એકવાર ચાખશો તો વારંવાર બનાવશો! આમળાની ચટણી બનાવવાની સરળ રીત
શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ બજારમાં તાજા અને લીલાછમ આમળા જોવા મળવા લાગે છે. આમળા આપણી તબિયત માટે વરદાન સમાન છે, કારણ કે તેમાં વિટામિન-સી અને એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. સામાન્ય રીતે લોકો આમળાનું અથાણું, મુરબ્બો કે કેન્ડી બનાવીને આખું વર્ષ સ્ટોર કરતા હોય છે, પરંતુ તેને બનાવવામાં ઘણી મહેનત અને સમય લાગે છે.
જો તમે કોઈ પણ ઝંઝટ વગર થોડી જ મિનિટોમાં આમળાનો સ્વાદ માણવા માંગતા હો, તો આ વખતે આમળાની ખાટી-મીઠી ચટણી જરૂર ટ્રાય કરો. ગોળ અને કેટલાક ખાસ મસાલાઓથી તૈયાર થતી આ ચટણી એટલી સ્વાદીષ્ટ બને છે કે સાદી દાળ-ભાત, રોટલી કે પરોઠાનો સ્વાદ પણ બે ગણો વધી જાય છે. આવો જાણીએ તેને બનાવવાની ખૂબ જ સરળ રીત.
આમળાની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી
રસોડામાં આસાનીથી મળી રહેતી આ વસ્તુઓને પહેલેથી જ એકત્ર કરી લો:
-
આમળા: ૨૫૦ ગ્રામ (તાજા અને ડાઘ વગરના)
-
ગોળ: ૧૫0 ગ્રામ (છીણેલો કે ઝીણો ભાંગેલો)
-
જીરું: અડધી નાની ચમચી
-
વરિયાળી: અડધી નાની ચમચી
-
હિંગ: એક ચપટી
-
સંચળ (કાળું મીઠું): અડધી નાની ચમચી
-
સાદું મીઠું: સ્વાદ મુજબ
-
લાલ મરચું પાવડર: અડધી નાની ચમચી
-
તેલ: ૧ નાની ચમચી
-
પાણી: જરૂરિયાત મુજબ
આમળાની ખાટી-મીઠી ચટણી બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
૧. આમળા તૈયાર કરો: સૌથી પહેલા તાજા આમળાને સાફ પાણીથી સારી રીતે ધોઈ લો. ત્યારબાદ ચાકુની મદદથી તેને નાના ટુકડામાં કાપી લો અને અંદરથી ઠળિયા કાઢીને અલગ કરી લો.
૨. હળવા બાફી લો: હવે એક વાસણમાં પાણી ગરમ કરો અને આમળાના ટુકડાને નાખીને ૫ થી ૭ મિનિટ સુધી બાફી લો. બાફવાથી આમળા નરમ થઈ જશે અને તેની કાસાશ પણ ઘણી અંશે ઓછી થઈ જશે. બાફ્યા પછી પાણી ગાળીને આમળાને અલગ રાખી લો.
૩. વઘાર કરો: હવે ગેસ પર એક કઢાઈ મૂકો અને તેમાં ૧ નાની ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, વરિયાળી અને એક ચપટી હિંગ નાખીને હળવું સોનેરી થાય ત્યાં સુધી સાંતળી લો. હવે તેમાં બાફેલા આમળા નાખીને ૨ મિનિટ સુધી મધ્યમ આંચ પર હલાવતા રહીને સાંતળો.
૪. મસાલા અને ગોળ મિક્સ કરો: ત્યારબાદ કઢાઈમાં સંચળ, સાદું મીઠું અને લાલ મરચું પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં છીણેલો ગોળ અને થોડું પાણી (લગભગ ૨-૩ ચમચી) ઉમેરો. ગેસની આંચ ધીમી કરી દો અને ગોળને પૂરેપૂરો ઓગળવા દો.
૫. ઘાટી થાય ત્યાં સુધી પકાવો: ધીમી આંચ પર ચટણીને ૪-૫ મિનિટ સુધી પકવા દો, જેથી આમળા ગોળ અને મસાલાના સ્વાદને સારી રીતે શોષી લે. જ્યારે ચટણી થોડી ઘાટી અને ચમકતી દેખાવા લાગે, ત્યારે ગેસ બંધ કરી દો.
ચટણીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટેની ખાસ ટિપ્સ
-
ગળપણનું પ્રમાણ: તમે તમારી પસંદગી મુજબ ગોળનું પ્રમાણ થોડું ઓછું કે વધુ કરી શકો છો. જો તમને ચટણી વધારે મીઠી ગમતી હોય, તો થોડો વધુ ગોળ ઉમેરી દો.
-
વરિયાળીનો જાદુ: વઘારમાં વરિયાળી અવશ્ય નાખો, કારણ કે તે ચટણીને એક સરસ સુગંધ અને હળવો મીઠો ફ્લેવર આપે છે. તમે ઈચ્છો તો અંતે થોડો શેકેલો જીરું પાવડર કે ગરમ મસાલો પણ છાંટી શકો છો.
-
સ્ટોરેજ કરવાની સાચી રીત: ચટણી પૂરેપૂરી ઠંડી થઈ જાય પછી જ તેને સાફ અને સૂકા કાચના એરટાઈટ જારમાં ભરીને ફ્રિજમાં રાખો. આ ચટણી આરામથી ૧૫ થી ૨૦ દિવસ સુધી બગડતી નથી. તેને ગરમાગરમ બટાકાના પરોઠા, કચોરી કે સમોસા સાથે પીરસો!

