ક્રિકેટની દુનિયામાંથી મોટા સમાચાર આવ્યા છે. યુએસએ ટીમનો ODI ક્રિકેટ દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. યુએસએ મહિલા ટીમે ODI ક્રિકેટનો દરજ્જો ગુમાવવાથી UAE ટીમને મોટો ફાયદો થયો છે. હવે UAE ટીમને ODI ક્રિકેટનો દરજ્જો મળ્યો છે. UAE ટીમે 2025-29 ચક્ર માટે ICC ODI દરજ્જો મેળવનાર 16 મહિલા ટીમોની યાદીમાં સ્થાન મેળવ્યું છે, જે 12 મેથી અમલમાં આવશે. આ 16 ટીમોમાં પાંચ એસોસિયેટ સભ્યો – થાઇલેન્ડ, નેધરલેન્ડ, પાપુઆ ન્યુ ગિની એટલે કે PNG અને સ્કોટલેન્ડ અને UAEનો સમાવેશ થાય છે.
UAE એ USAએનું સ્થાન લીધું
થાઇલેન્ડ, નેધરલેન્ડ્સ, પાપુઆ ન્યુ ગિની અને સ્કોટલેન્ડે પોતાનો દરજ્જો જાળવી રાખ્યો છે જ્યારે યુએઈએ યુએસએનું સ્થાન લીધું છે. થાઇલેન્ડ અને સ્કોટલેન્ડે તાજેતરમાં યોજાયેલા મહિલા ODI વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે ક્વોલિફાય કરીને પોતાનો ODI દરજ્જો મેળવ્યો, જ્યારે PNG અને નેધરલેન્ડ્સે તેમના T20I રેન્કિંગના આધારે પોતાનો દરજ્જો જાળવી રાખ્યો. T20I રેન્કિંગમાં PNG 13મા ક્રમે છે અને નેધરલેન્ડ 15મા ક્રમે છે. T20I રેન્કિંગમાં થાઇલેન્ડ અને સ્કોટલેન્ડ અનુક્રમે 11મા અને 12મા ક્રમે છે. વાર્ષિક રેન્કિંગ અપડેટ સમયે, UAE એ T20I રેન્કિંગમાં 16મા ક્રમે રહીને, આગામી સર્વોચ્ચ ક્રમાંકિત એસોસિયેટ ટીમ તરીકે તેમનો ODI દરજ્જો મેળવ્યો. ODI દરજ્જો ધરાવતી ટીમોએ રેન્કિંગ હાંસલ કરવા અથવા જાળવી રાખવા માટે ત્રણથી ચાર વર્ષના સમયગાળામાં ઓછામાં ઓછી આઠ ODI રમવાની રહેશે.
પાકિસ્તાનમાં રમાયેલા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં, સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝ અને થાઈલેન્ડને હરાવીને 6 ટીમોમાંથી ચોથા સ્થાને રહી, જ્યારે થાઈલેન્ડ તેની પાંચેય મેચ હાર્યા બાદ છેલ્લા સ્થાને રહ્યું. આ વર્ષના અંતમાં ભારત દ્વારા યોજાનારી આ ટુર્નામેન્ટ દ્વારા પાકિસ્તાન અને બાંગ્લાદેશે વર્લ્ડ કપ માટે ટિકિટ મેળવી. જોકે, પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત નહીં આવે. પાકિસ્તાન તેની મેચ તટસ્થ સ્થળોએ રમી શકે છે.
T20I રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ
ઓસ્ટ્રેલિયા 299 રેટિંગ પોઈન્ટ સાથે T20I રેન્કિંગમાં ટોચ પર છે, જ્યારે ઈંગ્લેન્ડ (279 રેટિંગ) બીજા સ્થાને છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ત્રીજા નંબરે છે. ટીમ ઇન્ડિયાના 260 રેટિંગ પોઈન્ટ છે. યુએસએ મહિલા ટીમ હાલમાં ઝિમ્બાબ્વે સામે શ્રેણી રમી રહી છે. દરમિયાન, UAE ટીમ હાલમાં બેંગકોકમાં છે. તે યજમાન થાઇલેન્ડ, હોંગકોંગ અને કુવૈત સામેની T20I શ્રેણીમાં ભાગ લઈ રહી છે.