પેટ કમિન્સે ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે વ્યક્ત કરી ચિંતા: સન્માનજનક વ્યવહારની કરી માંગ
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની જેલમાં કથળતી જતી તબિયત અને તેમની પરિસ્થિતિ હાલ સમગ્ર ક્રિકેટ જગતમાં ભારે ચર્ચાનો વિષય બની છે. આ કડીમાં હવે ઓસ્ટ્રેલિયાના વર્તમાન ટેસ્ટ અને વનડે કેપ્ટન પેટ કમિન્સનું નામ પણ જોડાઈ ગયું છે, જેણે ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કમિન્સે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઇમરાન ખાન સાથે માનવતા અને આદરપૂર્વકનો વ્યવહાર થવો જોઈએ.
૭૩ વર્ષીય ઇમરાન ખાન ઓગસ્ટ ૨૦૨૩ થી રાવલપિંડીની જેલમાં કેદ છે. અહેવાલો મુજબ, જેલમાં એકાંતવાસ અને યોગ્ય તબીબી સુવિધાઓના અભાવને કારણે તેમના સ્વાસ્થ્યમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વના ઘણા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સુકાનીઓએ ઇમરાન ખાનની સુરક્ષા અને સારવાર માટે પાકિસ્તાન સરકારને અપીલ કરી છે. આ દરમિયાન, લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સ્કાય સ્પોર્ટ્સ પર ઇમરાન ખાનના બે પુત્રોનો ઇન્ટરવ્યુ પ્રસારિત કરાયો હતો, જેમાં તેઓએ પોતાના પિતાના જીવન પ્રત્યે ગંભીર ભય વ્યક્ત કર્યો હતો. આ વિડિયો સામે આવ્યા બાદ પેટ કમિન્સે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
કોર્ટના આદેશ મુજબ યોગ્ય તબીબી સારવાર અને પરિવારને મળવાની મંજૂરી મળવી જોઈએ: પેટ કમિન્સ
૨૮ ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે લખ્યું, “હું ગ્રેગ ચેપલ અને અન્ય ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સુકાનીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા સમર્થનમાં મારો અવાજ ઉમેરી રહ્યો છું. મને આશા છે કે કોર્ટના આદેશ મુજબ તબીબી તપાસની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને તેમના પરિવારના સભ્યોને તેમને મળવાની સતત મંજૂરી આપવામાં આવશે. મને આશા છે કે ઇમરાન ખાન સાથે તે આદર અને ગરિમા સાથે વ્યવહાર કરવામાં આવશે જેના તેઓ હકદાર છે.”
નોંધનીય છે કે, ઇમરાન ખાનના સમર્થનમાં અને તેમના સ્વાસ્થ્ય અંગે અવાજ ઉઠાવનાર પેટ કમિન્સ પ્રથમ એક્ટિવ (સક્રિય) આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બની ગયો છે. આ પહેલા વિશ્વભરના ૨૧ ભૂતપૂર્વ કેપ્ટનોએ પાકિસ્તાનના વડાપ્રધાનને પત્ર લખીને ઇમરાન ખાનની યોગ્ય સારવારની માંગ કરી હતી.
૨૦૨૩ થી જેલમાં બંધ ઇમરાન ખાનના પુત્રોએ પિતાના જીવ સામે વ્યક્ત કર્યો ખતરો
ભ્રષ્ટાચારના વિવિધ આરોપોમાં દોષિત ઠેરવાયા બાદ પાકિસ્તાન સરકારે ઇમરાન ખાનને ૨૦૨૩ થી જેલમાં રાખ્યા છે. તાજેતરમાં તેમની તબિયત વધુ લથડતા તેમને ઇસ્લામાબાદની સરકારી હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં ફરી જેલમાં મોકલી દેવાયા હતા.
સ્કાય સ્પોર્ટ્સ નેટવર્ક સાથેના ઇન્ટરવ્યુમાં ઇમરાન ખાનના બે પુત્રો, સુલેમાન અને કાસિમે પોતાના પિતાની સુરક્ષા વિશે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે તેમના પિતા પર અગાઉ પણ જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે અને જેલમાં તેમની સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ કરવામાં આવી રહી છે.
Adding my support here to GC and the other former international captains. I hope the court ordered medical assessment be allowed to run its course, and that family visits continue. I hope Imran Khan is treated with the dignity anyone deserves https://t.co/L1L512wXao
— Pat Cummins (@patcummins30) August 28, 2026
વિશ્વભરના દિગ્ગજ ક્રિકેટરો પણ સમર્થનમાં આગળ આવ્યા
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલના નેતૃત્વમાં શરુ થયેલી આ ઝુંબેશમાં સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, દિલીપ વેંગસરકર, સ્ટીવ વો, આદમ ગિલક્રિસ્ટ, સર એલિસ્ટર કૂક અને નાસિર હુસૈન જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ જોડાણ કરી ચૂક્યા છે. તમામ ખેલાડીઓનું માનવું છે કે ક્રિકેટ મેદાનની સ્પર્ધા સીમાઓથી પર છે અને ૧૯૯૨ માં પાકિસ્તાનને વર્લ્ડ કપ વિજેતા બનાવનાર સુકાની સાથે માનવીય ધોરણે યોગ્ય વ્યવહાર થવો જ જોઈએ.

