IPLના ઇતિહાસમાં વિરાટ કોહલીના નામે ઘણા રેકોર્ડ છે. પછી ભલે તે સૌથી વધુ રન બનાવવાનો હોય કે સૌથી વધુ ૫૦+ સ્કોર ફટકારવાનો હોય. વિરાટ કોહલી હવે બીજો એક મોટો રેકોર્ડ તોડવાની ખૂબ નજીક છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્ટાર બેટ્સમેન આજે એટલે કે 3 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાનારી મેચમાં નવો ઇતિહાસ રચી શકે છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાનારી આજની મેચમાં, કોહલી ડેવિડ વોર્નરના વિશાળ રેકોર્ડ પર નિશાન સાધશે.
ખરેખર, વિરાટ કોહલી IPLમાં કોઈ ટીમ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવી શકે છે. હાલમાં આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નરના નામે છે. વોર્નરે IPLમાં પંજાબ કિંગ્સ સામે 26 મેચમાં 1134 રન બનાવ્યા છે, જે કોઈ ટીમ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. હવે કોહલી વોર્નરનો આ રેકોર્ડ તોડી શકે છે. કોહલીને વોર્નરથી આગળ નીકળવા માટે ફક્ત 51 રનની જરૂર છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે, કોહલીએ 34 IPL મેચોમાં 37.37 ની સરેરાશ અને 125.46 ના સ્ટ્રાઇક રેટથી 1084 રન બનાવ્યા છે. આમાં 9 અડધી સદીનો સમાવેશ થાય છે. ચેન્નાઈ સામે તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 90 રન છે. જો આજે વિરાટ કોહલીનું બેટ સારું પ્રદર્શન કરે છે, તો ડેવિડ વોર્નરનો રેકોર્ડ તૂટવાનું લગભગ નક્કી છે.
IPLમાં કોઈ ટીમ સામે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન
- 1134 – ડેવિડ વોર્નર વિ PBKS (26 ઇનિંગ્સ)
- 1130 – વિરાટ કોહલી વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (30 ઇનિંગ્સ)
- 1104 – વિરાટ કોહલી વિરુદ્ધ પીબીકેએસ (34 ઇનિંગ્સ)
- 1093 – ડેવિડ વોર્નર વિરુદ્ધ કેકેઆર (28 ઇનિંગ્સ)
- 1084 – વિરાટ કોહલી, વિરુદ્ધ સીએસકે (33 ઇનિંગ્સ)
- 1083 – રોહિત શર્મા, વિરુદ્ધ કેકેઆર (35 ઇનિંગ્સ)
- 1057 – શિખર ધવન, વિરુદ્ધ સીએસકે (29 ઇનિંગ્સ)
કોહલી પાસે શાનદાર તક છે.
વિરાટ કોહલી એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે IPLમાં બે વાર કોઈ ટીમ સામે 1100 થી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેણે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ સામે આ સિદ્ધિ મેળવી છે. હવે કોહલી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 1100 રનનો આંકડો સ્પર્શ કરવા જઈ રહ્યો છે. આ સિદ્ધિ મેળવવા માટે તેમને ફક્ત 16 રનની જરૂર છે.