GIFT Nifty માં નબળાઈ અને એશિયન બજારોના મિશ્ર સંકેતો: જાણો શેરબજારની આજની ફ્લેટ શરૂઆતના કારણો
શેરબજારમાં આજે મંગળવારે ૨૧ જુલાઈ ૨૦૨૬ ના રોજ ગ્લોબલ માર્કેટના મિશ્ર સંકેતો અને ગિફ્ટ નિફ્ટીમાં નબળાઈ વચ્ચે સાવચેતીભર્યા વાતાવરણમાં કામકાજ શરૂ થવાની ધારણા છે. વૈશ્વિક કક્ષાએ ક્રૂડ ઓઇલના ભાવમાં જોવા મળતી અસ્થિરતા અને પ્રથમ ક્વાર્ટરના પરિણામોની મોસમ (Q1FY27 Results) ચાલી રહી હોવાથી દલાલ સ્ટ્રીટ પર રોકાણકારોની નજર આજના પરિણામો અને લિસ્ટિંગ પર ટકેલી રહેશે.
ભારતીય શેરબજારમાં આજે મંગળવારે સવારે કારોબારની શરૂઆત સાવચેતીભરી અને ફ્લેટ રહેવાના સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી (GIFT Nifty) સવારે ૧૩૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪,૧૪૩ ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જે ભારતીય સૂચકાંકો માટે સુસ્ત કે સહેજ નબળા પ્રારંભ તરફ ઈશારો કરે છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અને દક્ષિણ કોરિયાનો કોસ્પી સુધારા સાથે કારોબાર કરી રહ્યા છે, જ્યારે ચીન અને ઓસ્ટ્રેલિયાના બજારો દબાણ હેઠળ છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઘટવાના છતાં $૮૮.૫૯ પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.
આવા વૈશ્વિક માહોલ વચ્ચે આજે ક્વાર્ટરલી પરિણામો, નવા આઈપીઓ લિસ્ટિંગ અને કોર્પોરેટ જાહેરાતોને કારણે અનેક શેરોમાં મોટો ચડાવ-ઉતાર જોવા મળી શકે છે.
ક્વાર્ટરલી પરિણામો જાહેર કરનારી પ્રમુખ કંપનીઓ
આજે મંગળવારે ૨૧ જુલાઈના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ક્વાર્ટર (Q1FY27) ના પરિણામો જાહેર કરનારી અગ્રણી કંપનીઓમાં બજાજ ઓટો, અદાણી એનર્જી સોલ્યુશન્સ, ટીવીએસ મોટર કંપની, ઇન્ડિયન હોટેલ્સ, જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અદાણી ટોટલ ગેસ, મહિન્દ્રા ફાઇનાન્સ, બંધન બેંક, આદિત્ય બિરલા સન લાઇફ AMC, ક્રિસિલ અને ગ્રાન્ડ્યુલ્સ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. આ કંપનીઓના નાણાકીય આંકડા બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
SBI ફંડ્સ મેનેજમેન્ટ અને આલ્પાઇન ટેક્સવર્લ્ડનું લિસ્ટિંગ
આજે એક્સચેન્જ પર દેશની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની SBI ફંડ્સ મેનેજમેન્ટનો સ્ટોક લિસ્ટ થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત કાપડ ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત આલ્પાઇન ટેક્સવર્લ્ડનો શેર પણ આજે બજારમાં ડેબ્યૂ કરશે. રોકાણકારો માટે આ બંને સ્ટોક્સના લિસ્ટિંગ ગેઇન પર વિશેષ નજર રહેશે.
પેટીએમ અને એસએમએલ ઇસુઝુના પરિણામો
ફિનટેક દિગ્ગજ પેટીએમ (Paytm) એ Q1FY27 માં શાનદાર પ્રદર્શન કરતા ₹૨૨૦ કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરના ₹૧૨૩ કરોડથી ૭૯ ટકા વધુ છે. કંપનીની કામગીરીમાંથી આવક પણ ૨૭.૬ ટકા વધીને ₹૨,૪૪૮ કરોડ પહોંચી છે.
બીજી તરફ, વાહન ઉત્પાદક એસએમએલ ઇસુઝુનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૫.૧ ટકા ઘટીને ₹૬૩.૫ કરોડ રહ્યો છે, જોકે તેની આવક ૧૩.૨ ટકા વધીને ₹૯૫૮ કરોડ થઈ છે. ઉત્પાદન ખર્ચ વધવાને કારણે કંપનીના માર્જિનમાં થોડો ઘટાડો નોંધાયો છે.
ઓર્ડર વિનિંગ અને કોર્પોરેટ ન્યૂઝથી ચર્ચામાં રહેતા સ્ટોક્સ
એન્જિનિયરિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની એલ એન્ડ ટી (L&T) ને મેટલ્સ અને માઇનિંગ સેક્ટરમાંથી ₹૧૦,૦૦૦ કરોડથી વધુના મેગા ઓર્ડર મળ્યા હોવાની જાહેરાત બાદ તેના શેરમાં એક્શન જોવા મળી શકે છે.
ટાટા સ્ટીલે ઝારખંડમાં ૨૦૨૮ સુધીમાં ₹૧૦,૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરવાની અને ૨,૦૦૦ નવી રોજગારીઓ ઉભી કરવાની યોજના જાહેર કરી છે.
આ ઉપરાંત, બ્રોકિંગ કંપની એન્જલ વને શેરદીઠ ₹૧ નો વચગાળાનો ડિવિડન્ડ જાહેર કર્યો છે. સિક્યોરિટીઝ માર્કેટમાં સીડીએસએલ (CDSL) પર નવેમ્બર ૨૦૨૨ ના માલવેર હુમલા અને સાયબર સુરક્ષામાં ખામી બદલ સેબી (SEBI) એ ₹૧ કરોડનો દંડ ફટકાર્યો હોવાથી તેના શેર પર નકારાત્મક અસર પડી શકે છે. બ્લુસ્ટોન જ્વેલરીએ Q1 માં ₹૧૪ કરોડનો નફો કરી મજબૂત વાપસી કરી છે, જ્યારે સનટેક રિયલ્ટી અને ટીવીએસ મોટર ભંડોળ એકત્ર કરવાની દરખાસ્ત પર વિચાર કરશે.

