નસીબ પણ જેનાથી એક ડગલું પાછળ ચાલે તેવું મહાન વ્યક્તિત્વ એટલે મહેન્દ્રસિંહ ધોની

વર્તમાન ટીમ ઈન્ડિયાના સૌથી અનુભવી ખેલાડી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને એશિયા કપ-2018માં અફઘાનિસ્તાન સામેની વન-ડે મેચમાં ટીમનું સુકાન સંભાળવાની તક મળી અને એ સાથે જ ધોનીએ ઈતિહાસ રચ્યો અને વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

માહીએ 696 દિવસ બાદ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી અને એ પણ માત્ર એક મેચ માટે. જોકે આ ઘટના કોઈ સામાન્ય ઘટના નહતી. કારણકે આ મેચ એ કેપ્ટન તરીકે ધોનીની 200મી આંતરરાષ્ટ્રીય મેચ હતી. ધોની સાચે જ નસીબનો બળીયો છે જેને કેપ્ટન પદ છોડ્યા બાદ પણ અનાયાસે જ આ સૌભાગ્ય મળી ગયું. 200 વન-ડેમાં ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળનારો ધોની ભારતનો પ્રથમ કેપ્ટન બની ગયો છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન સામેની મેચમાં કેપ્ટન બનીને ધોની ભારતનો સૌથી વધુ ઉંમરનો કેપ્ટન પણ બની ગયો છે. 37 વર્ષ અને 80 દિવસના મહેન્દ્રસિંહ ધોની પહેલાં મોહમ્મદ અઝહરુદ્દીનના નામે આ રેકોર્ડ હતો જેણે 36 વર્ષ અને 124 દિવસની ઉંમરે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું.

મહત્વની વાત તો એ છે કે, એશિયા કપ-2018માં ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી હતી. પરંતુ ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાએ પહેલેથી જ પોતાનું સ્થાન નક્કી કરી લેતાં અફઘાનિસ્તાન સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને વાઈસ કેપ્ટન શિખર ધવન બન્નેને આરામ આપવામાં આવ્યો હતો. જેથી કેપ્ટનની જવાબદારી 696 દિવસો બાદ ફરી એકવાર ધોનીને શિરે આવી અને જે રેકોર્ડ ધોનીના નામે આવવાની રાહ જોઈ રહ્યો હતો તે દિવસ આખરે આવી ગયો અને રેકોર્ડ બુકમાં વધુ એકવાર સુવર્ણ અક્ષરે લખાઈ ગયું ‘કેપ્ટન કૂલ MSD’નું નામ.

આંતરાષ્ટ્રીય ક્રિકેટની વન-ડે ફોર્મેટમાં 200 વન-ડેમાં કેપ્ટન રહેવાનો રેકોર્ડ નોંધાવનારો ધોની પહેલો ભારતીય અને ક્રિકેટ ઈતિહાસનો ત્રીજો ખેલાડી બની ગયો છે. ધોની પહેલા આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગ (230 વન-ડે) અને ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગનું (218 વન-ડે) નામ આવે છે. મહેન્દ્રસિંહ ધોની તેની કપ્તાનીમાં ભારતને વર્ષ 2007નો ટી-20 વર્લ્ડકપ, 2011નો વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતાવી ચુક્યો છે. ICCની ત્રણેય ટ્રોફી જીતનારો ધોની ક્રિકેટ વિશ્વનો એકમાત્ર કેપ્ટન છે. ધોનીએ વર્ષ 2016ના ઓક્ટોબરમાં વન-ડે અને ટી-20 ફોર્મેટમાંથી પણ કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી વિરાટ કોહલી ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં ભારતનો નિયમિત કપ્તાન છે.

ધોનીની રેકોર્ડ બુક પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં 200 વન-ડેમાં કેપ્ટન રહેનારા ધોનીએ 110 મેચમાં ટીમને જીત અપાવી છે, 74માં પરાજય થયો છે જ્યારે 5 મેચ ટાઈ રહી અને 11 મેચમાં કોઈ પરિણામ આવ્યું નહતું. ધોની પછી મોહમ્મદ અઝહરુદ્દીને 174 મેચમાં અને સૌરવ ગાંગુલીએ 147 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

One comment

Join the discussion

Your email address will not be published. Required fields are marked *