શેરબજારમાં વેદાંતાનો માસ્ટરપ્લાન! એક સાથે લિસ્ટ થશે 4 નવી કંપનીઓ, જાણો રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો.
ભારતીય માઈનિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની વેદાંત લિમિટેડ (Vedanta) ના બોર્ડે તેના બિઝનેસને અલગ-અલગ હિસ્સામાં વહેંચવાની એટલે કે ‘ડીમર્જર’ની પ્રક્રિયાને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. અનિલ અગ્રવાલના નેતૃત્વ હેઠળની આ કંપની હવે તેના વિશાળ વ્યવસાયને ચાર અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓમાં વહેંચવા જઈ રહી છે. કંપનીએ આ ડીમર્જર માટે 1 મે, 2026 ની રેકોર્ડ ડેટ જાહેર કરી છે.
ડીમર્જરની ગણતરી: 1 શેરના બદલે 5 શેર કેવી રીતે?
કંપનીએ જાહેરાત કરી છે કે આ સ્પિન-ઓફ પ્રક્રિયા હેઠળ, દરેક શેરધારકને વેદાંતાના પ્રત્યેક 1 શેરના બદલે ડીમર્જ થયેલી દરેક નવી કંપનીમાં 1:1 ના રેશિયોમાં શેર ફાળવવામાં આવશે.
સરળ શબ્દોમાં કહીએ તો, જો તમારી પાસે રેકોર્ડ ડેટ સુધી વેદાંતાનો 1 શેર હશે, તો તમને ડીમર્જર પછી નવી બનનારી ચાર કંપનીઓના 1-1 શેર મફતમાં મળશે. આમ, તમારી પાસે વેદાંતા લિમિટેડ સહિત કુલ 5 અલગ-અલગ કંપનીઓના શેર થઈ જશે.
શેર ખરીદવાની છેલ્લી તારીખ કઈ? (મહત્વની સમયરેખા)
રોકાણકારોએ અહીં એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે 1 મે ના રોજ ‘મહારાષ્ટ્ર દિવસ’ હોવાથી શેરબજારમાં રજા છે. તેથી શેર ખરીદવાની અંતિમ તારીખમાં ફેરફાર થાય છે:
-
એક્સ-ડેટ (Ex-Date): 30 એપ્રિલ એ વેદાંતાના ડીમર્જર માટેની એક્સ-ડેટ છે. આ દિવસે વેદાંતાનો શેર નવી કંપનીઓના મૂલ્ય વગર ટ્રેડ થશે.
-
છેલ્લી તારીખ: ભારતમાં T+1 સેટલમેન્ટ સિસ્ટમ હોવાથી, જો તમારે આ ડીમર્જરનો લાભ લેવો હોય, તો તમારે 29 એપ્રિલ સુધીમાં વેદાંતાના શેર ખરીદી લેવા પડશે. જો તમે 30 એપ્રિલ કે તે પછી શેર ખરીદશો, તો તમે નવી કંપનીઓના શેર મેળવવા માટે પાત્ર ગણાશો નહીં.
ડીમર્જર બાદ કઈ નવી કંપનીઓ અસ્તિત્વમાં આવશે?
વેદાંતા તેના બિઝનેસને નીચે મુજબના ચાર અલગ વર્ટિકલ્સમાં વહેંચશે:
-
વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ (VAML): વેદાંતાના દરેક 1 શેર સામે VAML નો 1 શેર (ફેસ વેલ્યુ ₹1) મળશે. આ સાથે જ BALCO નો હિસ્સો પણ આ કંપનીમાં ટ્રાન્સફર થશે.
-
વેદાંતા પાવર (અગાઉની તલવંડી સાબો પાવર – TSPL): પાવર બિઝનેસ માટે વેદાંતાના દરેક શેર સામે આ કંપનીનો 1 શેર (ફેસ વેલ્યુ ₹10) મળશે.
-
વેદાંતા ઓઈલ એન્ડ ગેસ (અગાઉની માલ્કો એનર્જી – MEL): ઓઈલ અને ગેસ સેક્ટર માટે વેદાંતાના દરેક શેર સામે આ કંપનીનો 1 શેર (ફેસ વેલ્યુ ₹1) આપવામાં આવશે.
-
વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ (VISL): લોખંડ અને સ્ટીલના વ્યવસાય માટે વેદાંતાના દરેક શેર સામે VISL નો 1 શેર (ફેસ વેલ્યુ ₹1) મળશે.
NCD અને અન્ય મહત્વના ફેરફારો
કંપનીએ જણાવ્યું છે કે એલ્યુમિનિયમ બિઝનેસ સાથે જોડાયેલા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) પણ ‘વેદાંતા એલ્યુમિનિયમ મેટલ’ને ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટે પણ યોગ્ય ડિબેન્ચર હોલ્ડર્સ નક્કી કરવા માટે 1 મે, 2026 ની તારીખ જ રેકોર્ડ ડેટ તરીકે રાખવામાં આવી છે. ડીમર્જર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી કંપનીઓના નામમાં પણ ફેરફાર થશે જે રોકાણકારો માટે સ્પષ્ટતા લાવશે.

