UPI ચાર્જ મોકૂફીની અસર: પેટીએમ અને મોબિકવિકના શેરમાં ધમાકેદાર તેજી
અગાઉ ૧૫ ઓક્ટોબરથી યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર જે નવો શુલ્ક (MDR) લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો, તેને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. મંગળવાર, ૧૩ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ સરકારે તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લીધો છે અને ચાર્જ લાગુ કરવાની મુદત દિવાળી સુધી લંબાવી દીધી છે. હવે આ ચાર્જીસ દિવાળીનો તહેવાર પૂર્ણ થયા બાદ અમલમાં મૂકવામાં આવશે.
સરકાર અને એનપીસીઆઈ (NPCI) ના આ નિર્ણયથી ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે કામ કરતી કંપનીઓની ચાંદી થઈ ગઈ છે. નિર્ણય જાહેર થતાંની સાથે જ શેરબજારમાં પેટીએમ (Paytm), મોબિકવિક (MobiKwik) અને પાઈન લેબ્સ (Pine Labs) જેવી અગ્રણી ડિજિટલ પેમેન્ટ કંપનીઓના શેરોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
NPCI ની જાહેરાત બાદ પેમેન્ટ કંપનીઓના શેરોમાં ચમકારો
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જીસને મુલતવી રાખવાની સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. આ સમાચાર બહાર આવતાની સાથે જ મંગળવારે શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે પણ ફિનટેક કંપનીઓના શેરો નીચલા સ્તરેથી રિકવર થઈને જોરદાર તેજીમાં આવી ગયા હતા.
બજારના વિશ્લેષકોના મતે, ચાર્જ ટળવાથી તહેવારો દરમિયાન ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું વોલ્યુમ ખૂબ જ ઊંચું રહેશે, જેનો સીધો ફાયદો આ પેમેન્ટ ગેટવે અને પીઓએસ (POS) મશીન પ્રોવાઈડર કંપનીઓને થશે.
કઈ કંપનીના શેરમાં કેટલો નોંધાયો ઉછાળો?
એનપીસીઆઈના આ નિર્ણય બાદ ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રની ત્રણેય અગ્રણી કંપનીઓના શેરોમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી હતી:
૧. Paytm (One97 Communications): દિવસના સૌથી નીચલા સ્તરે પહોંચેલા પેટીએમ ના શેરમાં નીચલી સપાટીથી ૬.૬% નો જોરદાર ઉછાળો નોંધાયો હતો. બપોરે ૧:૪૫ વાગ્યે આ શેર માત્ર ૦.૧% ના નજીવા ઘટાડા સાથે ₹૧,૬૭૩.૯૦ ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
૨. Pine Labs: પાઈન લેબ્સના શેરમાં પણ દિવસના નિચલા સ્તરેથી ૬.૮% નો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આ શેર ૧.૨૫% ના સુધારા સાથે ₹૧૬૫ ની સપાટી પર પહોંચી ગયો હતો.
૩. MobiKwik: મોબિકવિકના શેરમાં પણ મજબૂત સુધારો થયો હતો. દિવસના નીચલા સ્તર ₹૨૩૦.૪૧ થી રિકવર થઈને કંપનીનો શેર ૦.૬% ની તેજી સાથે ₹૨૪૨ પર કારોબાર કરી રહ્યો હતો.
MDR ચાર્જનો વેપારી સંગઠનો દ્વારા વિરોધ
ઉલ્લેખનીય છે કે, સરકારે યુપીઆઈ પર પ્રસ્તાવિત એમડીઆર (MDR) ચાર્જ લાગુ કરવાનો નિર્ણય હાલ પૂરતો તહેવારી સીઝનને કારણે ટાળ્યો છે. અગાઉ આ શુલ્ક ૧૫ ઓક્ટોબરથી લાગુ થવાનો હતો, પરંતુ હવે તે દિવાળીના તહેવાર પછી તરત જ લાગુ કરવામાં આવશે. એનપીસીઆઈ એ સ્પષ્ટ કર્યું છે કે નવો નિયમ અમલમાં મૂકવાની નવી તારીખની જાહેરાત અલગથી કરવામાં આવશે.
દેશભરના નાના-મોટા વેપારી મંડળો અને બિઝનેસ એસોસિએશન્સ દ્વારા આ ચાર્જનો વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓનું કહેવું હતું કે તહેવારોની સિઝનમાં ગ્રાહકો મોટા પ્રમાણમાં ડિજિટલ પેમેન્ટ કરે છે, અને આવા સમયે ચાર્જ લાગુ થવાથી તેમના માર્જિન પર અસર પડી શકે છે. આ વિરોધને ધ્યાનમાં રાખીને સરકારે હાલ પૂરતો નિર્ણય સ્થગિત કર્યો છે.
૧ જાન્યુઆરી સુધી નિર્ણય ટળવાની અફવાઓ પર વિરામ
અગાઉ મીડિયામાં એવા અહેવાલો પણ વહેતા થયા હતા કે આ ચાર્જને આગામી ૧ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ટાળી દેવામાં આવી શકે છે. જોકે, એનપીસીઆઈ એ પોતે સ્પષ્ટતા કરીને આવી તમામ અટકળો અને આશંકાઓ પર અલ્પવિરામ મૂકી દીધું છે. એચપીસીઆઈ એ સ્પષ્ટ કર્યું છે કે નિર્ણય માત્ર દિવાળી સુધી જ ટાળવામાં આવ્યો છે અને દિવાળી પૂરી થતાં જ નવી તારીખો સાથે MDR ચાર્જ લાગુ કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

