અહંકાર કે આત્મવિશ્વાસ? ગીતાના આ એક શ્લોકમાં છુપાયેલું છે સફળતાનું સૌથી મોટું રહસ્ય!
જીવનમાં પ્રગતિ કરવા માટે આત્મવિશ્વાસ હોવો અનિવાર્ય છે; પરંતુ, જ્યારે આ આત્મવિશ્વાસ અતિ-આત્મવિશ્વાસ કે અહંકારમાં ફેરવાઈ જાય છે, ત્યારે વ્યક્તિને ઘણીવાર પરાજયનો સામનો કરવો પડે છે. ક્યારેક તો પોતાના નજીકના લોકોના હાથે જ. આપણે ઘણીવાર આપણી પોતાની શક્તિ, હોદ્દો, સંપત્તિ કે સંસાધનોના આધારે બીજાને આપણા કરતાં નબળા માની લઈએ છીએ. જોકે, શ્રીમદ ભગવદ ગીતાનો દસમો શ્લોક આપણને શીખવે છે કે વધુ શક્તિ કે વિપુલ સંસાધનો હોવા એ વિજયની કોઈ ખાતરી નથી. અન્યને ઓછા આંકવા અને પોતાની ક્ષમતાઓ વિશે અતિશય અભિમાન રાખવું ઘણીવાર નિષ્ફળતા તરફ દોરી જાય છે. ચાલો, ગીતાના આ શ્લોકમાંથી મળતા ગહન બોધને સમજીએ.
શું કહે છે ગીતાનો આ શ્લોક?
મહાભારતના યુદ્ધની શરૂઆત પહેલાં, જ્યારે બંને સેનાઓ સામસામે ઊભી હતી, ત્યારે કૌરવો પક્ષે રહેલા દુર્યોધને પોતાની સેનાની સરખામણી પાંડવોની સેના સાથે કરી. તેણે કહ્યું:
અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ્ |
પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ્ ||
અર્થ: દુર્યોધન દાવો કરે છે કે પિતામહ ભીષ્મ દ્વારા સુરક્ષિત તેની સેના અપર્યાપ્ત (અસીમ/જેને માપી ન શકાય તેવી વિશાળ) છે, જ્યારે ભીમ દ્વારા સુરક્ષિત પાંડવોની સેના પર્યાપ્ત (સીમિત/નાની) છે. આ શ્લોક સ્પષ્ટપણે દુર્યોધનનો અહંકાર દર્શાવે છે; તે પોતાની વિશાળ સેનાને અજેય માનતો હતો અને પાંડવોની સેનાને નબળી ગણતો હતો.
ગીતાના 10મા શ્લોકથી મળતી જીવનની શીખ
આ શ્લોક માત્ર મહાભારતના યુદ્ધ સુધી સીમિત નથી, પરંતુ આજના સમયમાં આપણી રોજિંદી જિંદગી, કરિયર અને સંબંધો પર પણ પૂરી રીતે લાગુ પડે છે. આવો તેના મુખ્ય પાસાઓને સમજીએ:
1. પોતાની તાકાત પર ભરોસો રાખો, ઘમંડ ન કરો
દુર્વાધનને પોતાની સેના અને પિતામહ ભીષ્મ જેવા યોદ્ધાઓ પર પૂરો ભરોસો હતો, પરંતુ તેનો આ ભરોસો ઘમંડમાં બદલાઈ ગયો હતો. જીવનમાં પોતાની યોગ્યતા, અનુભવ કે સફળતા પર ગર્વ હોવો સારી વાત છે, પરંતુ તેનું અભિમાન કરવું પતનનું કારણ બને છે. જ્યારે આપણે ખુદને સર્વછવા માલિક સમજી બેસીએ છીએ, ત્યારે આપણે બીજાની મહેનત અને કાબિલિયતને નજરઅંદાજ કરવાની ભૂલ કરી બેસીએ છીએ.
2. કોઈને પણ કમજોર કે નાના ન સમજો
દુર્યોધને પાંડવ સેનાને તેમની સંખ્યા અને સંસાધનોના આધારે નબળી માની હતી; પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે વિજય માત્ર સંખ્યાબળથી નથી મળતો, પરંતુ યોગ્ય નીતિ, ધર્મ અને સચોટ રણનીતિથી મળે છે. કોર્પોરેટ જગત હોય, વ્યવસાય હોય કે વ્યક્તિગત જીવન ક્યારેય કોઈ સહકર્મી, તમારાથી નાના (જુનિયર) વ્યક્તિ કે પ્રતિસ્પર્ધીને ઓછા ન આંકવા જોઈએ. ઘણીવાર, ઓછા સંસાધનો ધરાવતી વ્યક્તિ પણ પોતાની મહેનત અને બુદ્ધિથી પરિસ્થિતિને સંપૂર્ણપણે બદલી શકે છે.
3. સંસાધનો કરતાં વધુ મહત્વપૂર્ણ છે ‘ટીમનો તાલમેલ’
યુદ્ધના મેદાનમાં માત્ર મોટી સેના હોવાથી જીત નથી મળતી, પરંતુ સૈનિકો વચ્ચેનો તાલમેલ અને શિસ્ત મહત્વપૂર્ણ છે. આ જ નિયમ આપણા પરિવાર અને ઓફિસ પર લાગુ પડે છે. જો તમારી પાસે ઉત્તમ સંસાધનો છે, પરંતુ ટીમ કે પરિવારમાં પરસ્પર તાલમેલ અને ભરોસો નથી, તો મોટામાં મોટી બાજી હારી શકાય છે.
4. કોઈપણ પડકારને હળવાશથી ન લો
જ્યારે આપણે એવા ભ્રમમાં આવી જઈએ છીએ કે આપણે સૌથી શક્તિશાળી છીએ, ત્યારે આપણે આપણી તૈયારીઓમાં ઢીલ મૂકવા લાગીએ છીએ. પછી ભલે તે પરીક્ષા હોય, નોકરી માટેનો ઇન્ટરવ્યુ હોય કે જીવનનો કોઈ મોટો સંઘર્ષ દરેક પડકારને ગંભીરતાથી લેવો આવશ્યક છે. અતિ-આત્મવિશ્વાસને કારણે ઉદ્ભવતી બેદરકારી ઘણીવાર મોટા પરાજય કે નિષ્ફળતા તરફ દોરી જાય છે.
જીવનમાં કેવી રીતે ઉતારવી આ શીખ?
જો આપણે દિવસની શરૂઆત કરતી વખતે ગીતાના આ વિચારોને આપણા જીવનમાં વણી લઈએ, તો આપણો દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. સવારે જાગ્યા પછી, થોડો સમય શાંતિથી આ શ્લોકના સાર પર વિચાર કરો અને તમારી જાતને પૂછો: શું એવું બની શકે કે તમે પણ કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે કોઈ ગેરસમજ ધરાવતા હોવ?
જીવનમાં સફળ થવા માટે ખુદ પર વિશ્વાસ હોવો જરૂરી છે, પરંતુ તેટલી જ જરૂરી છે બીજાઓ પ્રત્યે વિનમ્રતા. કોઈને પણ કમજોર ન સમજો, દરેક પરિસ્થિતિનું સન્માન કરો અને પૂરી ઈમાનદારીથી તમારી મહેનત ચાલુ રાખો. આ જ ગીતાનો સાચો સંદેશ છે.

