મંગળવારે મોડી રાત્રે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ તરીકે વિપક્ષી ઉમેદવાર લી જે-મ્યુંગ ચૂંટાયા. આ જીત દેશમાં મહિનાઓથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલનો અંત લાવશે, જે હવે પદભ્રષ્ટ કરાયેલા રૂઢિચુસ્ત નેતા યૂન સુક યેઓલના ‘માર્શલ લો’ લાદવાના આશ્ચર્યજનક નિર્ણયને કારણે શરૂ થયો હતો. લીની ચૂંટણી દક્ષિણ કોરિયાની વિદેશ નીતિમાં કોઈ મોટો અને તાત્કાલિક ફેરફાર લાવશે કે નહીં તે સ્પષ્ટ નથી.
નવા રાષ્ટ્રપતિ સામે કયા પડકારો છે?
ટીકાકારો દ્વારા લી પર અગાઉ ચીન અને ઉત્તર કોરિયા તરફ ઝુકાવ રાખવાનો અને અમેરિકા અને જાપાનથી દૂર રહેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. લીએ વારંવાર ભાર મૂક્યો છે કે દક્ષિણ કોરિયાનું અમેરિકા સાથેનું જોડાણ તેની વિદેશ નીતિનો આધાર છે. દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ સામે સૌથી મુશ્કેલ બાહ્ય પડકારો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કર નીતિ અને ઉત્તર કોરિયાનો વધતો પરમાણુ કાર્યક્રમ છે. જોકે, નિષ્ણાતો કહે છે કે જે પણ રાષ્ટ્રપતિ બનશે તે આ મુદ્દાઓ પર દક્ષિણ કોરિયાની તરફેણમાં મોટી પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે ઘણું કરી શકશે નહીં.
જાહેરાત પહેલા જ કિમે હાર સ્વીકારી લીધી હતી
સ્થાનિક સમય મુજબ, મંગળવારે રાત્રે 2:40 વાગ્યા સુધીમાં, લગભગ 95 ટકા મતોની ગણતરી થઈ ચૂકી હતી. આ મુજબ, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર લી 48.86 ટકા મતો સાથે આગળ હતા. મુખ્ય રૂઢિચુસ્ત ઉમેદવાર કિમ મૂન સૂને 41.98 ટકા મતો મળ્યા. લીની જીતની ઔપચારિક જાહેરાત થાય તે પહેલાં જ, કિમે પોતાની હાર સ્વીકારી લીધી હતી અને પત્રકારોને કહ્યું હતું કે તેઓ “લોકોની પસંદગીને નમ્રતાથી સ્વીકારે છે.” કિમે લીને પણ અભિનંદન આપ્યા હતા.
નવા રાષ્ટ્રપતિ ક્યારે શપથ લેશે?
અગાઉ, લી સિઓલના રસ્તાઓ પર હજારો સમર્થકોની સામે દેખાયા હતા. તેમણે ઔપચારિક રીતે વિજયનો દાવો કર્યો ન હતો, પરંતુ અર્થતંત્રને પાટા પર પાછું લાવવા, ઉત્તર કોરિયા સાથે શાંતિને પ્રોત્સાહન આપવા જેવા તેમના મુખ્ય નીતિગત લક્ષ્યોનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું, “આપણે આશા સાથે આગળ વધવું જોઈએ અને આ ક્ષણથી નવી શરૂઆત કરવી જોઈએ.” વિજેતા ઉમેદવાર બુધવારે તાત્કાલિક રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ કોણ છે?
લી જે-મ્યાંગનું જીવન ગરીબીથી અમીરીમાં જવાની પ્રેરણાદાયી વાર્તા રહ્યું છે. તેઓ એક સમયે ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હતા, પછી માનવ અધિકારોના વકીલ બન્યા અને હવે દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ૧૯૬૩માં ગ્યોંગબુક પ્રાંતના એક દૂરના પર્વતીય ગામમાં એન્ડોંગમાં જન્મેલા લી એક ગરીબ પરિવારના છે. ૨૦૨૨ની ચૂંટણીમાં લીને ખૂબ જ ઓછા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે તેમનો પક્ષ ત્રીજા નંબરે હતો.
લી પહેલા માનવાધિકાર વકીલ હતા, જોકે પછીથી રાજકારણી બન્યા. મ્યાંગે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂન સામે મહાભિયોગમાં મોટી ભૂમિકા ભજવી છે અને તેથી જ તેમને પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.