રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના ખરેડા ગામે ચાલી રહેલી મનરેગાની કામગીરીની જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદે મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. તેમણે તળાવ બાંધકામના કામમાં રોકાયેલા મનરેગા કામદારો સાથે વાતચીત કરી અને શેડ, પીવાનું પાણી, પ્રાથમિક સારવાર વગેરે સહિતની મૂળભૂત સુવિધાઓની ઉપલબ્ધતાનો તાગ મેળવ્યો.
નિરીક્ષણ દરમિયાન, તેમણે અધિકારીઓને સૂચના આપી કે કામદારોને કાર્યસ્થળ પર તમામ જરૂરી સુવિધાઓ મળે જેથી તેઓ સલામત અને સ્વસ્થ વાતાવરણમાં કામ કરી શકે. મનરેગા યોજના હેઠળ, જિલ્લા વહીવટીતંત્ર તળાવો અને નદીઓના ઊંડાણ, જળ સંરક્ષણ અને રોજગાર સર્જનના ઉદ્દેશ્યોને લગતા કાર્યો કરાવી રહ્યું છે. આ પહેલ હેઠળ, ગ્રામજનોને તેમના પોતાના ગામમાં રોજગારી પૂરી પાડવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ નિરીક્ષણમાં તાલુકા વિકાસ અધિકારી રિદ્ધિબેન પટેલ, તબીબી અધિકારી ડો. અંકિત ગોંડલિયા અને ડો. માધવીબેન પંડ્યા, ગામના સરપંચ ગીતાબેન ચાવડા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કૌશિકભાઈ સરતેજા, મનરેગા ડીડીપીસી સંજયભાઈ, મનરેગા કર્મચારીઓ અને ગ્રામીણ નાગરિકો પણ હાજર રહ્યા હતા.