માત્ર ૧૦ મિનિટમાં તૈયાર કરો ચટાકેદાર ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું: જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી
ઉનાળાની ઋતુ હોય અને થાળીમાં કેરીનું અથાણું ન હોય એવું તો બને જ નહીં! સામાન્ય રીતે અથાણું બનાવવામાં અને તેને ચડવામાં દિવસો નીકળી જતા હોય છે, પણ આજે અમે તમારા માટે લાવ્યા છીએ એવી રેસીપી જે તમે ગણતરીની મિનિટોમાં બનાવી શકશો અને તરત જ જમવામાં ઉપયોગમાં લઈ શકશો. આ અથાણું પરાઠા, પૂરી કે ખીચડી સાથે અદભૂત લાગે છે.
જરૂરી સામગ્રી:
- કાચી કેરી: ૩ નંગ (બરાબર ધોઈને મીડિયમ ટુકડામાં કાપેલી)
- સીંગતેલ અથવા રાયડો તેલ: ૧ કપ (૨૫૦ મિલી)
- હળદર પાવડર: ૧ નાની ચમચી
- લાલ મરચું પાવડર: ૧.૫ મોટી ચમચી (તમારા સ્વાદ મુજબ વધ-ઘટ કરી શકાય)
- મીઠું: ૨ મોટી ચમચી અથવા સ્વાદ મુજબ
- જીરું: ૧ મોટી ચમચી
- રાઈ: ૧ મોટી ચમચી
- આખા ધાણા: ૧ મોટી ચમચી
- અજમો: ૧ નાની ચમચી
- વરિયાળી: ૧ મોટી ચમચી
- ખાંડ: ૩ મોટી ચમચી (ગળપણ અને પ્રિઝર્વેટિવ માટે)
- હીંગ: ૧/૨ નાની ચમચી
બનાવવાની રીત (સ્ટેપ-બાય-સ્ટેપ):
૧. મસાલો તૈયાર કરવો:
સૌ પ્રથમ એક મિક્સર જાર લો. તેમાં રાઈ, જીરું, આખા ધાણા, અજમો, વરિયાળી અને ખાંડ ઉમેરો. જાર બંધ કરી આ બધી સામગ્રીને અધકચરી (દરદરી) પીસી લો. ધ્યાન રાખવું કે પાવડર એકદમ ઝીણો ન થઈ જાય, મસાલો થોડો કરકરો હશે તો અથાણાનો સ્વાદ વધુ સારો આવશે.
૨. તેલ ગરમ કરવું:
ગેસ ચાલુ કરી એક પેન અથવા કઢાઈ ગરમ કરવા મૂકો. તેમાં તેલ ઉમેરો અને તેને બરાબર ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાંથી અંદાજે ૭૦% તેલ એક અલગ વાટકીમાં કાઢી લો અને તેને ઠંડુ થવા દો.
૩. મસાલાનું મિશ્રણ:
હવે પેનમાં જે બાકીનું તેલ વધ્યું છે, તેમાં હીંગ, હળદર, લાલ મરચું અને ધાણાજીરું ઉમેરી બરાબર મિક્સ કરો. તરત જ ગેસ બંધ કરી દો જેથી મસાલા બળી ન જાય. હવે આ તેલમાં તમે મિક્સરમાં પીસેલો કરકરો મસાલો ઉમેરી દો. આ મિશ્રણને બરાબર હલાવી લો અને તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
૪. કેરી ઉમેરવી:
જ્યારે તેલ અને મસાલાનું મિશ્રણ ઠંડુ થઈ જાય, ત્યારે જ તેમાં સમારેલી કાચી કેરી અને મીઠું ઉમેરો. (ગરમ મસાલામાં કેરી નાખવાથી તે નરમ પડી જશે, એટલે ઠંડુ થવું જરૂરી છે). બધું બરાબર મિક્સ કરો જેથી મસાલો કેરીના દરેક ટુકડા પર ચડી જાય.
૫. છેલ્લું સ્ટેપ:
હવે ઉપરથી જે બાકીનું તેલ આપણે કાઢી રાખ્યું હતું, તે ઉમેરી દો. આ તેલ ઉમેર્યા પછી અથાણાને ૨-૩ કલાક માટે એમ જ રહેવા દો. આ સમય દરમિયાન કેરી મસાલા અને તેલને બરાબર સોષી લેશે અને અથાણું ખાવા માટે એકદમ તૈયાર થઈ જશે!
સાચવવાની રીત
- આ અથાણાને એકદમ સાફ અને કોરી કાચની બરણીમાં ભરીને રાખો.
- જો તમે આ અથાણું ફ્રીઝમાં રાખશો, તો ૨ અઠવાડિયા સુધી તે તાજું રહેશે.
- હંમેશા સૂકી ચમચીનો જ ઉપયોગ કરો જેથી અથાણું બગડે નહીં.
ખાસ નોંધ: આ રેસીપીમાં ખાંડનો ઉપયોગ મસાલાના તીખાશને બેલેન્સ કરવા અને અથાણાને લાંબો સમય સાચવવા માટે કરવામાં આવ્યો છે. જો તમને ખાટી-મીઠી કેરી ભાવતી હોય તો આ અથાણું ચોક્કસ ટ્રાય કરજો!

