અમારા વાચક વર્ગ માટે અમે નવો લેખ લઈને આવ્યા છીએ જેનું નામ છે ‘ઈતિહાસના પાનામાં લટાર’. આ લેખ માં અમે તમને જણાવી શું આપણા ઈતિહાસ વિશે જે ગુજરાતમાં રચાયેલો છો અને જે આપણું ગૌરવ છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તો આજે આપણે ઇતિહાસના આ પાનામાં લટાર મારીશું.

ઇતિહાસ:

હજારો વર્ષ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો. આ ફાટેલા જવાળામુખી માંથી આ પાવાગઢનાં કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો અને એક લોકવાયકા એવી પણ છે કે આ પવૅત જેટલો બહાર દેખાય છે તેનાં કરતાં ધરતી ની અંદર તરફ વધારે છે. આ નગરના નામ ચાંપાનેર અંગે પણ ત્રણેક લોકવાયકા પ્રચલિત છે. અહીંના લાલાશ પડતા પથ્થરોનો રંગ ચંપક (સોનચંપો) ફૂલના રંગ જેવો હોવાથી તેનું નામ ચાંપાનેર પડ્યું. બીજી વાયકા મુજબ, ગુજરાત પ્રદેશના રાજા વનરાજ ચાવડાના મિત્ર અને દીવાન ચાંપા વાણિયાના નામ પરથી આ નગર ચાંપાનેર તરીકે ઓળખાયું. અને ત્રીજું ચાંપા નામના ભીલ અગ્રણીના નામ પરથી આ નગરનું નામ ચાંપાનેર હોવાનું પણ મનાય છે. નામ જે રીતે પડ્યું હોય એ રીતે, પણ પાવાગઢ અને તેની તળેટીમાં વસેલા ચાંપાનેરનું ગુજરાતના ઈતિહાસમાં વિશિષ્ટ મહત્વ રહ્યું છે.

પાવાગઢમાં ઉત્ખનન દરમ્યાન પાષાણ યુગના અવશેષો મળી આવ્યા છે, આ સિવાય મૈત્રક શાસકોના જમાનાના સિક્કાઓ પણ મળી આવ્યા છે. પાવાગઢ ખૂબ મજબૂત કિલ્લો હતો અને પાવાગઢમાં કુલ ૧૨ રાજા થઈ ગયા. ઈ.સ.૧૩૦૦ ની આસપાસ પાવાગઢનો વિસ્તાર ચૌહાણ વંશના શાસકોના હાથમાં આવ્યો, જેમના શાસનનો કુલ ગાળો ૧૮૪ વરસનો હતો. ચાંપાનેર પડાવવા માટે અહમદશાહે ઈ.સ. ૧૪૧૮ અને ૧૪૨૦માં કૂચ કરી હતી, પણ તેને સફળતા મળી નહોતી. ફરી એક વાર તે ૧૪૩૧માં ચડી આવ્યો,અને વધુ એક વાર ખાલી હાથે પાછો ગયો. ૧૪૫૦માં મહંમદ બીજાએ અહીં ચડાઈ કરી અને નીચેનો ગઢ કબજે કર્યો. પરંતુ, તેણે છેવટે ગોધરા જતું રહેવું પડ્યું. ચાંપાનેરનો છેલ્લો રાજપૂત શાસક રાજા હતો પતાઈ રાવળ જેમનું ખરું નામ જયસિંહદેવ પતાઈ હતું. જેને ગુજરાતના સુલતાન નાસીરૂદ્દીન મહેમૂદશાહે પરાસ્ત કર્યો. મહેમૂદશાહે આ કિલ્લાને વીસ વીસ મહિના સુધી ઘેરો ઘાલેલો રાખ્યો અને પોતાની ભીંસ વધારતો ગયો. એપ્રિલ, ૧૪૮૩ થી ડિસેમ્બર, ૧૪૮૪ સુધી ચાલેલા આ ઘેરા પછી પતાઈ રાવળનું પતન થયું.

