ODI વર્લ્ડ કપ 2023: ODI વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડના હાથે શ્રીલંકાની હાર બાદ પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. પાકિસ્તાને તેની છેલ્લી લીગ મેચ ઈંગ્લેન્ડ સાથે રમવાની છે.જો પાકિસ્તાનની ટીમે સેમીફાઈનલ માટે ક્વોલિફાય કરવું હશે તો તેણે ઈંગ્લેન્ડને મોટા અંતરથી હરાવવું પડશે. એટલે કે હવે પાકિસ્તાનની ટીમે અશક્યને શક્ય બનાવવું પડશે. પાકિસ્તાન સેમી ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું છે.
‘પાક ટીમ એરપોર્ટ માટે ક્વોલિફાય’
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની ટીમ હવે વર્લ્ડ કપમાંથી બહાર થવાના આરે છે. હવે કોઈ ચમત્કાર જ પાકિસ્તાનની ટીમને સેમીફાઈનલમાં પ્રવેશ અપાવી શકે છે. પાકિસ્તાનનું બીજી વખત વર્લ્ડ કપ ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર થવાનું છે. હવે નેટીઝન્સ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ટીમની મજા લેવા લાગ્યા છે. X પર ટ્વિટ કરીને એક યુઝરે લખ્યું, ‘પાકિસ્તાનની ટીમ એરપોર્ટ માટે ક્વોલિફાય થઈ ગઈ’
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની ટીમે વર્લ્ડ કપ 2023માં સારી શરૂઆત કરી હતી પરંતુ તે તેને અંત સુધી જાળવી શકી ન હતી. હવે તેઓને આનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે. તેની પ્રથમ બે મેચમાં પાકિસ્તાનની ટીમે શ્રીલંકા અને નેધરલેન્ડની ટીમને હરાવ્યું હતું.
જે બાદ ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ટીમની હારનો સિલસિલો શરૂ થયો અને ટીમ સતત 3 મેચ હારી ગઈ. હવે જો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેને ઈંગ્લેન્ડ સામે 200થી વધુ રનથી જીત મેળવવી પડશે.