વિદેશમાં રોકાણ છુપાવનારાઓ સાવધાન! CBDT આવતીકાલથી મોકલશે નોટિસ, ૩૧ ડિસેમ્બર સુધીમાં સુધારેલું રિટર્ન ફાઈલ કરવાની ચેતવણી.
ભારતીય નાગરિક હોય અને વિદેશની મિલકતોમાં રોકાણકરીને તેના થકી થતી આવક જાહેર ન કરીને કરચોરી કરનારા કરદાતાઓને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ આવતીકાલથી નોટિસ મોકલવાનું ચાલુ કરશે. તેમને 31મી ડિસેમ્બર સુધીમાં તેમનું સુધારેલું રિટર્ન ફાઈલ કરી દેવાની ચેતવણી પણ આપી જ દેવામાં આવી છે. અન્યથા તેમની પાસેથી દંડ સહિતનો વેરો વસૂલવામાં આવશે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસસની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે હાઈ રિસ્ક કરદાતાઓની એક વિશિષ્ટ યાદી તૈયાર કરી છે. આ યાદીમાં સમાવવામાં આવેલા ભારતીય કરદાતાઓએ વિદેશમાં મિલકતોમાં કે અસ્ક્યામતોમાં જંગી રોકાણ કરેલું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસની 27મી નવેમ્બરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે 17મી નવેમ્બર 2024ના તેમણે નોન ઇન્ટ્ર્ઝિવ યુસેજ ઓફ ડેટા ટુ ગાઈડ એનેબલ્ડ-નડ્જના નામ હેઠળ કરેલી પહેલમાં ઓટોમેટિક એક્સચેન્જ ઇન્ફોર્મેશનમા્ં તેમને 2024-25ના વર્ષમાં મળેલી વિગતો મુજબ 24,678 કરદાતાઓએ તેમના રિટર્ન સુધારીને 29,208 કરોડની મિલકતોની જાહેરાત કરી હતી. તદુપરાંત વિદેશી સ્રોત થકી થયેલી રૂ. 1089.88 કરડની આવક પણ જાહેર કરી હતી.
આ વરસે મળેલી માહિતીને આધારે 28મી નવેમ્બરથી આ કેટેગરીમાં આવતા કરદાતાઓને નોટિસો મોકલીને ચેતવણી આપવાનું ચાલુ કરી દેવામાં આવશે, એમ સીબીડીટીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ કેટેગરીમાં આવતા કરદાતાઓને તેમનું સુધારેલું રિટર્ન 31મી ડિસેમ્બર 2025 સુધીમાં ફાઈલ કરી દેવાની સૂચના આપવામાં આવશે. કરદાતા 31મી ડિસેમ્બર સુધીમાં સુધારેલું રિટર્ન ફાઈલ નહિ કરે તો તેવા સંજોગોમાં તેમને આકરો દંડ કરવામાં આવશે.
ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને અન્ય દેશના આવકવેરા વિભાગ તરફથી કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડની વ્યવસ્થા હેઠળ માહિતી મળ્યા જ કરે છે. તેની મદદથી વિદેશમાં રોકાણ કરીને ભારતમાં ભરવામાં આવેલા આવકવેરાના રિટર્નમાં ન દર્શાવેલી મિલકતોની માહિતી મળી જાય છે. તેથી તેમને સમયસર તેમના રિટર્ન સુધારી લેવાની ચેતવણી આપવામાં આવે છે.
ટેક્સ કન્સલ્ટન્ટ શું કહે છે?
ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટનું કહેવું છે કે (Tax consultant Pramod Popat)આ કરદાતાઓ અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં મિલકતો ખરીદવામાં મોટું રોકાણ કરે છે. આ રોકાણની વિગતો તેમના આવકવેરાના રિટર્નમાં દર્શાવતા જ નથી. તેમ જ તેના થકી થતી આવક પણ આવકવેરાના રિટર્નમાં દર્શાવતા જ નથી. આ રીતે તેઓ મોટી રકમની કરચોરી કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશની મિલકતોમાં કરેલું રોકાણ છુપાવે છે અને તેના થકી થતી આવક પણ છુપાવીને કરચોરી કરી રહ્યા છે.
CBDTએ સ્પષ્ટતા કરી
CBDTએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે 2025ના ITR ફાઇલીંગ સિઝનમાં હાઈ-રિસ્ક કેટેગરીમાં આવનારા ટેક્સપેયર્સને “Alert Messages” અને “Nudges” મોકલવામાં આવશે, જેથી તેઓ રિટર્ન ફરી તપાસી શકશે. તેમ જ રિટર્નમાં સુધારો પણ કરી શકશે. આ રીતે કરદાતાઓ ભારે દંડ અથવા પ્રોસિક્યુશનથી બચી શકશે.
સીબીડીટી-સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ચેતવણી એટલે આપી છે કે કેટલાક ટેક્સપેયર્સે વિદેશી બેંક એકાઉન્ટ, શેર, પ્રોપર્ટી અથવા અન્ય નાણાકીય સંપત્તિ છે, પણ તેની જાહેરાત કરી જ નથી. બીજું, કરચોરી કરવા માટે માહિતી છુપાવવાને પરિણામે તે કરદાતાઓને આકરો દંડ થવાની શક્યતા ઉપરાત તેમની સામે કોર્ટ કેસની કાર્યવાહી થવાનો ખતરો રહેલો છે. બ્લેક મની અધિનિયમ અને IT અધિનિયમ હેઠળ વિદેશી સંપત્તિ છુપાવવાની સજા ખૂબ જ ગંભીર છે.
ટેક્સપેયર્સને શું કરવું જોઈએ?
તેથી જ CBDTએ સલાહ આપી છે કે આ કેટગરીમાં આવતા કરદાતાઓએ પોતાના આવકવેરાના રિટર્નની સંપૂર્ણ સમીક્ષા કરી લેવી જોઈએ. તેમ જ વિદેશી એસેટ્સ તથા ઈન્કમ સાચી રીતે દર્શાવી દેવી જોઈએ. કરદાતાને જરૂર જણાય તો તેમણે સુધારેલું રિટર્ન (Revised Return) ફાઇલ કરી દેવું જોઈએ. આ બાબત અંગે આવકવેરા ખાતાના અધિકારીઓમાં ગેરસમજ ન થાય તે માટે તેને લગતા દસ્તાવેજો પણ રજૂ કરી દેવા જોઈએ. CBDTએ કહ્યું છે કે આ પગલું ટેક્સપેયર્સને કાયદેસરની રીતે અનુરૂપ રહેવામાં મદદ કરવા અને અનાવશ્યક દંડ ટાળવા માટે છે.


