Canada Robbery
Canada Robbery: ગયા વર્ષે કેનેડામાં દેશની સૌથી મોટી સોના અને વિદેશી ચલણની ચોરી કરવામાં આવી હતી, જેમાં હવે ભારતીય મૂળના બે લોકોની સંડોવણી બહાર આવી છે. આ લૂંટમાં, ચોરોએ ટોરોન્ટો એરપોર્ટ પરથી કુલ 400 કિલોગ્રામ સોનું, જેની કિંમત 20 મિલિયન કેનેડિયન ડોલર છે, ચોરી કરી હતી. હવે આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે કુલ છ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા છ લોકોમાંથી બે ભારતીય મૂળના છે. તેમની તપાસમાં, પોલીસને જાણવા મળ્યું છે કે ચોરોએ Netflix સિરીઝ મની હેસ્ટમાંથી પ્રેરણા લીધી હતી.
શું છે સમગ્ર મામલો?
દેશની સૌથી મોટી ચોરી 17 એપ્રિલ, 2023ના રોજ કેનેડાના સૌથી મોટા એરપોર્ટ ટોરોન્ટો એરપોર્ટ પર કરવામાં આવી હતી. આ ચોરીમાં ચોરોએ કુલ 6600 સોનાના બારની ચોરી કરી હતી જેની કિંમત 20 મિલિયન કેનેડિયન ડોલર હતી. આ સાથે આ ચોરીમાં ચોરો તેમની સાથે વિદેશી ચલણ પણ લઈ ગયા હતા. કેનેડિયન પોલીસ છેલ્લા એક વર્ષથી આ કેસની તપાસ કરી રહી હતી. તે આ મામલે અમેરિકન પોલીસની મદદ લઈ રહી હતી. ચોરીની ઘટનાના લગભગ એક વર્ષ બાદ કેનેડા અને અમેરિકાની પોલીસને આ કેસમાં મોટી સફળતા મળી છે. ધરપકડ કરાયેલા છ લોકોમાંથી પાંચની કેનેડામાંથી ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
ભારતીય મૂળના આ લોકોના નામ બહાર આવ્યા
કેનેડિયન પોલીસ દ્વારા આ કેસમાં ધરપકડ કરાયેલા કુલ છ આરોપીઓમાંથી બે ભારતીય મૂળના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એર કેનેડાના કર્મચારી 54 વર્ષીય પરમપાલ સિદ્ધુની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આ ચોરીમાં અન્ય એક ભારતીય જન્મેલા કેનેડિયન નાગરિક 40 વર્ષીય અમિત જલોટાનું નામ પણ સામે આવ્યું છે. આ કિસ્સામાં, 31 વર્ષીય સિમરન પ્રીત પાનેસરની શોધ ચાલી રહી છે, જે અન્ય ભારતીય અને એર કેનેડાના ભૂતપૂર્વ કર્મચારી છે.
કેવી રીતે આચરવામાં આવી ચોરી?
17 એપ્રિલના રોજ, સ્વિસ બેંકો રાયફિસેન અને વાલ્કેમ્બી દ્વારા 400 કિલો સોનાના બાર અને વિદેશી ચલણ ઝુરિચ, સ્વિટ્ઝર્લેન્ડથી ટોરોન્ટો, કેનેડામાં પરિવહન કરવામાં આવ્યું હતું. સ્વિસ બેંકે ટોરોન્ટોમાં શિપમેન્ટની સુરક્ષાની જવાબદારી મિયામી સ્થિત કંપની બ્રિંકને સોંપી હતી. બેંકે આ સોનાની લગડીઓ એરપોર્ટના સ્ટોરેજ ડેપોમાં રાખી હતી. પરંતુ, સોનાની લગડીઓ આવ્યાના ત્રણ કલાક બાદ કોઈ અજાણ્યો શખ્સ બનાવટી દસ્તાવેજો બતાવીને સોનું લઈ ગયો હતો. લાખો ડોલરની ચોરીનો ખુલાસો ત્યારે થયો જ્યારે વાસ્તવિક બ્રિંકનો કર્મચારી રાત્રે સોનું લેવા માટે આવ્યો. બ્રિંક કહે છે કે એર કેનેડાના કર્મચારીએ બનાવટી દસ્તાવેજો પર કર્મચારીને શિપમેન્ટ આપ્યું હતું. તપાસમાં આ ચોરીમાં એર કેનેડાના બે કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવી હતી.
ચોરોએ Netflix સિરીઝ મની હેઇસ્ટમાંથી ચોરીની પ્રેરણા લીધી હતી
છેલ્લા એક વર્ષથી તપાસમાં લાગેલી કેનેડા અને અમેરિકાની પોલીસને હવે આ કેસમાં મોટી સફળતા મળી છે. આ કેસમાં પોલીસે કુલ નવ લોકોને આરોપી બનાવ્યા છે જેમાંથી છની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હજુ પણ બાકીના ત્રણ લોકોને શોધી રહી છે. ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ચોરો નેટફ્લિક્સ સિરીઝ મની હેઇસ્ટમાંથી ચોરી કરવા માટે પ્રેરિત હતા.