સરકારી કર્મચારીના અવસાન બાદ કોને મળશે ફેમિલી પેન્શન? પત્ની, બાળકો કે માતા-પિતા, જાણો કોનો પહેલો અધિકાર
સરકારી નોકરી કરતા કર્મચારીને માત્ર નોકરી દરમિયાન જ નહીં, પરંતુ નિવૃત્તિ બાદ પણ અનેક પ્રકારની આર્થિક સુરક્ષા મળે છે. આ સુરક્ષામાં પેન્શન એક મહત્ત્વનો ભાગ છે. જોકે, સરકારી કર્મચારી કે પેન્શનરનું અવસાન થાય ત્યારે તેમના પરિવારને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે ફેમિલી પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ઘણીવાર પરિવારના સભ્યોમાં એક સવાલ ઊભો થાય છે કે કર્મચારીના મૃત્યુ બાદ આ પેન્શન કોને મળશે? શું સૌથી પહેલા પત્ની કે પતિને પેન્શન મળે છે કે પછી બાળકો અને માતા-પિતા પણ તેના હકદાર બની શકે છે?
કેન્દ્ર સરકારના પેન્શન નિયમોમાં આ અંગે સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. પરિવારના સભ્યોની પાત્રતા અને સંબંધના આધારે ફેમિલી પેન્શન આપવાનો પ્રાથમિકતા ક્રમ નક્કી કરવામાં આવ્યો છે. ખાસ કરીને સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (પેન્શન) રૂલ્સ, 2021ના નિયમ 50 હેઠળ આ અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે.
ફેમિલી પેન્શનનો સૌથી પહેલો હક કોનો?
સામાન્ય સંજોગોમાં સરકારી કર્મચારી કે પેન્શનરના અવસાન બાદ ફેમિલી પેન્શન મેળવવાનો પ્રથમ અધિકાર તેમના જીવિત કાયદેસરના જીવનસાથી એટલે કે પત્ની અથવા પતિનો હોય છે.
જો સરકારી કર્મચારીનું અવસાન થાય અને તેમના જીવનસાથી જીવિત હોય, તો નિયમો મુજબ સૌથી પહેલા તેમને ફેમિલી પેન્શન આપવામાં આવે છે. આ નિયમ નિવૃત્તિ બાદ અવસાન પામેલા પેન્શનરના કિસ્સામાં પણ લાગુ પડે છે.
ખાસ વાત એ છે કે કર્મચારીના નિવૃત્ત થયા બાદ થયેલા લગ્નના કિસ્સામાં પણ જીવનસાથીની પાત્રતા સંબંધિત નિયમો મુજબ નક્કી થઈ શકે છે.
જ્યાં સુધી પતિ કે પત્ની ફેમિલી પેન્શન મેળવવા માટે પાત્ર હોય ત્યાં સુધી સામાન્ય રીતે બાળકોને આ પેન્શન મળતું નથી. જીવનસાથીનું અવસાન થાય અથવા તેમની પાત્રતા સમાપ્ત થાય ત્યારબાદ જ બાળકોના હકનો વિચાર કરવામાં આવે છે.
જીવનસાથી બાદ બાળકોને ક્યારે મળશે પેન્શન?
જો કર્મચારીના અવસાન બાદ તેમનો જીવનસાથી જીવિત ન હોય અથવા પેન્શન મેળવવા માટે પાત્ર ન હોય, તો બાળકોને ફેમિલી પેન્શન મળવાની જોગવાઈ છે.
આમાં માત્ર સગા બાળકો જ નહીં, પરંતુ નિયમો મુજબ દત્તક લીધેલા બાળકો અને સાવકા બાળકોનો પણ સમાવેશ થઈ શકે છે. કર્મચારીના નિવૃત્તિ બાદ અથવા અવસાન પછી જન્મેલા બાળકો માટે પણ નિયમોમાં જોગવાઈ કરવામાં આવી છે.
પરિવારમાં એક કરતાં વધુ પાત્ર બાળકો હોય તો સામાન્ય રીતે જન્મના ક્રમ પ્રમાણે સૌથી મોટા બાળકને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે.
જોકે, બાળકો માટે ઉંમર અને અન્ય પાત્રતાની શરતો પણ નક્કી કરવામાં આવી છે. સામાન્ય રીતે પ્રથમ શ્રેણીના બાળકોને 25 વર્ષની ઉંમર સુધી પેન્શન મળી શકે છે. પરંતુ જો બાળકનાં લગ્ન થઈ જાય અથવા તે કમાણી કરવાનું શરૂ કરે તો નિયમો મુજબ તેની પાત્રતા તે પહેલાં પણ સમાપ્ત થઈ શકે છે.
દિવ્યાંગ બાળકો માટે છે ખાસ જોગવાઈ
ફેમિલી પેન્શનના નિયમોમાં દિવ્યાંગ બાળકોને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. જો સામાન્ય રીતે પાત્ર ગણાતા બાળકો ઉપલબ્ધ ન હોય, તો માનસિક અથવા શારીરિક દિવ્યાંગતા ધરાવતા બાળકોને નિયમો અનુસાર પેન્શન મળી શકે છે.
