Israel Hamas War: ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અટકતું નથી. અમેરિકા અને ઘણા દેશો આ યુદ્ધને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ બુધવારે સવારે આવેલા સમાચારે આ બધું બરબાદ કરી દીધું. મીડિયા રિપોર્ટ્સ દ્વારા સમાચાર આવ્યા છે કે Israel Hamas War ઇઝરાયલે હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયાની હત્યા કરી છે. જો કે આ અંગે ઈઝરાયેલ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી છે. હમાસના વડા ઈસ્માઈલ હાનિયા અને તેના એક ગાર્ડને તેહરાનમાં તેમના નિવાસસ્થાનને નિશાન બનાવ્યા બાદ માર્યા ગયા હતા, એમ નિવેદનમાં જણાવાયું છે.
IRGCના જનસંપર્ક વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે
બુધવારે વહેલી સવારે થયેલા હુમલાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. કેસની તપાસ ચાલી રહી છે. હાનિયાની સાથે તેના બોડી ગાર્ડની પણ હત્યા કરવામાં આવી છે. તેઓ જ્યાં રોકાયા હતા તે નિવાસસ્થાન પર રોકેટ છોડવામાં આવ્યું હતું.
જાણો કોણે શું કહ્યું?
હાનિયાના મોત માટે ઈઝરાયેલની સેનાને જવાબદાર ગણવામાં આવી રહી છે, પરંતુ ઈઝરાયેલી સેના આ અંગે કોઈ જવાબ આપી રહી નથી. હાનિયાના મોત બાદ ઈઝરાયેલની સેનાએ વિદેશી મીડિયાના અહેવાલો પર ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. તે જ સમયે, હમાસના વરિષ્ઠ અધિકારી મુસા અબુ મારઝૂકે કહ્યું કે ઇસ્માઇલ હાનિયાની હત્યા એક કાયરતાપૂર્ણ કૃત્ય છે, જેને ચોક્કસપણે સજા આપવામાં આવશે. આનો બદલો લેવામાં આવશે. આ ઘટના બાદ ઈઝરાયેલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ઈઝરાયેલના મંત્રી અમીચાઈ ઈલિયાહુએ કહ્યું કે હમાસના નેતાની હત્યાથી દુનિયા સારી થશે. આવા લોકો માટે કોઈ દયા નથી, એલિયાહુએ X પર એક પોસ્ટમાં લખ્યું.
પેલેસ્ટાઈનીઓને એક થવાનું આહ્વાન કર્યું
પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસે ઈસ્માઈલ હાનિયાની હત્યાની નિંદા કરી છે અને તેને કાયરતાપૂર્ણ અને ખતરનાક ઘટના ગણાવી છે. અબ્બાસે પેલેસ્ટાઈનીઓને ઈઝરાયેલના કબજાનો સામનો કરવા માટે એકજુટ, ધૈર્ય અને મક્કમ રહેવાનું આહ્વાન કર્યું હતું.