RCB અને ટીમ ઈન્ડિયાની આ સ્ટાર મહિલા ખેલાડીએ ક્રિકેટના તમામ ફોર્મેટને કહ્યું અલવિદા!
ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર બેટ્સમેન સબ્બીનેની મેઘના (Sabbhineni Meghana)એ માત્ર 30 વર્ષની ઉંમરે ક્રિકેટના તમામ formatsમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. તેમના આ અચાનક લીધેલા નિર્ણયથી ખેલ જગત અને તેમના ફેન્સ ખૂબ આશ્ચર્યચકિત છે. મેઘનાએ માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જ નહીં, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટ અને મહિલા પ્રીમિયર લીગ (WPL)માંથી પણ હંમેશા માટે વિદાઈ લઈ લીધી છે.
તેણે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપી છે. તેણે લખ્યું કે હવે તેના જીવનનો એક ખૂબ જ સુંદર અધ્યાય પૂરો થઈ રહ્યો છે અને તે પોતાની કારકિર્દી દરમિયાન મળેલા અનુભવો અને પ્રેમ માટે દિલથી આભારી છે.
“મેદાન મારો બીજો ઘર રહ્યો છે” – મેઘનાનો ભાવુક સંદેશ
સબ્બીનેની મેઘનાએ પોતાની પોસ્ટમાં પોતાની ક્રિકેટની સફરને યાદ કરતા લખ્યું— “પ્રથમ વખત હાથમાં બેટ પકડીને મેદાન પર ઉતારવું અને પછી દુનિયાના સૌથી મોટા મંચ પર પોતાના દેશ એટલે કે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવી, મારા માટે કોઈ સપના સાકાર થવા સમાન રહ્યું છે. આજે જ્યારે હું એક ખેલાડી તરીકે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી રહી છું, ત્યારે મારું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે.”
તેણે આગળ લખ્યું— “આ ક્રિકેટનું મેદાન હંમેશાથી મારું બીજો ઘર રહ્યું છે. તેણે મને મુશ્કેલ સમયમાં હિંમત રાખવી, નમ્ર રહેવું અને શિસ્ત શીખવવી છે. આ રમતે મને એવી અનમોલ યાદો અને આજીવન સાથ નિભાવનારા મિત્રો આપ્યા છે, જેને હું હંમેશા સાચવીને રાખીશ.”
પરિવાર, કોચ અને બોર્ડનો માન્યો આભાર
મેઘનાએ પોતાની આ લાંબી અને યાદગાર સફરમાં સાથ આપનાર દરેક વ્યક્તિનો દિલથી આભાર માન્યો છે. તેણે લખ્યું— “મારા પરિવારનો ખૂબ-ખૂબ આભાર, જે દરેક મુશ્કેલ સમયમાં મારી પાછળ પથ્થરની જેમ ઊભા રહ્યા. મારા તમામ કોચ, ટીમની સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો પણ આભાર, જેમણે મને હંમેશા મારો શ્રેષ્ઠ દેખાવ કરવા માટે પ્રેરિત કરી.”
આ સાથે જ તેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI), આંધ્ર ક્રિકેટ એસોસિએશન, મહિલા પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત જાયન્ટ્સનો પણ આભાર વ્યક્ત કર્યો, જેમણે તેને પોતાની પ્રતિભા બતાવવાની તક આપી.
કેવો રહ્યો સબ્બીનેની મેઘનાનો ક્રિકેટરિયર?
સબ્બીનેની મેઘના એક આક્રમક ઓપનિંગ બેટ્સમેન તરીકે જાણીતી છે. તેણે ભારત માટે વન-ડે અને ટી-20 ફોર્મેટમાં પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત, મહિલા પ્રીમિયર લીગ (WPL)માં પણ તેણે પોતાની આગવી છાપ છોડી હતી. તે WPLમાં ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) જેવી ટીમનો હિસ્સો રહી હતી, જ્યાં તેણે RCB માટે 9 મેચો રમી હતી.
ભલે તેણે 30 વર્ષની નાની વયે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હોય, પરંતુ તેની આ સંઘર્ષભરી સફર આવનારી નવી યુવતીઓ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. ફેન્સ સોશિયલ મીડિયા પર તેને તેની આગામી નવી સફર માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

