સાયબર એલર્ટ: નેતાઓના નકલી વીડિયો અને સરકારી યોજનાના નામે ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો
આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી જેટલી ઉપયોગી સાબિત થઈ રહી છે, સાયબર ઠગો તેનો તેટલો જ ખતરનાક દુરુપયોગ કરી રહ્યા છે. તાજેતરમાં ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ દેશના નાગરિકો માટે એક અત્યંત ગંભીર ચેતવણી જાહેર કરી છે. સાયબર ગુનેગારો હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણાં મંત્રી નિર્મળા સીતારામન અને દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓના ફેક અને ડીપફેક (Deepfake) વીડિયો બનાવીને ફેસબુક (Facebook) તથા ઈન્સ્ટાગ્રામ (Instagram) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી જાહેરાતો ચલાવી રહ્યા છે. આ નકલી જાહેરાતો દ્વારા લોકોને મફત સરકારી કલ્યાણકારી યોજનાઓની લાલચ આપીને લાખો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે.
નેશનલ સાયબરક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ દ્વારા મેટા (Meta) ના પ્લેટફોર્મ્સ પર આવી અસંખ્ય છેતરપિંડી કરતી જાહેરાતો પકડી પાડવામાં આવી છે. AI ની મદદથી એડિટ કરેલા આ વીડિયોમાં એવું દર્શાવવામાં આવે છે કે દેશના મોટા નેતાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે સીધી આર્થિક સહાય કે રોકડ રકમ આપવાની યોજનાઓની જાહેરાત કરી રહ્યા છે. આમાંની ઘણી જાહેરાતોને પોલિટિકલ એડ્સ (Political Ads) તરીકે વર્ગીકૃત કરીને સોશિયલ મીડિયા પર પ્રમોટ કરવામાં આવી રહી છે, જેથી લોકો તેને સાચી માની લે.
સ્કેમર્સ કેવી રીતે લોકોને જાળમાં ફસાવે છે?
આ ડીપફેક વીડિયો સ્કેમની પાછળ ઠગો એક સુનિયોજિત નેટવર્ક ચલાવી રહ્યા છે. લોકોના મનમાં વિશ્વાસ બેસાડવા માટે આ વીડિયોની સાથે વોટ્સએપ ચેટની લિંક્સ, મોબાઈલ નંબર અને ફેક વેબસાઈટ્સની લિંક જોડવામાં આવે છે.
૧. કેશબેક અને લકી ડ્રોની લાલચ: જાહેરાતમાં આપવામાં આવેલી લિંક પર ક્લિક કરતાં જ લોકોને વિવિધ વેબસાઈટ્સ પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. ત્યાં ‘સ્પિન એન્ડ વિન’ (Spin and Win), ડિજિટલ સ્ક્રેચ કાર્ડ કે મફત કેશબેકની લાલચ આપવામાં આવે છે, જેમાં દરેક વ્યક્તિને મોટી રકમ ઈનામ તરીકે લાગી હોવાનું નાટક કરવામાં આવે છે.
૨. વિદેશી નંબરોથી કૉલ:+૯૨ નો ખેલ: ઘણા કિસ્સાઓમાં, લોકોને પાકિસ્તાનના કન્ટ્રી કોડ ‘+૯૨’ થી શરૂ થતા આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કૉલ આવે છે. ફોન કરનાર વ્યક્તિ દાવા સાથે કહે છે કે તમને સરકારી યોજના હેઠળ રેન્ડમલી પસંદ કરવામાં આવ્યા છે અને તમારા ખાતામાં લાખો રૂપિયાની સહાય જમા થવાની છે.
