવહાર પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ ઉજવાઈ રહ્યા છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *