16 વર્ષના છોકરાનું મોટું પરાક્રમ
દુનિયામાં મોટાભાગના લોકો પોતાના માટે કાર, ઘર ખરીદવા કે પછી ફરવા જવા પૈસા બચાવતા હોય છે. જોકે, યુકેમાં રહેતા માંડ 16 વર્ષના છોકરાએ જ આ ઉંમરે એટલા બધા રુપિયા કમાઈ લીધા છે કે તે એક મર્સિડિસ કાર લઈ લે તો પણ તેની પાસે ઘણા બધા રુપિયા બચી જાય. એડવર્ડ રિકેટ્સ નામનો આ છોકરો ઈસ્ટ લંડનમાં રહે છે.
150 પાઉન્ડમાંથી 55 લાખ રુપિયા બનાવ્યા
એડવર્ડની લાઈફ પહેલા તેની ઉંમરના બીજા છોકરાઓ જેવી જ હતી. સ્કૂલે જતો, પાર્ટ-ટાઈમ નોકરી કરતો. નોકરી કરી તેણે 150 પાઉન્ડ બચાવ્યા. પરંતુ તેને કપડાં, ડ્રિંક કે બીજા કશા પાછળ ઉડાવી દેવાને બદલે એડવર્ડે તેમાંથી કમાણી કરવાનું નક્કી કર્યું, અને તેને લાગ્યું કે કરન્સી માર્કેટમાં તે ઓછા સમયમાં વધુ રુપિયા બનાવી શકે તેમ છે.
યૂટ્યૂબ પર વિડીયો જોઈને શીખી ગયો
જોકે એડવર્ડને ફોરેક્સ માર્કેટ અંગે કશીય સમજણ નહોતી. તેણે આખરે યૂટ્યૂબ પર તેના વિશે વિડીયો જોવાના શરુ કર્યા. તે ધીરે-ધીરે શીખી ગયો કે કઈ રીતે કરન્સી માર્કેટમાં રુપિયા રોકીને મોટો નફો કમાઈ શકાય છે. ક્યારેક તો તે તેની પૂરતી સમજ મેળવવા રોજના પાંચ કલાક યુટ્યૂબ પર વિડીયો જોવામાં ગાળતો.
જાતે જ શરુ કરી દીધું ઈન્વેસ્ટમેન્ટ
આખરે તેણે પોતે શીખેલી વસ્તુઓ કામે લગાડવાનું શરુ કર્યું, અને એક જ વર્ષમાં તે 13,500 રુપિયામાંથી 55.24 લાખ રુપિયા જેટલી માતબર રકમ કમાઈ ગયો. તેને ઈન્સ્ટાગ્રામ પર એક એડવાઈઝર મળ્યો હતો, જોકે તે એડવર્ડને હંમેશા એમ કહે રાખતો કે તેને કરન્સી માર્કેટમાં કમાવું હોય તો તેની પાસેથી કોચિંગ લેવું પડશે. જોકે, એડવર્ડ તેને ખોટો પાડવા માગતો હતો, અને આખરે તેણે જાતે જ કરન્સી માર્કેટમાં રુપિયા રોકવાનું ચાલુ કરી દીધું.
બ્રેક્ઝિટનો ફાયદો થયો
એડવર્ડનું કહેવું છે કે બ્રેક્ઝિટનો તેને પ્રોફિટ બનાવવામાં જોરદાર ફાયદો થયો. તે યુકે અને યુરોપિયન યુનિયનના ન્યૂઝ સતત ફોલો કરતો હતો, અને તેનાથી કરન્સી માર્કેટમાં શું ફરક પડી શકે તેનો અભ્યાસ કરતો હતો. મોટી સક્સેસ મેળવ્યા બાદ હવે એડવર્ડ પાસે 100 જેટલા ક્લાયન્ટ છે, અને હજુ તો તે ગ્રેજ્યુએટ પણ નથી થયો.