ગુજરાતમાં ગરમી ચરમસીમાએ પહોંચી ગઈ છે. રાજકોટમાં તાપમાન 44.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 3.2 ડિગ્રી વધારે હતું. છેલ્લા 10 વર્ષમાં, એપ્રિલ મહિનામાં રાજકોટમાં આટલી તીવ્ર ગરમી ફક્ત 2017 માં જ નોંધાઈ હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ સુધી રાજકોટમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેશે.
અમદાવાદમાં પણ ગરમીની અસર વધી રહી છે. હાલમાં, શહેરનું સરેરાશ મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 0.2 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તે જ સમયે, રાત્રિનું સરેરાશ લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા ૧.૩ ડિગ્રી વધુ નોંધાયું છે.
અન્ય શહેરોમાં પણ તાપમાનની સ્થિતિ ચિંતાજનક છે. જેમાં ભુજમાં 43.8 ડિગ્રી, અમરેલીમાં 43.5 ડિગ્રી, ડીસામાં 42.3 ડિગ્રી, અમદાવાદમાં 41.8 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી, ભાવનગરમાં 37.2 ડિગ્રી, સુરતમાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ તીવ્ર ગરમીના મોજાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને બિનજરૂરી રીતે તડકામાં બહાર ન નીકળવાની સલાહ આપી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોને સાવધાની રાખવાની ચેતવણી આપવામાં આવી છે.