રણજી ટ્રોફીમાં મોટો હોબાળો: કોર્ટના આદેશ બાદ મેઘાલયની આખી ટીમ બદલાઈ, ખેલાડીઓમાં ભારે નારાજગી
રણજી ટ્રોફી 2026-27ની સીઝનમાં મેદાન પરની રમત કરતાં મેઘાલય ક્રિકેટ એસોસિએશનનો આંતરિક વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે. નાગાલેન્ડ સામેની પ્લેટ ગ્રુપની મેચ શરૂ થવાના માત્ર બે દિવસ પહેલાં મેઘાલયની આખી ટીમ બદલી નાખવામાં આવી હતી. પ્રથમ ત્રણ મેચ રમી ચૂકેલા અને ચોથી મેચ માટે તૈયારી કરી રહેલા ખેલાડીઓને અચાનક જાણ કરવામાં આવી કે હવે તેઓ મેઘાલયનું પ્રતિનિધિત્વ નહીં કરી શકે. તેમની જગ્યાએ સંપૂર્ણપણે નવી ટીમ મેદાનમાં ઉતારવામાં આવી.
આ ઘટનાથી ખેલાડીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. ખાસ વાત એ છે કે અગાઉની ટીમે ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું અને પોઈન્ટ ટેબલમાં પણ તે બીજા સ્થાને હતી. તેમ છતાં, મેઘાલય હાઈકોર્ટના આદેશ બાદ ટીમની પસંદગી અમાન્ય ઠરતાં આખી ટીમમાં ફેરફાર કરવાની સ્થિતિ ઊભી થઈ. આ વિવાદ પાછળ મેઘાલય ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જેમ્સ સંગમા અને સેક્રેટરી રેનોલ્ડ્સ ખારકામની વચ્ચે ચાલી રહેલો સત્તાસંઘર્ષ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.
કોર્ટના ચુકાદા બાદ બદલાઈ ટીમ, વિવાદનું મૂળ શું છે?
મેઘાલય ક્રિકેટ એસોસિએશનમાં પ્રમુખ જેમ્સ સંગમા અને એસોસિએશનની એપેક્સ કાઉન્સિલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મતભેદ ચાલી રહ્યા હતા. આ વિવાદનો એક મહત્વનો મુદ્દો સેક્રેટરી રેનોલ્ડ્સ ખારકામનીનું સસ્પેન્શન હતું. મેઘાલયની અંડર-23 મહિલા ટીમની કેટલીક ખેલાડીઓ સાથે જોડાયેલી જાતીય સતામણીની ફરિયાદો પર યોગ્ય કાર્યવાહી ન કરવાના આરોપો વચ્ચે ખારકામનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે એસોસિએશનની અંદર મતભેદ વધ્યા અને આખરે વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો.
મેઘાલય હાઈકોર્ટે પ્રમુખ જેમ્સ સંગમાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અદાલતે ખારકામનીના સસ્પેન્શનને યથાવત્ રાખ્યું અને તેમના કાર્યકાળ દરમિયાન લેવાયેલા કેટલાક નિર્ણયો ગેરકાયદેસર ગણાવ્યા. આ સાથે એપેક્સ કાઉન્સિલ દ્વારા પસંદ કરવામાં આવેલી રણજી ટ્રોફીની ટીમને પણ અમાન્ય ઠરાવવામાં આવી. પરિણામે, પ્રથમ ત્રણ રાઉન્ડમાં રમી ચૂકેલી ટીમને નાગાલેન્ડ સામેની ચોથી મેચમાંથી દૂર કરવામાં આવી અને નવી ટીમ પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ.
આ નિર્ણયની અસર માત્ર સિનિયર ટીમ સુધી મર્યાદિત રહી નહોતી. મેઘાલયની અંડર-23 ટીમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. સિક્કિમમાં સ્પર્ધા માટે ગયેલી ટીમને પાછી બોલાવવામાં આવી અને નવી ટીમ બનાવવામાં આવી હોવાના અહેવાલ છે.
મેચના બે દિવસ પહેલાં ખેલાડીઓને જાણ, રાહુલ દલાલે વ્યક્ત કરી નારાજગી
જૂની ટીમના ખેલાડીઓ માટે આ નિર્ણય અચાનક આંચકા સમાન હતો. તેઓ નાગાલેન્ડ સામેની મેચ માટે નિયમિત રીતે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ટીમના અનુભવી બેટર રાહુલ દલાલે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે શુક્રવારે કોર્ટનો ચુકાદો પ્રમુખની તરફેણમાં આવ્યો હતો. ત્યારબાદ શનિવાર અને રવિવારે પણ ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી હતી. તેમને આશા હતી કે અગાઉની ત્રણ મેચની જેમ તેઓ જ ચોથી મેચમાં પણ રમશે.
રાહુલ દલાલના જણાવ્યા પ્રમાણે, રવિવારે પ્રેક્ટિસ પૂરી કરીને ખેલાડીઓ પરત ફર્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના ગયા બાદ બીજી ટીમે મેદાન પર પ્રેક્ટિસ કરી હતી. શરૂઆતમાં નવી ટીમના કેટલાક ખેલાડીઓ સાથે મળીને રમવાની વાત પણ કરવામાં આવી હતી, પરંતુ જૂની ટીમના ખેલાડીઓએ એકસાથે રહેવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ રાત્રે આશરે 11 વાગ્યે તેમને જાણ કરવામાં આવી કે નવી ટીમના તમામ ખેલાડીઓની નોંધણી થઈ ગઈ છે અને હવે જૂની ટીમને રમવાની મંજૂરી નહીં મળે.
ખેલાડીઓએ મેદાન પર જઈને પોતાની કિટ બેગ મેળવી હતી. જોકે, આ સમગ્ર ઘટનાથી તેઓ નિરાશ થયા હતા. દલાલે કહ્યું કે ટીમે અગાઉની ત્રણ મેચમાં મહેનત કરી હતી અને પ્લેટ ગ્રુપ જીતવાની તક પણ હતી. અચાનક થયેલા ફેરફારથી ખેલાડીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી.
BCCIએ કોર્ટના આદેશનું પાલન કર્યું
આ સમગ્ર મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. BCCI સેક્રેટરી દેવાજીત સાઈકિયાએ જણાવ્યું હતું કે બોર્ડ મેઘાલય હાઈકોર્ટના આદેશનું પાલન કરવા માટે બંધાયેલું છે. પ્રમુખની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ જેમ્સ સંગમા દ્વારા પસંદ કરવામાં આવેલી નવી ટીમને રમવાની મંજૂરી આપવી પડી હતી.

