મોટિયાબિંદ અને ડિલિવરીની ફ્રી સારવાર હવે માત્ર સરકારી હોસ્પિટલમાં જ મળશે! જાણી લો આયુષ્માન યોજનાનો નવો નિયમ
કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (AB-PMJAY) હેઠળ દેશના કરોડો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને દર વર્ષે ૫ લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવારનો લાભ મળે છે. અત્યાર સુધી આ યોજના હેઠળ લાભાર્થીઓને સરકારી હોસ્પિટલોની સાથે-સાથે પેનલમાં સામેલ ઘણી ખાનગી (પ્રાઈવેટ) હોસ્પિટલોમાં પણ વિનામૂલ્યે સારવાર કરાવવાની સુવિધા મળતી હતી. પરંતુ, હવે નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) એટલે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણે આ યોજનાના કેટલાક સારવાર પેકેજોમાં મોટા ફેરફાર કરવાનો મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો છે.
આ નવા નિયમ મુજબ, કુલ ૧૧૨ પ્રકારની સારવાર અને સર્જરીને માત્ર સરકારી હોસ્પિટલો માટે જ અનામત (Reserved) રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ફેરફારને કારણે આયુષ્માન કાર્ડ ધારકો માટે ખાનગી હોસ્પિટલોમાં જઈને મફત સારવાર કરાવવાના વિકલ્પો ઓછા થઈ શકે છે. સરળ અને સીધા શબ્દોમાં સમજીએ તો, હવે આ ૧૧૨ પ્રકારની બીમારીઓની સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ ખાનગી હોસ્પિટલોમાં નહીં થઈ શકે, તેના માટે દર્દીઓએ ફરજિયાતપણે સરકારી હોસ્પિટલોનો જ આશરો લેવો પડશે.
૧૧૨ સારવાર પેકેજ સરકારી હોસ્પિટલો માટે અનામત કરાયા
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ દ્વારા કરવામાં આવેલા આ ફેરફાર હેઠળ અગાઉથી જ સરકારી હોસ્પિટલો માટે અનામત રખાયેલા ૨૩ સારવાર પેકેજોમાં વધુ ૮૯ નવા પેકેજોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ, હવે કુલ મળીને ૧૧૨ સારવાર પેકેજો સંપૂર્ણપણે સરકારી હોસ્પિટલો માટે સુરક્ષિત રાખવામાં આવશે.
NHA દ્વારા તમામ રાજ્યોના સ્વાસ્થ્ય પ્રાધિકરણોને આ નવી વ્યવસ્થા લાગુ કરવાની પ્રક્રિયા ૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરી લેવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જોકે, લાભાર્થીઓ માટે એ જાણવું જરૂરી છે કે આ પ્રતિબંધ માત્ર નક્કી કરવામાં આવેલા આ ૧૧૨ પેકેજો પર જ લાગુ પડશે, બાકીની ગંભીર બીમારીઓની સારવાર રાબેતા મુજબ ખાનગી હોસ્પિટલોમાં ચાલુ રહેશે.
મોતિયાથી લઈને હાઈ-રિસ્ક ડિલિવરી સુધીની સારવારનો સમાવેશ
સરકારી હોસ્પિટલો માટે અનામત રાખવામાં આવેલા આ ૧૧૨ સારવાર પેકેજોમાં રોજબરોજની સામાન્ય બીમારીઓથી લઈને ઘણી મહત્વપૂર્ણ સર્જરીઓને સામેલ કરવામાં આવી છે. આ યાદીમાં મુખ્યત્વે નીચે મુજબની સારવારનો સમાવેશ થાય છે:
-
આંખ અને કાન-નાક-ગળાની સારવાર: આંખના મોતિયા (Cataract) નું ઓપરેશન, ઝામર (Glaucoma) સંબંધિત સારવાર તેમજ કાન, નાક અને ગળા (ENT) ના કેટલાક સામાન્ય ઓપરેશનો હવે સરકારી હોસ્પિટલોમાં જ થશે.
-
સ્ત્રી રોગ અને પ્રસૂતિ: ગર્ભાવસ્થા દરમિયાન જોખમી ગણાતી ‘હાઈ-રિસ્ક ડિલિવરી’, ગર્ભાશય (બચ્ચેદાની) કાઢવાનું ઓપરેશન અને તબીબી ગર્ભપાત જેવી સ્ત્રી રોગ સંબંધિત સારવારને પણ આ યાદીમાં મૂકવામાં આવી છે.
-
ચેપી અને સામાન્ય બીમારીઓ: ગંભીર એનિમિયા (લોહીની ઉણપ), મેલેરિયા, ચિકનગુનિયા, ગંભીર ઝાડા-ઊલટી (ડાયેરિયા), હિપેટાઈટિસ અને લિવર સંબંધિત કેટલીક બીમારીઓની સારવાર હવે ખાનગી હોસ્પિટલોમાં આ કાર્ડ હેઠળ નહીં થાય.
-
અન્ય સર્જરી અને માનસિક સ્વાસ્થ્ય: હાડકાના ફ્રેક્ચરની સારવાર, ગાંઠ (સિસ્ટ) અને ભગંદર (ફિસ્ટુલા) ની સર્જરી તેમજ માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કેટલાક ઉપચાર પેકેજો પણ આ ફેરફારનો હિસ્સો છે.
શા માટે લેવામાં આવ્યો આ મહત્વપૂર્ણ નિર્ણય?
સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતોના મતે, સરકારના આ નિર્ણય પાછળ બે મુખ્ય કારણો જવાબદાર છે. પ્રથમ, ઘણી ખાનગી હોસ્પિટલોમાં મોતિયા કે સામાન્ય પ્રસૂતિ જેવી સરળ સારવારના નામે યોજનાના ભંડોળનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠતી હતી. બીજું, સરકારી હોસ્પિટલોમાં આ તમામ સારવાર માટે પૂરતી સુવિધાઓ અને નિષ્ણાત ડોક્ટરો ઉપલબ્ધ હોવાથી સરકારી આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવવાનો અને યોજનાના નાણાંનો ઉપયોગ કેન્સર, હૃદયરોગ કે કિડની જેવી અત્યંત ગંભીર અને ખર્ચાળ બીમારીઓ માટે બચાવી રાખવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
અંતિમ નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારો પાસે રહેશે
જોકે NHA એ તમામ રાજ્યોને આ ૧૧૨ પેકેજો સરકારી હોસ્પિટલો માટે અનામત રાખવાનો નિર્દેશ આપ્યો છે, પરંતુ તેને જમીની સ્તરે લાગુ કરવાનો અંતિમ નિર્ણય જે-તે રાજ્ય સરકારો અને તેમના સ્વાસ્થ્ય પ્રાધિકરણો પર છોડવામાં આવ્યો છે.
જો કોઈ રાજ્યને લાગે કે તેમના વિસ્તારમાં સરકારી હોસ્પિટલોમાં પૂરતી સુવિધા નથી અથવા દર્દીઓને હાલાકી પડી શકે છે, તો રાજ્ય સરકારો આમાંથી કેટલીક અથવા તમામ સારવારોને ખાનગી હોસ્પિટલોમાં પણ ચાલુ રાખવાની છૂટ આપી શકે છે. તેથી, આયુષ્માન કાર્ડ ધારકોએ કોઈપણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતા પહેલા પોતાના રાજ્યની માર્ગદર્શિકા અને સંબંધિત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓની ચોક્કસ માહિતી મેળવી લેવી અત્યંત જરૂરી છે.

