OpenAI
એક અહેવાલ જણાવે છે કે કંપનીની નવી કર્મચારી એક મહિલા છે, જેને સરકારી સંબંધોના વડા તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ પહેલા તે ટ્રુકોલરમાં પણ કામ કરી ચુકી છે.
ChatGPT maker OpenAI એ ભારતમાં કર્મચારીઓની ભરતી કરવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી મુજબ, કંપનીના પ્રથમ કર્મચારીનું નામ પ્રજ્ઞા મિશ્રા છે, જેને સરકારી સંબંધોના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ, OpenAI એ જાહેર નીતિ બાબતો અને ભાગીદારીનું નેતૃત્વ કરવા માટે પ્રજ્ઞાને હાયર કરી છે. આ પહેલા પ્રજ્ઞાએ Truecaller સહિત ઘણા મોટા પ્લેટફોર્મ પર કામ કર્યું છે.
બ્લૂમબર્ગના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે OpenAIએ પ્રજ્ઞા મિશ્રાની નિમણૂકને આખરી ઓપ આપી દીધો છે. આ મહિનાના અંત સુધીમાં પ્રજ્ઞા કંપની સાથે નવી શરૂઆત કરી શકે છે. જોકે, ભારતમાં ભરતી અંગે OpenAI અથવા તેના પ્રતિનિધિઓ તરફથી કોઈ વાત કરવામાં આવી નથી. તેમજ પ્રજ્ઞા મિશ્રાએ પણ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી.
કોણ છે પ્રજ્ઞા મિશ્રા
પ્રજ્ઞા મિશ્રા અગાઉ Truecallerમાં જાહેર બાબતોના વિભાગના વડા તરીકે કામ કરતી હતી. આ પહેલા, તેણી મેટા પ્લેટફોર્મ્સ સાથે પણ કામ કરી ચુકી છે, જ્યાં વર્ષ 2018 માં, તેણીએ ખોટી માહિતી સામે WhatsApp દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. પ્રજ્ઞા મિશ્રાએ ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી MBA અને દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમર્સની ડિગ્રી મેળવી છે. આ સિવાય પ્રજ્ઞાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી ડિપ્લોમા પણ કર્યો છે.
હાલમાં ભારતમાં OpenAI ની પ્રતિસ્પર્ધી Alphabet Inc છે. ગૂગલ કંપની છે. ગૂગલ દેશ માટે AI મોડલ વિકસાવવા જઈ રહ્યું છે. ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને ગયા વર્ષે તેમની ભારતની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ભારત જેવા દેશોમાં એઆઈ સંશોધનને એવી રીતે સમર્થન આપવું જોઈએ કે આરોગ્યસંભાળ જેવી સરકારી સેવાઓમાં સુધારો કરી શકાય. ઓલ્ટમેને એમ પણ કહ્યું કે ઓપનએઆઈની જનરેટિવ એઆઈ સેવા ચેટજીપીટી અપનાવનાર ભારત પહેલો દેશ છે.