કેદારનાથમાં ટોકન સિસ્ટમઃ
ચાર ધામ યાત્રા હવે યાત્રીઓ માટે સરળ બની જશે. કેદારનાથમાં પહેલી વાર ટોકન સિસ્ટમ અમલમાં મૂકાવાની છે. આ વર્ષે પવિત્ર યાત્રા 7મેથી શરૂ થશે. 9 મેના કેદારનાથના દર્શન ખૂલશે જ્યારે 10મેના રોજ બદ્રીનાથના દર્શન ખૂલશે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર યાત્રા 29 ઓક્ટોબરે સમાપ્ત થશે.
યાત્રા સરળ બનાવવા પગલાઃ
યાત્રાળુઓ માટે ચાર ધામ યાત્રા સરળ બનાવવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. ચારેય ધામમાંથી કેદારનાથ સૌથી અઘરી યાત્રા હોવાથી નવી ટોકન સિસ્ટમ અમલમાં મૂકાશે. નવી સિસ્ટમથી યાત્રાળુઓએ ઠંડી કે વરસાદમાં લાંબી લાઈનમાં ઊભા નહિ રહેવું પડે. વળી, એક રાતના સમયે કેદારનાથમાં માત્ર 1000 યાત્રાળુઓ જ રહી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરાશે. ટોકન મેળવવા માટે 36 ફોટોમેટ્રિક રજિસ્ટ્રેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે.
રાત રોકાવાના નિયમોઃ
રિપોર્ટ્સ અનુસાર આ શિયાળામાં ભારે બરફવર્ષાને કારણે કેદારનાથ ધામને પણ થોડું નુકસાન પહોંચ્યુ છે. આ કારણે કેદારનાથમાં રહેવાની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેદારનાથમાં 1000 યાત્રીઓ ઉપરાંત લિનચૌલીમાં 500 યાત્રી અને ગૌરીકુંડ પાસે 8000 યાત્રીઓ એક રાત દરમિયાન રહી શકશે.પોતાનું ખાનગી વાહન લઈને કેદારનાથ જનારા યાત્રીઓને ગૌરીકુંડથી આગળ જવાની પરવાનગી નહિ મળે. તેમણે સોન પ્રયાગ અટકી જવું પડશે.
રજિસ્ટ્રેશન અને સુવિધાઓઃ
ચાર ધામ યાત્રા ઋષિકેશથી શરૂ થાય છે. અહીં સૌથી અગત્યનું રજિસ્ટ્રેશન સ્ટેશન આવેલું છે. આ ઉપરાંત તમે હરિદ્વાર, બાડકોટ, દોબતા, સોનપ્રયાગ, પંડુકેશ્વર અને ફાટામાં પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ કારણે અકસ્માતના કિસ્સામાં તમારા વિષે ઓથોરિટી બધી જ વિગતો મેળવી શકે છે. આ સાથે યાત્રીઓ સાથે લેટેસ્ટ હવામાનની ખબરો પણ મોબાઈલ પર શેર કરવામાં આવશે.