શું રીલ્સ જોવાની લત તમારું મગજ નબળું પાડી રહી છે? નવી સ્કેનિંગ સ્ટડીમાં આવ્યો ચોંકાવનારો રિપોર્ટ!
આજના આધુનિક સમયમાં સોશિયલ મીડિયા આપણી દિનચર્યાનો એક મોટો ભાગ બની ગયું છે. જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પહેલા લાંબા વીડિયો જોવા કે માત્ર ફોટા શેર કરવા માટે બનાવવામાં આવ્યા હતા, તેમના અલ્ગોરિધમ અને ડિઝાઇન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. આજે દરેક પ્લેટફોર્મ શોર્ટ વીડિયો અને ‘રીલ્સ’ (Reels) થી ભરેલું છે.
મોટાભાગના લોકો ફોન અનલોક કરતા જ સીધા રીલ્સ સેક્શનમાં પહોંચી જાય છે અને પછી એક પછી એક વીડિયો સ્ક્ર્રોલ કરતાં કરતાં કલાકો વિતાવી દે છે. ઘણીવાર આપણને ખબર પણ નથી રહેતી કે સમય ક્યાં જતો રહ્યો! પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ રીતે સતત કલાકો સુધી રીલ્સ સ્ક્ર્રોલ કરવાથી આપણા મગજ પર શું અસર થાય છે? તાજેતરમાં થયેલા એક ચીની વૈજ્ઞાનિક અભ્યાસમાં આ સવાલનો ચોંકાવનારો જવાબ સામે આવ્યો છે.
શું કહે છે નવો સાયન્ટિફિક અભ્યાસ?
ચીનની જાણીતી ઝેજિયાંગ યુનિવર્સિટી (Zhejiang University) ના સંશોધક યૂઝેંગ હૂ (Yuzheng Hu) ના નેતૃત્વમાં એક વિશેષ રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેનું પરિણામ ‘NeuroImage’ નામના પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયું છે.
આ અભ્યાસમાં ૫૬ યુવાનોને સામેલ કરવામાં આવ્યા હતા. સંશોધકોએ આ યુવાનોના મગજની કામગીરી સમજવા માટે ફંક્શનલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (fMRI) નો ઉપયોગ કર્યો હતો. જ્યારે આ યુવાનો સ્માર્ટફોન પર ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સ પર શોર્ટ વીડિયો જોઈ રહ્યા હતા, ત્યારે તેમના મગજના સ્કેન લેવામાં આવ્યા હતા.
મગજના આગળના ભાગમાં આવેલા ‘ડોર્સલ એન્ટેરિયર સિંગ્યુલેટ કોર્ટેક્સ’ (dACC) માં રહેલા રસાયણો—જેમ કે ગ્લુટામેટ (Glutamate) અને ગાબા (GABA) ના સ્તરને માપવા માટે અદ્યતન પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી (H-MRS) ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રીલ્સ સ્ક્ર્રોલ કરતી વખતે મગજમાં શું થાય છે?
અભ્યાસના પરિણામો દર્શાવે છે કે જ્યારે લોકો તેમની પસંદગીના વીડિયો જોવાનું શરૂ કરે છે, ત્યારે મગજના બે મુખ્ય ભાગો—dACC અને ‘ડોર્સોલેટરલ પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ’ (dlPFC) ની સક્રિયતા (Activity) ધીમે ધીમે ઘટવા લાગે છે.
આ બંને ભાગો મગજના એવા વિસ્તારો છે જે આપણી વિચારવાની શક્તિ, નિર્ણય લેવાની ક્ષમતા (Cognitive Control) અને પોતાના પર નિયંત્રણ રાખવાના કાર્યોને સંભાળે છે.
જ્યારે તમે સતત આકર્ષક અને ટૂંકા વીડિયો જોતા રહો છો, ત્યારે:
-
મગજ ‘ઓટો-પાયલટ’ મોડમાં જતું રહે છે: મગજને આ વીડિયો જોવા માટે કોઈ સક્રિય પ્રયાસ કરવો પડતો નથી, જેથી તે એક પ્રકારની ‘ફ્લો સ્ટેટ’ (Flow State) એટલે કે સંપૂર્ણ મગ્નતાની સ્થિતિમાં જતું રહે છે.
-
કંટ્રોલ સિસ્ટમ નબળી પડે છે: સતત એન્ગેજિંગ કન્ટેન્ટ મળવાથી મગજનું મોનિટરિંગ સિસ્ટમ ઢીલું પડી જાય છે. પરિણામે મગજ માટે સ્ક્રીન પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે.
-
નજીવા વીડિયો સ્કીપ કરવાનો પ્રભાવ: જે વીડિયો ગમતા નથી અને તરત સ્કીપ કરી દેવાય છે, તેનાથી મગજ પર ઓછી અસર થાય છે, પરંતુ જો સતત ગમતા વીડિયો મળતા રહે તો મગજ સંપૂર્ણપણે તેના નિયંત્રણમાં આવી જાય છે.
લોકો પોતે સ્ક્ર્રોલિંગ રોકી કેમ નથી શકતા?
ઘણા લોકોને એવું લાગે છે કે તેમનામાં ઇચ્છાશક્તિ (Willpower) ની કમી છે, તેથી તેઓ ફોન મૂકી શકતા નથી. પરંતુ આ અભ્યાસ દર્શાવે છે કે આની પાછળ મગજનું બાયોકેમિકલ બંધારણ પણ જવાબદાર છે.
મગજમાં રહેલા ગ્લુટામેટ નામના ન્યુરોટ્રાન્સમીટરના સ્તરમાં વ્યક્તિગત તફાવત હોય છે. જે લોકોના મગજમાં આ રસાયણનું સંતુલન ઝડપથી ખોરવાય છે, તેમના માટે સોશિયલ મીડિયાનું સ્ક્ર્રોલિંગ પોતે જ અટકાવવું ખૂબ અઘરું બની જાય છે. શોર્ટ વીડિયોથી મળતો સતત ડોપામાઈન અને રિવોર્ડ આપણી ‘રિવોર્ડ સિસ્ટમ’ અને ‘કંટ્રોલ સિસ્ટમ’ વચ્ચેના સંતુલનને બગાડે છે.
આ રિસર્ચ એ વાત પર ભાર મૂકે છે કે શોર્ટ વીડિયોની લત (Short Video Addiction) પાછળ માત્ર ટેવ જ નહીં, પરંતુ મગજના ન્યુરોકેમિકલ પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે.
ડિજિટલ એડિક્શનથી બચવા શું કરવું?
સતત રીલ્સ જોવાના કારણે મગજનું સેલ્ફ-રેગ્યુલેશન ઓછું થઈ જાય છે, જે લાંબા ગાળે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા (Attention Span) અને યાદશક્તિ પર વિપરીત અસર કરી શકે છે. આ સમસ્યાથી બચવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે:
૧. ટાઇમ લિમિટ નક્કી કરો: સોશિયલ મીડિયા એપ્સમાં ડેઇલી યુસેજ લિમિટ અથવા એપ લોક સેટ કરો.
૨. સ્ક્રીન-ફ્રી ઝોન બનાવો: જમતી વખતે અને રાત્રે સૂવાના ૧ કલાક પહેલા ફોનનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરો.
૩. માઇન્ડફુલનેસ અને હોબીઝ: મગજને ફરી સક્રિય કરવા માટે પુસ્તકો વાંચવા, મેદાનમાં રમતો રમવી કે સંગીત સાંભળવા જેવી પ્રવૃત્તિઓ અપનાવો.