૩. પ્રોસેસિંગ ફી અને ટેક્સના નામે લૂંટ: એકવાર પીડિત વ્યક્તિ ઈનામ કે યોજનાની રકમ મેળવવા તૈયાર થાય, એટલે સાયબર ઠગો તેમની પાસેથી નોંધણી ફી (Registration fee), પ્રોસેસિંગ ચાર્જ, વેરિફિકેશન ખર્ચ કે ટેક્સના નામે વારંવાર પૈસા ટ્રાન્સફર કરાવવાનું શરૂ કરે છે. પૈસા પાછા મેળવવાની લાલચમાં લોકો એક પછી એક પેમેન્ટ કરતા જાય છે અને મોટી રકમ ગુમાવી બેસે છે.
૪. યુપીઆઈ પિન (UPI PIN) ની છેતરપિંડી: સૌથી ખતરનાક રસ્તો એ છે કે સાયબર ઠગો લોકોને રકમ જમા કરાવવાના બહાને ‘UPI Collect Request’ મોકલે છે અને તેમને પોતાનો યુપીઆઈ પિન નાખવા કહે છે. લોકો એવું વિચારીને પિન દાખલ કરે છે કે પૈસા ખાતામાં આવશે, પરંતુ વાસ્તવમાં પિન દાખલ કરતા જ તેમના પોતાના ખાતામાંથી પૈસા ડેબિટ (કપાઈ) થઈ જાય છે.
સાયબર ફ્રોડથી બચવા માટે I4C ની મહત્વની સલાહ
ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ નાગરિકોને આવી કોઈ પણ છેતરપિંડીમાં ન ફસાવા માટે કેટલીક અત્યંત મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપી છે:
-
અધિકૃત વેબસાઈટ પર જ ચકાસણી કરો: કોઈ પણ સરકારી કલ્યાણકારી યોજના કે આર્થિક સહાયની માહિતી હંમેશા સરકારની સત્તાવાર વેબસાઈટ (.gov.in અથવા .nic.in) પર જઈને જ વેરિફાઈ કરો. સોશિયલ મીડિયાની જાહેરાતો પર આંધળો વિશ્વાસ ન કરો.
-
ડીપફેક વીડિયોથી સાવધ રહો: સોશિયલ મીડિયા પર પ્રખ્યાત નેતાઓ, અભિનેતાઓ કે હસ્તીઓ વીડિયોમાં કોઈ યોજના કે નાણાકીય લાભની વાત કરતા દેખાય તો પણ તેને શંકાની નજરે જુઓ. AI દ્વારા અવાજ અને ચહેરો સરળતાથી ક્લોન કરી શકાય છે.
-
ગોપનીય વિગતો ક્યારેય શેર ન કરો: કોઈ પણ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ સાથે તમારા પર્સનલ આઈડી પુરાવા, બેંક એકાઉન્ટ વિગતો, ઓટીપી (OTP) કે પિન નંબર ક્યારેય શેર કરશો નહીં.
-
યાદ રાખો: પૈસા મેળવવા યુપીઆઈ પિનની જરૂર પડતી નથી! આ સુવર્ણ નિયમ હંમેશા યાદ રાખો કે UPI PIN નો ઉપયોગ માત્ર તમારા ખાતામાંથી પૈસા મોકલવા કે ચૂકવવા માટે જ થાય છે. તમારા ખાતામાં કોઈ પણ વ્યક્તિ કે સરકારી યોજનામાંથી પૈસા મેળવવા માટે ક્યારેય પિન નંબર નાખવાની જરૂર પડતી નથી.
જો તમારી સાથે છેતરપિંડી થાય તો શું કરવું?
જો તમને +૯૨ કે અન્ય કોઈ અજાણ્યા નંબર પરથી કૉલ આવે અથવા ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર આવી કોઈ શંકાસ્પદ જાહેરાત દેખાય તો તેની તરત જ રિપોર્ટ કરો. જો તમે ભૂલથી કોઈ ટ્રાન્ઝેક્શન કરી દીધું હોય અથવા સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવ, તો વિલંબ કર્યા વિના રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરો અથવા cybercrime.gov.in પોર્ટલ પર જઈને ફરિયાદ નોંધાવો.

