એશિયન ગેમ્સ માટે ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફારના સંકેત: આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસમાં ફ્લોપ રહેલા આ 4 સ્ટાર્સ પર તલવાર લટકી!
વર્ષ 2026ની એશિયન ગેમ્સ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ટીમ ઇન્ડિયાની જાહેરાત અગાઉ જ કરી દેવામાં આવી છે. પરંતુ, હાલમાં ચાલી રહેલા વિદેશી પ્રવાસ પર ભારતીય ટીમના અત્યંત ખરાબ અને કચરઘાણ પ્રદર્શનને જોતાં આ ટીમમાં મોટા ફેરફાર થાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. બીસીસીઆઈ દ્વારા ગત 6 જૂનના રોજ આયર્લેન્ડ પ્રવાસ, ઇંગ્લેન્ડ પ્રવાસ અને એશિયન ગેમ્સ માટે સંયુક્ત રીતે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. જોકે, વિદેશી ધરતી પર મળેલી શરમજનક હાર બાદ હવે પસંદગીકારો ટીમમાં મોટો ફેરબદલ કરવાનું વિચારી રહ્યા છે.
વિદેશ પ્રવાસમાં ટીમ ઇન્ડિયાનો ધબડકો
શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી ભારતીય યુવા ક્રિકેટ ટીમને આયર્લેન્ડ સામેની બે મેચની T20 શ્રેણીમાં 0-2થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. આ આંચકામાંથી ટીમ બહાર આવે તે પહેલાં જ ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં પણ ભારતીય ટીમ શરૂઆતની મેચોમાં 0-3થી પાછળ રહીને શ્રેણી ગુમાવી ચૂકી છે.
ટીમના આ કથળતા પ્રદર્શન અને સીમ-ફ્રેન્ડલી પિચો પર યુવા બેટ્સમેનોની લાચારીને કારણે ક્રિકેટ ફેન્સ અને દિગ્ગજોમાં ભારે નારાજગી છે. મુખ્ય કોચ અને કેપ્ટને પણ સ્વીકાર્યું છે કે ટીમ અત્યારે ‘ટ્રાન્ઝિશન ફેઝ’ (બદલાવના સમયગાળા)માંથી પસાર થઈ રહી છે. આ જ કારણસર આગામી એશિયન ગેમ્સ જેવી મોટી ટૂર્નામેન્ટ માટે જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં ફેરફારની માંગ જોર પકડી રહી છે.
ટોચના ત્રણ ખેલાડીઓનું સ્થાન સુરક્ષિત
સૂત્રો અને મીડિયા અહેવાલો અનુસાર, એશિયન ગેમ્સ માટે ભારતની ઓપનિંગ જોડી અને ટોપ ઓર્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તાજેતરની મેચોમાં આક્રમક શરૂઆત આપનાર અભિષેક શર્મા અને માત્ર 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવનાર વૈભવ સૂર્યવંશી ઓપનિંગ સ્લોટમાં યથાવત રહેશે. આ ઉપરાંત, અનુભવી સંજુ સેમસન પણ ઓપનિંગ માટે મજબૂત વિકલ્પ તરીકે ટીમમાં હાજર છે.
સુકાની શ્રેયસ ઐયર ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે, જ્યારે વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનનું સ્થાન પણ મિડલ ઓર્ડરમાં સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે.
આ 4 દિગ્ગજોની વાપસી થઈ શકે છે
હાર્દિક પંડ્યા: મિડલ ઓર્ડરને મજબૂતી આપવા અને ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યાની એન્ટ્રી લગભગ નક્કી માનવામાં આવે છે, જે હાલમાં ઈજાના કારણે બહાર હતા.
રજત પાટીદાર: સ્થાનિક ક્રિકેટ અને આઈપીએલના ફોર્મને જોતાં રજત પાટીદારને મિડલ ઓર્ડરમાં તક મળી શકે છે.
કુલદીપ યાદવ: સ્પિન વિભાગને વધુ ઘાતક બનાવવા માટે ચાઇનામેન બોલર કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરાશે.
કૃણાલ પંડ્યા: અક્ષર પટેલના સ્થાને ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાની લોટરી લાગી શકે છે.
આ ખેલાડીઓ પર લટકી પદ પરથી હટવાની તલવાર
તિલક વર્મા: વાઇસ-કેપ્ટન હોવા છતાં ખરાબ ફોર્મને કારણે તેમને ટીમમાંથી બહાર બેસવું પડી શકે છે.
અક્ષર પટેલ: અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરવાના કારણે અક્ષર પટેલનું સ્થાન જોખમમાં છે.
વોશિંગ્ટન સુંદર: ઓલરાઉન્ડર તરીકે પ્રભાવશાળી રમત ન બતાવી શકવાને લીધે ડ્રોપ થઈ શકે છે.
રવિ બિશ્નોઈ: કુલદીપ યાદવની સંભવિત એન્ટ્રી થતાં લેગ સ્પિનર રવિ બિશ્નોઈને ટીમમાંથી પડતા મુકવામાં આવી શકે છે.

