અજીત અગરકર સાથે અણબનાવ અને ટીમ ઈન્ડિયામાં નો એન્ટ્રી? મોહમ્મદ શમીએ નિવૃત્તિના સમાચારો પર તોડ્યું મૌન
ભારતીય ક્રિકેટ જગતમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ચર્ચાઈ રહ્યો છે કે, શું અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની કારકિર્દીનો અંત આવી ગયો છે? 9 માર્ચ, 2025ના રોજ ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમ્યા બાદ શમી એક વર્ષથી વધુ સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. ઘરેલું ક્રિકેટમાં બંગાળ તરફથી રમતા શમીએ 2025-26ની સીઝનમાં 67 વિકેટ ઝડપીને પોતાની ફિટનેસ સાબિત કરી દીધી છે, તેમ છતાં પસંદગીકારોના અધ્યક્ષ અજીત અગરકર અને BCCI તેને ટીમમાં સ્થાન આપવા તૈયાર નથી.
શમી અને અગરકર વચ્ચે શું છે વિવાદ?
અહેવાલો અનુસાર, શમી અને અજીત અગરકર વચ્ચે વાતચીતનો અભાવ વિવાદનું મુખ્ય કારણ બન્યો છે. શમીએ જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે પસંદગીકારો તેની સાથે યોગ્ય રીતે વાતચીત કરી રહ્યા નથી. બીજી તરફ, ટીમ મેનેજમેન્ટ હવે યુવા બોલરો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોય તેવું જણાય છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને ઇંગ્લેન્ડ પ્રવાસ વખતે પણ શમીની વાપસીની ચર્ચાઓ હતી, પરંતુ અંતે તે ટીમમાં સ્થાન મેળવી શક્યો નહીં.
નિવૃત્તિ અંગે શમીનો સણસણતો જવાબ
તાજેતરમાં ‘ધ શુભંકર મિશ્રા શો’માં જ્યારે શમીને તેની નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે 35 વર્ષીય આ પેસરે ખૂબ જ સ્પષ્ટ અને મક્કમ જવાબ આપ્યો. શમીએ કહ્યું:
“જે દિવસે હું સવારે ઉઠીશ અને મને લાગશે કે હું ક્રિકેટથી કંટાળી ગયો છું (Bored), તે દિવસે હું ક્રિકેટ છોડી દઈશ. અત્યારે હું નિવૃત્તિ વિશે વિચારતો પણ નથી, કારણ કે આવા વિચારો તમને માનસિક રીતે નબળા પાડે છે. જો તમારા મનમાં નિવૃત્તિનો વિચાર આવે છે, તો તેનો અર્થ એ છે કે તમે થાકી ગયા છો. પણ અત્યારે તો મને રમવાની મજા આવી રહી છે અને પરિણામો પણ પોઝિટિવ છે.”
IPL 2026: લખનૌ સુપર જાયન્ટ્સ સાથે નવી શરૂઆત
મોહમ્મદ શમી અત્યારે સંપૂર્ણપણે IPL 2026 પર ધ્યાન આપી રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 2025ના મેગા ઓક્શનમાં ₹10 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ ત્યાં તેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું (9 મેચમાં 6 વિકેટ). હવે ટ્રેડ વિન્ડો દ્વારા તે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માં સામેલ થયો છે.
શમીએ પોતાની તૈયારીઓ વિશે વાત કરતા જણાવ્યું કે, “લખનૌએ મારા પર ભરોસો મૂક્યો છે, તો હું મારું 100% યોગદાન આપીશ. મેં કેટલા ડોમેસ્ટિક મેચ રમ્યા તેના કરતા મારી લય (Rhythm) કેવી છે તેના પર મારું ધ્યાન છે. જો મારી લય બરાબર હશે, તો હું ભવિષ્ય વિશે વિચારી શકીશ.”
શું ટીમ ઈન્ડિયામાં ફરી મળશે તક?
શમીની ગેરહાજરીમાં ઘણા નવા ફાસ્ટ બોલરોએ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. જોકે, શમી જેવો અનુભવી બોલર ગમે ત્યારે મેચનું પાસું પલટી શકે છે. હવે બધું આઈપીએલના પ્રદર્શન પર નિર્ભર છે. જો શમી લખનૌ તરફથી રમીને ફરી એકવાર ‘પર્પલ કેપ’ જેવું પ્રદર્શન કરે, તો અજીત અગરકર અને પસંદગીકારો માટે તેને નજરઅંદાજ કરવો મુશ્કેલ બની જશે.

