હરિયાણા સ્કૂલ શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં 1 જુલાઇથી 26 જુલાઇ સુધી ગરમીને કારણે રજાનું એલાન કર્યું છે. ત્યારે સત્તાવાર સુચના મુજબ હરિયાણામાં શાળાઓ આગામી 27 જુલાઇથી શરૂ કરવામાં આવશે.
હરિયાણાના શિક્ષણમંત્રી કંવર પાલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, રાજ્યની શાળાઓમાં 1 જુલાઇથી 26 જુલાઇ સુધી ગરમીને કારણે રજાઓ જાહેર કરવામાં આવી હતી અને 27 જુલાઇથી ફરીથી રાબેતામુજબ થશે. આ નિયમ શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ માટે લાગુ થશે.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા સરકારે તાજેતરમાં જાહેરાત કરી કે રાજ્યમાં આવતા મહિને ઉચ્ચ શિક્ષણ અને તકનીકી શિક્ષણની પરીક્ષાઓ નહીં યોજાય અને વિદ્યાર્થીઓને આંતરિક અને અગાઉની પરીક્ષાઓના આધારે આગામી સેમેસ્ટરમાં પ્રમોશન આપવામાં આવશે. આ માહિતી રાજ્યના શિક્ષણ પ્રધાન કંવર પાલે આપી હતી.
આ સાથે શિક્ષણમંત્રીએ નિવેદનમાં કહ્યું હતું કે, જો યુનિવર્સિટી ઇચ્છે અને તૈયારી હોય તથા સાધનો હોય તો તો તેઓ ઓનલાઇન પરીક્ષા લઇ શકે છે, પરંતુ તમામ વિદ્યાર્થીઓ આવી પરીક્ષા આપી શકે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
‘અનલોક -1’ પછી, સરકારે સોમવારે રાત્રે ‘અનલોક -2’ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 31 જુલાઇ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ અને કોલેજો બંધ રહેશે. જોકે, હરિયાણા સરકારે 27 જુલાઇથી રાજ્યની તમામ શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે, પરંતુ રાજ્યની કોલેજો 31 જુલાઈ સુધી બંધ રહેશે.