Istanbul Nighclub Fire : ઇસ્તંબુલ નાઇટક્લબમાં નવીનીકરણના કામ દરમિયાન મંગળવારે લાગેલી આગમાં 29 લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કેટલાક લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આઠ ઘાયલોમાંથી સાતને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇસ્તંબુલના યુરોપીયન ભાગના બેસિક્તાસ જિલ્લામાં 16 માળની રહેણાંક ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી નાઇટક્લબને નવીનીકરણ માટે બંધ કરવામાં આવી હતી. બાદમાં આગને કાબુમાં લેવામાં આવી હતી.
ગવર્નર દાવુત ગુલે કહ્યું કે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. રિપેરિંગ કામમાં લાગેલા લોકો આગની લપેટમાં આવ્યા હોવાનો અંદાજ છે. ન્યાય પ્રધાન યિલમાઝ તુને જણાવ્યું હતું કે ક્લબના મેનેજર અને સમારકામનો હવાલો સંભાળનાર વ્યક્તિ સહિત પાંચ લોકોની અટકાયત કરવામાં આવી હતી.