આવા બાળકોની પાત્રતા સામાન્ય બાળકો કરતાં અલગ હોય છે. તેમની દિવ્યાંગતાની સ્થિતિ અને આવકને ધ્યાનમાં રાખીને પેન્શનનો નિર્ણય લેવામાં આવે છે.
મહત્ત્વની વાત એ છે કે નિયમો મુજબ પાત્ર દિવ્યાંગ બાળકના લગ્ન થવાથી તેની પેન્શન મેળવવાની પાત્રતા આપમેળે સમાપ્ત થતી નથી. જો તે આવક મેળવવાનું શરૂ ન કરે અને અન્ય જરૂરી શરતો પૂરી કરતું હોય તો તેને ફેમિલી પેન્શન મળી શકે છે.
દીકરીઓ માટે શું છે ફેમિલી પેન્શનના નિયમો?
સરકારી કર્મચારીની દીકરીઓ માટે પણ ફેમિલી પેન્શનના નિયમોમાં જોગવાઈ કરવામાં આવી છે. જો અગાઉની શ્રેણીમાં કોઈ પાત્ર બાળક ન હોય તો અપરિણીત, વિધવા અથવા છૂટાછેડા લીધેલી દીકરીઓને પેન્શન મળી શકે છે.
જોકે, આ માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે. દીકરી માતા-પિતા પર આર્થિક રીતે નિર્ભર હોવી જોઈએ અને તેની પોતાની આવક સંબંધિત પાત્રતાની મર્યાદામાં હોવી જરૂરી છે.
આથી દરેક દીકરીને આપમેળે ફેમિલી પેન્શન મળે એવું નથી. તેના વૈવાહિક દરજ્જા, આવક અને અન્ય નિયમોના આધારે પાત્રતા નક્કી કરવામાં આવે છે.
પત્ની અને બાળકો ન હોય તો માતા-પિતાને મળશે પેન્શન?
જો સરકારી કર્મચારીના અવસાન બાદ જીવનસાથી અને પાત્ર બાળકોમાંથી કોઈ ફેમિલી પેન્શન મેળવવા માટે ઉપલબ્ધ ન હોય, તો આશ્રિત માતા-પિતાનો વારો આવી શકે છે.
નિયમો હેઠળ પાત્ર માતા-પિતાને પણ ફેમિલી પેન્શન આપવાની જોગવાઈ છે. તેમાં દત્તક લેનાર માતા-પિતાનો પણ સમાવેશ થઈ શકે છે.
આ કિસ્સામાં માતાને પિતા કરતાં પહેલાં પ્રાથમિકતા આપવામાં આવે છે. જોકે, માતા-પિતાની આર્થિક નિર્ભરતા અને આવક સંબંધિત નિયમોનું પાલન થવું જરૂરી છે.
એટલે કે માત્ર કર્મચારીના માતા કે પિતા હોવાના આધારે પેન્શન મળતું નથી. તેઓ નિર્ધારિત પાત્રતા અને જરૂરી શરતો પૂરી કરતા હોવા જોઈએ.
સૌથી છેલ્લે કોને મળી શકે છે ફેમિલી પેન્શન?
ફેમિલી પેન્શન મેળવવાની પ્રાથમિકતા યાદીમાં સૌથી છેલ્લે માનસિક અથવા શારીરિક દિવ્યાંગતા ધરાવતા આશ્રિત ભાઈ-બહેનોનો સમાવેશ થાય છે.
જો કર્મચારીના જીવનસાથી, બાળકો અને આશ્રિત માતા-પિતા પૈકી કોઈ પેન્શન મેળવવા માટે પાત્ર ન હોય, તો નિયમોમાં દર્શાવેલી શરતો હેઠળ દિવ્યાંગ આશ્રિત ભાઈ-બહેનોને પેન્શન મળી શકે છે.
આ માટે પણ તેમની દિવ્યાંગતા, આર્થિક નિર્ભરતા અને આવક સહિતની બાબતો તપાસવામાં આવે છે.
ફેમિલી પેન્શન અંગે આ બાબત ખાસ યાદ રાખો
કેન્દ્ર સરકારના ફેમિલી પેન્શનના નિયમોનો મુખ્ય હેતુ કર્મચારીના અવસાન બાદ તેમના આશ્રિત પરિવારને આર્થિક સહારો પૂરો પાડવાનો છે. સામાન્ય રીતે પેન્શન મેળવવાની પ્રાથમિકતા જીવનસાથી, ત્યારબાદ પાત્ર બાળકો, આશ્રિત માતા-પિતા અને છેલ્લે પાત્ર દિવ્યાંગ આશ્રિત ભાઈ-બહેનોને આપવામાં આવે છે.
જોકે, દરેક કેસમાં પરિવારની સ્થિતિ અને પાત્રતાના આધારે નિર્ણય લેવામાં આવે છે. તેથી ફેમિલી પેન્શન માટે અરજી કરતાં પહેલાં સંબંધિત વિભાગના પેન્શન નિયમો, જરૂરી દસ્તાવેજો અને પાત્રતાની શરતો તપાસવી જરૂરી છે.
નોંધનીય છે કે આ માહિતી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લાગુ પડતા નિયમો પર આધારિત છે. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સંબંધિત રાજ્યના નિયમો અલગ હોઈ શકે છે.

