શમોન્ડા વાયરસ શું છે? ફ્રાન્સના કેસ બાદ જાણો લક્ષણો અને ફેલાવાની રીત
ફ્રાન્સમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે પશુઓમાં જોવા મળતા ‘શમોન્ડા વાયરસ’ (Shamonda Virus) થી સંક્રમિત એક દર્દીનું ફ્રાન્સની એક હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. માનવ શરીરમાં આ વાયરસનું સંક્રમણ અને તેનાથી મૃત્યુ થવાનો વિશ્વનો આ પ્રથમ કિસ્સો નોંધાયો છે. જોકે, ફ્રેંચ સત્તાવાળાઓ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સ્પષ્ટ કર્યું છે કે આ વાયરસથી સામાન્ય જનતાને હાલ પૂરતો કોઈ મોટો ભય નથી.
મળતી માહિતી મુજબ, મૃતક પૂર્વ ફ્રાન્સનો વતની હતો અને તેની ઉંમર ૬૦ વર્ષથી વધુ હતી. સ્થાનિક અહેવાલો અનુસાર, તે લિયોન (Lyon) વિસ્તારમાં રહેતો હતો. એવું માનવામાં આવે છે કે આ વર્ષે વસંત અને ઉનાળાની ઋતુ દરમિયાન તે વિસ્તારના પશુઓમાં ફેલાયેલા આ વાયરસથી સંક્રમિત ‘મિજ’ (એક પ્રકારની નાની માખી કે મચ્છર) ના કરડવાથી તે આ વાયરસની ચપેટમાં આવ્યો હતો.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને ફ્રેન્ચ હેલ્થ ઓથોરિટીનું નિવેદન
જીનિવા સ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) આ સમગ્ર મામલે ફ્રેન્ચ સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. WHO ના અધિકારીઓએ જણાવ્યું કે, “હાલની ઉપલબ્ધ માહિતી અને આ જ પરિવારના અન્ય સમાન વાયરસના સંક્રમણની પેટર્નના આધારે, આ માનવ સંક્રમણનો એક અત્યંત અલગ અને વિશિષ્ટ (isolated) કિસ્સો છે. આ વાયરસ વ્યાપકપણે લોકોમાં ફેલાય તેવી શક્યતા નહિવત છે.”
ફ્રાન્સના હેલ્થ ડાયરેક્ટોરેટના વડા ગ્રેગરી એમેરીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, “વૈજ્ઞાનિક અને વાયરોલોજીકલ દ્રષ્ટિકોણથી આ એક સાચે જ અભૂતપૂર્વ ઘટના છે. મૃતક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ (Immune System) ખૂબ જ નબળી હતી, જેના કારણે આ વાયરસ તેના શરીર પર આટલો ઘાતક સાબિત થયો.” તેમણે વધુમાં ઉમેર્યું કે પશુઓમાંથી મનુષ્યમાં અથવા એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં આ વાયરસ સીધો ફેલાયો હોય તેવો કોઈ પુરાવો કે રિપોર્ટ મળ્યો નથી.
શું છે શમોન્ડા વાયરસ અને તે પશુઓમાં કેવી રીતે ફેલાય છે?
વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ફોર એનિમલ હેલ્થ (WOAH) અનુસાર, શમોન્ડા વાયરસ મુખ્યત્વે કરડતી માખીઓ કે મચ્છરો (biting midges) દ્વારા ફેલાય છે. આ વાયરસ મોટાભાગે ગાય અને ભેંસ જેવા ઢોરોમાં જોવા મળે છે, જોકે ઘોડા, અલ્પાકા, ઘેટાં અને બકરાઓમાં પણ તેનું સંક્રમણ નોંધાયું છે.
હાલમાં આ વાયરસને યુરોપિયન યુનિયનના ‘એનિમલ હેલ્થ લો’ હેઠળ એક ગંભીર રોગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો નથી, તેથી તે કોઈ સત્તાવાર દેખરેખ કે કડક નિયંત્રણ પગલાં હેઠળ આવતો નથી.
ઇતિહાસ પર નજર કરીએ તો, આ વાયરસની સૌથી પહેલી ઓળખ ૧૯૬૦ના દાયકાના મધ્યમાં નાઇજીરીયામાં થઈ હતી. યુરોપમાં આ વાયરસનો પ્રથમ કેસ આ વર્ષે જુલાઈના અંતમાં સામે આવ્યો હતો, જ્યારે દક્ષિણ જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ અને પૂર્વ ફ્રાન્સમાં બીમાર ગાયોના જીનોમિક ટેસ્ટમાં શમોન્ડા વાયરસની પુષ્ટિ થઈ હતી.
યુરોપના પશુપાલન ક્ષેત્ર પર આડઅસર
આ વાયરસ માત્ર ફ્રાન્સ પૂરતો મર્યાદિત નથી. ફ્રાન્સના પશુ આરોગ્ય દેખરેખ બુલેટિન અનુસાર, શમોન્ડા વાયરસ યુરોપના ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, આયર્લેન્ડ, ઈટલી, લીચટેન્સ્ટેઈન, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્લોવેનિયા, સ્પેન અને જર્સી જેવા દેશોમાં પણ પશુઓમાં મળી આવ્યો છે.
આ વાયરસથી સંક્રમિત પશુઓમાં ઝાડા, અશક્તિ, ભૂખ ન લાગવી અને કેટલાક કિસ્સામાં તાવ જેવા લક્ષણો જોવા મળે છે. ફ્રાન્સના ૯ ડેરી ફાર્મ્સ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ વાયરસના સંક્રમણને કારણે ગાયોના દૂધ ઉત્પાદનમાં ૭૫% સુધીનો અધધ ઘટાડો નોંધાયો હતો, જે પશુપાલકો માટે એક મોટો આર્થિક ફટકો છે.

