તહેવારોની મસ્તીમાં મોડી રાત સુધી જાગવાની આદત બની શકે છે સ્વાસ્થ્ય માટે જોખમી, જાણો ઊંઘની અછતથી શરીરને થતા 5 મોટા નુકસાન
તહેવારોની સિઝન શરૂ થતાં જ ઘરમાં ખુશીનો માહોલ જોવા મળે છે. દિવાળી હોય કે અન્ય કોઈ મોટો તહેવાર, લોકો પરિવારજનો અને મિત્રો સાથે સમય પસાર કરવા, મોડી રાત સુધી પાર્ટી કરવા, ફરવા અને ઉજવણી કરવામાં વ્યસ્ત થઈ જાય છે. ઘણીવાર આ મસ્તી અને આનંદ વચ્ચે લોકો પોતાની ઊંઘ સાથે બાંધછોડ કરે છે. એકાદ દિવસ મોડા સૂવાથી ખાસ તકલીફ ન જણાય, પરંતુ સતત ઘણા દિવસો સુધી પૂરતી ઊંઘ ન લેવાની આદત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
નિષ્ણાતોના મતે સારી ઊંઘ માત્ર શરીરને આરામ આપવા માટે જ નહીં, પરંતુ મગજની કાર્યક્ષમતા અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પણ ખૂબ જરૂરી છે. નેશનલ હાર્ટ, લંગ એન્ડ બ્લડ ઇન્સ્ટિટ્યૂટ (NHLBI) અનુસાર, ઊંઘની અછત શરીરના અનેક મહત્વપૂર્ણ કાર્યોને અસર કરી શકે છે. તો ચાલો જાણીએ કે તહેવારો દરમિયાન મોડી રાત સુધી જાગવાની આદતથી કઈ સમસ્યાઓ થઈ શકે છે.
1. આખો દિવસ થાક અને સુસ્તીનો અનુભવ
જો તમે રાત્રે પૂરતી ઊંઘ લેતા નથી, તો તેની સીધી અસર બીજા દિવસે તમારી ઊર્જા પર જોવા મળે છે. સવારે ઊઠ્યા પછી પણ તાજગી અનુભવાતી નથી અને આખો દિવસ થાક, આળસ તથા સુસ્તી રહે છે. ઓફિસનું કામ હોય કે ઘરના સામાન્ય કામકાજ, દરેક કાર્ય કરવામાં મુશ્કેલી પડી શકે છે. વારંવાર બગાસાં આવવાં અને દિવસ દરમિયાન ઊંઘ આવવી પણ ઊંઘની અછતનાં સંકેતો હોઈ શકે છે.
2. યાદશક્તિ અને એકાગ્રતા નબળી પડી શકે છે
સારી ઊંઘ મગજ માટે અત્યંત જરૂરી છે. ઊંઘ દરમિયાન મગજ દિવસભરની માહિતીને વ્યવસ્થિત કરવામાં અને નવી બાબતો યાદ રાખવામાં મદદ કરે છે. જો તમે સતત મોડી રાત સુધી જાગો છો, તો કોઈ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થઈ શકે છે. નવી વસ્તુઓ શીખવાની ક્ષમતા અને યાદશક્તિ પર પણ અસર પડી શકે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને ઓફિસમાં કામ કરતા લોકોએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
3. ગુસ્સો અને ચીડિયાપણું વધી શકે છે
ઊંઘની અછત માત્ર શરીરને જ નહીં, પરંતુ મનને પણ અસર કરે છે. પૂરતી ઊંઘ ન મળવાથી વ્યક્તિ નાની-નાની વાતોમાં ગુસ્સે થઈ શકે છે. મૂડ ખરાબ રહે છે અને માનસિક તણાવનો સામનો કરવામાં પણ મુશ્કેલી પડે છે. પરિણામે પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં પણ નાની બાબતોને લઈને મતભેદ થઈ શકે છે.
4. ભૂખ વધે અને વજન વધી શકે છે
શું તમે જાણો છો કે ઊંઘનો સીધો સંબંધ તમારી ભૂખ સાથે પણ છે? શરીરમાં ઘ્રેલિન અને લેપ્ટિન નામના હોર્મોન્સ ભૂખ અને પેટ ભરાયાની લાગણીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઊંઘ પૂરી ન થવાથી ઘ્રેલિનનું પ્રમાણ વધી શકે છે અને લેપ્ટિનનું પ્રમાણ ઘટી શકે છે. તેના કારણે વારંવાર ભૂખ લાગે છે અને વધુ ખાવાની ઇચ્છા થાય છે. તહેવારોમાં મીઠાઈ, ફરસાણ અને તળેલી વાનગીઓનું સેવન પહેલેથી જ વધી જાય છે. આવી સ્થિતિમાં ઊંઘની અછત વજન વધવાની સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.
5. હૃદય અને બ્લડ શુગર પર ખરાબ અસર
લાંબા સમય સુધી પૂરતી ઊંઘ ન લેવાની આદત બ્લડ શુગરના નિયંત્રણને અસર કરી શકે છે. સમય જતાં ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. આ ઉપરાંત ઊંઘની સતત અછત હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વિતા, હૃદયરોગ અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ સાથે પણ જોડાયેલી છે.
તહેવારો દરમિયાન ઊંઘનું ધ્યાન કેવી રીતે રાખવું?
તહેવારોની મજા માણવાની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. દરરોજ સૂવા અને જાગવાનો સમય શક્ય હોય ત્યાં સુધી નિયમિત રાખો. રાત્રે સૂતા પહેલાં મોબાઇલ અને ટીવીનો ઉપયોગ ઓછો કરો. મોડા સુધી ઉજવણી કરી હોય તો પણ પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરો. પુખ્ત વયના લોકોએ સામાન્ય રીતે દરરોજ 7થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ.
યાદ રાખો, તહેવારોની સાચી ખુશી સારા સ્વાસ્થ્યમાં જ છે. થોડા કલાકોની મજા માટે તમારી ઊંઘ અને તંદુરસ્તી સાથે બાંધછોડ ન કરો. કારણ કે સ્વસ્થ શરીર અને પ્રસન્ન મન હશે તો જ હેવારોની ખુશીઓનો આનંદ લાંબા સમય સુધી માણી શકશો.

