UPI ફ્રોડની નવી અને ખતરનાક ચાલ! જાણો શું છે ‘ફ્રોઝન સ્ક્રીન સ્કેમ’ અને તેનાથી કેવી રીતે બચવું?
આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન પેમેન્ટ અને UPI નો ઉપયોગ આપણી રોજિંદી જિંદગીનો અવિભાજ્ય હિસ્સો બની ગયો છે. પરંતુ જે ઝડપે ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે, તે જ ઝડપે સાયબર ક્રાઈમના નવા અને ખતરનાક રસ્તાઓ પણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં એક નવો અને અત્યંત ચાલાક કૌભાંડ પ્રકાશમાં આવ્યો છે, જેને ‘ફ્રોઝન સ્ક્રીન UPI સ્કેમ’ તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે તમે સોશિયલ મીડિયા પર કોઈ જાહેરાત જુઓ છો અથવા અજાણી લિંક પર ક્લિક કરો છો અને તમારો ફોન અચાનક હેંગ કે ફ્રીઝ થઈ જાય છે, ત્યારે આપણે તેને સામાન્ય ટેકનિકલ ખામી માની લઈએ છીએ. પરંતુ સાયબર સિક્યોરિટી નિષ્ણાતો ચેતવણી આપે છે કે, આ સ્ક્રીન ફ્રીઝ થવી એ કોઈ સામાન્ય સમસ્યા નથી, પરંતુ વપરાશકર્તામાં ગભરાટ ઊભો કરીને તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા સફાચટ કરવાનું એક સુઆયોજિત કાવતરું છે.
શું છે આ ફ્રોઝન સ્ક્રીન UPI સ્કેમ?
આ સ્કેમમાં હેકર્સ સૌથી પહેલા વપરાશકર્તાનું ધ્યાન ભટકાવવા માટે ફોનની સ્ક્રીનને લોક અથવા ફ્રીઝ કરી દે છે. જ્યારે ફોન કામ કરતો બંધ થઈ જાય છે, ત્યારે યુઝર ગભરાઈ જાય છે. આ જ ગભરાટનો ફાયદો ઉઠાવીને સ્કેમર્સ તમારી સામે એવો આભાસ ઊભો કરે છે કે તમારા ફોન, બેંકિંગ એપ કે UPI એકાઉન્ટમાં કોઈ મોટી ગંભીર સમસ્યા આવી ગઈ છે.
ક્વિક હીલ ટેક્નોલોજીસના સીઈઓ હરીશ કુમારના જણાવ્યા મુજબ, ફ્રીઝ થયેલી સ્ક્રીન એ મૂળ ઘટના નથી, પરંતુ માત્ર તમારું ધ્યાન ભટકાવવાનું એક સાધન છે. આ પછી, ઠગ જુદા જુદા રસ્તા અપનાવે છે; જેમ કે સ્ક્રીન પર બોગસ એરર મેસેજ બતાવવો અથવા કસ્ટમર કેર પ્રતિનિધિ બનીને ફોન કરવો. તેઓ તમને વિશ્વાસ અપાવે છે કે આ ટેકનિકલ ખામીને સુધારવા, એકાઉન્ટ વેરિફિકેશન કરવા અથવા કોઈ રિવોર્ડ/કેશબેક મેળવવા માટે તમારે એક વિશેષ એપ (APK ફાઈલ) ડાઉનલોડ કરવી પડશે. યુઝર મદદના નામે આ ફેક એપ ડાઉનલોડ કરી લે છે અને સ્કેમર્સની જાળમાં ફસાઈ જાય છે.
મલિશિયસ (દૂષિત) APK ફાઈલ ફોનને કેવી રીતે હેક કરે છે?
એકવાર જ્યારે તમે અજાણી લિંક પરથી આ દૂષિત APK ફાઈલ ઇન્સ્ટોલ કરો છો, ત્યારે તે તમારા સ્માર્ટફોનની ગોપનીય પરમિશન્સ જેવી કે ‘Accessibility’, ‘Notifications’ અને ‘SMS/Calls’ એક્સેસ કરવાની મંજૂરી મેળવી લે છે.
આ પરમિશન્સ મેળવ્યા પછી સ્કેમર્સ પાસે તમારા ફોનનો સંપૂર્ણ કંટ્રોલ આવી જાય છે. સેકન્ડોમાં તેઓ આ શક્તિઓનો ઉપયોગ કરીને:
-
તમારી તમામ સ્ક્રીન પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે છે.
-
તમારી બેંકમાંથી આવતા વન ટાઈમ પાસવર્ડ (OTP) વાંચી અને ઈન્ટરસેપ્ટ કરી શકે છે.
-
દૂર બેઠા જ તમારા ફોનની સ્ક્રીન કંટ્રોલ કરી શકે છે અને આડકતરી રીતે ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરી શકે છે.
સીક્રેટ લેબ્સના ‘ઇન્ડિયા સાયબર થ્રેટ રિપોર્ટ ૨૦૨૬’ મુજબ, આવી બોગસ સર્વિસ અને યુટિલિટી એપ્સ ખૂબ જ ચતુરાઈથી યુઝરની જાણ બહાર તમામ સંવેદનશીલ ડેટા ચોરી લે છે, જેનો ઉપયોગ પાછળથી ગેરકાયદેસર વ્યવહારો કરવા માટે થાય છે.
UPI સિક્યોરિટીને તોડ્યા વિના પૈસા કેવી રીતે ચોરાય છે?
ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે કે શું UPI ની સુરક્ષા વ્યવસ્થા એટલી નબળી છે કે હેકર્સ તેને તોડી નાખે છે? ફ્યુચરએક્સના વાઇસ પ્રેસિડેન્ટ રૂચિન કુમાર સ્પષ્ટ કરે છે કે, સ્કેમર્સને UPI સિસ્ટમ કે તેના એન્ક્રિપ્શનને તોડવાની કોઈ જરૂર પડતી જ નથી. તેઓ સિસ્ટમને તોડવાને બદલે યુઝરના ડિવાઇસ, તેના આઇડી-પાસવર્ડ અને માનસિક સ્થિતિને ટાર્ગેટ કરે છે.
આ પ્રક્રિયામાં સ્કેમર્સ સ્ક્રીન-શેરિંગ એપ્સ અથવા એક્સેસિબિલિટી ફીચર્સનો ઉપયોગ કરીને રીઅલ-ટાઇમમાં યુઝરની પ્રવૃત્તિ જુઓ છે. ઘણીવાર તો સોશિયલ એન્જિનિયરિંગ (માનસિક ચાલાકી) એટલી હદે કામ કરી જાય છે કે ગભરાયેલો યુઝર પોતે જ પોતાનો UPI PIN દાખલ કરી દે છે અથવા ટ્રાન્ઝેક્શન અપ્રૂવ કરી દે છે. બેંકના સિસ્ટમ માટે આ પેમેન્ટ સંપૂર્ણપણે કાયદેસર લાગે છે કારણ કે તેને યુઝરે પોતે ઓથેન્ટિકેટ કર્યું હોય છે, પરંતુ વાસ્તવમાં તે માનસિક દબાણ અને ચાલાકીથી કરાવવામાં આવ્યું હોય છે.
ટેકનિકલ સમસ્યાઓનો ખોટો ભય કેમ ઊભો કરાય છે?
કોઈપણ સાયબર ફ્રોડનો મુખ્ય પાયો ‘ઉતાવળ અને ડર’ છે. જ્યારે યુઝરને લાગે છે કે તેનું બેંક એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે અથવા ફોનમાં વાયરસ આવી ગયો છે, ત્યારે તેની તર્કશક્તિ ઘટી જાય છે.
ડેલકોમ ટેલિસિસ્ટમ્સના મેનેજિંગ ડિરેક્ટર રવિન્દ્ર સિંઘ જણાવે છે કે, સાયબર ગુનેગારો ટેક્નોલોજી પરના લોકોના આંધળા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવે છે. તેઓ ઈમરજન્સી જેવી સ્થિતિ ઊભી કરે છે જેથી માણસ વિચાર્યા વગર રિમોટ-એક્સેસ કે વેરિફિકેશન એપ્સ ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર થઈ જાય. આ રીતે બનાવટી ટેકનિકલ એરર એ યુઝરને છેતરવાનો પહેલો દરવાજો બને છે.
આ પ્રકારના સ્કેમથી બચવા માટે શું કરવું?
જો તમારો ફોન અચાનક ફ્રીઝ થઈ જાય કે કોઈ શંકાસ્પદ મેસેજ દેખાય, તો તરત જ નીચે મુજબના પગલાં લેવા જોઈએ:
૧. ઇન્ટરનેટ બંધ કરો: ફોન હેંગ થતાં જ તરત જ મોબાઇલ ડેટા અને Wi-Fi ડિસ્કનેક્ટ કરી દો.
૨. PIN કે પાસવર્ડ ન નાખો: આવી સ્થિતિમાં ક્યારેય પણ બેંકિંગ એપ ખોલવી નહીં કે UPI PIN નાખવો નહીં.
૩. અજાણ્યા કોલરની વાત ન માનવી: કસ્ટમર કેરના નામે આવતા અનિચ્છનીય કોલ પર આપેલી સૂચનાઓનું પાલન ન કરો.
૪. અજાણી APK ફાઈલ્સથી બચો: વોટ્સએપ, મેસેજ કે સોશિયલ મીડિયા લિંક્સ દ્વારા મળતી કોઈ પણ APK ફાઈલ ક્યારેય ઇન્સ્ટોલ ન કરો.
૫. પરમિશન્સ રદ કરો: શંકાસ્પદ એપ્સને તાત્કાલિક ડિલીટ કરો અને ફોનના સેટિંગ્સમાં જઈને બિનજરૂરી ‘Accessibility’ તથા ‘Device Admin’ પરમિશન્સ બંધ કરો.
જો નાણાકીય વિગતો લીક થઈ જાય તો શું કરવું?
જો તમને આશંકા હોય કે તમારી બેંકિંગ માહિતી અથવા પૈસા ચોરાઈ ગયા છે:
-
તરત જ બેંકની સત્તાવાર શાખા અથવા અધિકૃત હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને તમારા કાર્ડ્સ અને UPI એકાઉન્ટ બ્લોક કરાવો.
-
બીજા કોઈ સુરક્ષિત ફોનમાંથી તમારા બેંકિંગ પાસવર્ડ્સ બદલી નાખો.
-
સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવવા માટે તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરો અથવા તેમની સત્તાવાર વેબસાઇટ પર રિપોર્ટ કરો.
સૌથી મહત્વનો એક જ સુવર્ણ નિયમ યાદ રાખો: કોઈપણ બેંક અથવા માન્ય સંસ્થા ક્યારેય પણ તમારી ટેકનિકલ સમસ્યા ઉકેલવા માટે તમને કોઈ રિમોટ-એક્સેસ એપ ડાઉનલોડ કરવા કે સ્ક્રીન શેર કરવા કહેતી નથી. સાવચેતી અને જાગૃતિ જ ડિજિટલ ફ્રોડ સામે તમારું સૌથી મોટું રક્ષણ છે.