મહેમૂદશાહે ચાંપાનેરને પોતાની બીજી રાજધાની બનાવ્યું અને તેનું નામ આપ્યું મેહમૂદાબાદ. પાવાગઢ જીતેલા મહેમૂદશાહનું ઉપનામ ત્યાર પછી ‘બેગડો’ (બે ગઢ- જૂનાગઢ અને પાવાગઢને જીતનાર) પડ્યું અને ઈતિહાસમાં તે ‘મહંમદ બેગડા’ તરીકે જાણીતો થયો. મહેમૂદ બેગડાના શાસનકાળમાં ચાંપાનેરની સમૃદ્ધિ ખીલી, પણ તે અલ્પજીવી નીવડી. મોગલ બાદશાહ હુમાયુએ અહીં આક્રમણ કર્યું અને ત્યાર પછી પાટનગર અમદાવાદ ખસેડાયું. એ પછી મહેમૂદ ત્રીજાએ સમ્રાટ અકબરના શાસનકાળ દરમ્યાન ચાંપાનેર ફરી કબજે કર્યું. પછી શાહ મિરઝાએ પણ ચાંપાનેર પર શાસન કર્યું, અને ત્યારબાદ બહુ ઝડપથી ચાંપાનેર ઉજ્જડ થતું ગયું. એમ તો ૧૭૧૭માં આ નગર કૃષ્ણાજી કદમના હાથમાં આવ્યું અને ત્યાર પછી સિંધીયા ના હાથમાં ગયું. ૧૮૫૩માં છેવટે તે અંગ્રેજોને સુપરત કરાયું.
દંતકથાઓ:
૧ દંતકથા:-

પૌરાણિક દંતકથા અનુસાર પ્રજાપતિ દક્ષે તેમનાં ઘરે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને તેમાં બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હતું પરંતું પોતાની પુત્રી પાર્વતી અને તેના પતિ દેવાધિદેવ શંકરને આમંત્રણ નહોતુ આપ્યું છતાં પણ પોતાના પતિની અવગણના કરીને દેવી સતી ત્યાં ગયાં જ્યાં તેઓ પોતાના પતિનું વારંવાર અપમાન થતું જોઈને તેઓ તે સહન ન કરી શક્યાં અને પોતે અગ્નિકુંડમાં કુદી પડ્યાં. આ વાતની જાણ જ્યારે ભગવાન શંકરને થઈ ત્યારે તેઓ ત્યાં પહોચીને સતીના બળેલા દેહને જોઈને અતિ કોપાયમાન થયાં અને તેમના દેહને લઈને આખા બ્રહ્માંડમાં પરિભ્રમણ કરવા લાગ્યાં. ભગવાન શિવના આ રૂપને જોઈને બધાં જ દેવતાંઓ ખુબ જ ભયભીત થયાં તેથી ભગવાન વિષ્ણુંએ તેમના સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહને ટુકડાઓમાં વિભાજીત કરી દીધો. દેવી સતીના દેહના ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યાં ત્યાં ત્યાં મોટી મોટી શક્તિપીઠો સ્થાપિત થઈ ગઈ. આખા ભારતમાં આવી બાવન શક્તિપીઠો છે. એવું કહેવામાં આવે છે કે દેવીના દેહની જમણા પગની આંગળી આ જ્ગ્યા પર પડી હતી. તેથી પાવાગઢ માં આ શક્તિપીઠની સ્થાપના થઈ હતી.
૨ દંતકથા:-

આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે. હજારો વર્ષો પૂર્વે પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા.આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપશ્વર્યા અને આરાધના કરીને બહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્વ કર્યુ હતું. એવું પણ કહેવાય છે કે, શ્રી કાલિકા માતાજીએ આપેલ નર્વાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગદ્જનની માં ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી.
૩ દંતકથા:-

એવું પણ માનવામાં આવે છે કે એક વખત મહાકાળી મા એ મનુષ્યનું રૂપ ધારણ કરીને નવરાત્રિ મહોત્સવ દરમિયાન રાજમહેલમાં ગવાઈ રહેલા ગરબામાં ભાગ લેવા માટે આવ્યાં તો તેમના સૌદર્યને જોઈને રાજા પતાઈ અંજાઇ ગયા અને તેઓએ દેવીનો પાલવ પકડીને તેને પોતાની સાથે રાજમહેલમાં જવા માટે કહ્યું તો દેવીએ તેના પર કોપાયમાન થઈ ગયાં અને તેને શ્રાપ આપી દિધો કે તારા રાજનો નાશ થશે. દેવીના શ્રાપના કારણે પતાઈ રાજા નું રાજ નાશ પામ્યું. અને તે ગઢ ઉપર ગુજરાતનો મહંમદ બેગડો ચઢી આવ્યો.

પાવાગઢ પર ભદ્રકાળી તથા મહાકાળિનાં બે શિખર છે. જે ૧૭૦૦ તથા ૨૭૨૦ ફૂટ ઊંચે છે. પાવાગઢ પર ૧૭૦૦ ફૂટ ઉપર માંચી નામનું સ્થળ છે. યાત્રાળુ રાત્રે માંચી રોકાય છે. સવારે ગઢ ચઢે છે. બપોર પહેલાં દર્શન કરી નીચે આવી જાય છે. પહેલાં તો અહીં પગથિયાં ચડીને જ જવું પડતું હતું પરંતુ હવે તો રોપ વે ની વ્યવસ્થા પણ છે. •


