સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ, દર્દીઓની સુરક્ષા માટે આવ્યો આ મોટો આદેશ
દેશની હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓની નાજુક તબિયત અને તેમના કાનૂની તેમજ સ્વાસ્થ્ય અધિકારોની રક્ષણ માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મોટું અને કડક પગલું ભર્યું છે. સરકારે દેશભરની તમામ સરકારી અને ખાનગી (પ્રાઈવેટ) હોસ્પિટલોમાં એક જ વાર વાપરી શકાય તેવા (Single-Use) મેડિકલ ઉપકરણોને ફરીથી ધોઈને અથવા સેનિટાઈઝ કરીને બીજા દર્દીઓ પર ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.
સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલય (DGHS) દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, હોસ્પિટલોની આ પ્રકારની ગંભીર લાપરવાહીને કારણે દર્દીઓમાં અત્યંત જોખમી અને જાનલેવા સંક્રમણો ફેલાવવાનો સતત ભય રહે છે. આ હાનિકારક પ્રથાને ડામવા માટે સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ નવા નિયમનો તાત્કાલિક ધોરણે ચુસ્તપણે અમલ કરવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે, જેથી સામાન્ય નાગરિકોના જીવન સાથે રમત અટકાવી શકાય.
ગંભીર બીમારીઓ અને જીવલેણ સંક્રમણનો મોટો ખતરો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, એકવાર ઉપયોગમાં લેવાયા પછી ગમે તેટલી સારી રીતે સ્ટરેલાઈઝ (સાફ) કરવામાં આવે તો પણ આવા મેડિકલ સાધનો સંપૂર્ણપણે સુરક્ષિત હોતા નથી. આવા પુનઃઉપયોગમાં લેવાતા ઉપકરણો પર જૂનો જૈવિક કચરો (Biological Waste) અથવા અદ્રશ્ય બેક્ટેરિયા છુપાયેલા રહી જાય છે, જે સીધા જ નવા દર્દીના લોહી કે શરીરમાં પ્રવેશ કરી શકે છે.
સ્વાસ્થ્ય મહાનિદેશાલયે ચેતવણી આપી છે કે આ પ્રકારની બેદરકારીના કારણે દર્દીઓમાં હેપેટાઇટિસ બી (Hepatitis B), હેપેટાઇટિસ સી (Hepatitis C) અને એચઆઈવી (HIV) જેવી અત્યંત ગંભીર અને જીવલેણ બીમારીઓ ફેલાવવાનું જોખમ સૌથી વધુ રહે છે. આ ઉપરાંત, હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓ પર ગંભીર બેક્ટેરિયલ ઇન્ફેક્શનનો બોજ પણ અકારણ વધી જાય છે, જે તેમની સાજા થવાની પ્રક્રિયાને લાંબી અને પીડાદાયક બનાવે છે.
કાર્ડિયોલોજી અને નેફ્રોલોજી વિભાગોમાં મોટાપાયે થઈ રહી હતી અનિયમિતતા
સરકારી તપાસ દરમિયાન એવા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે કે હોસ્પિટલોના કેટલાક મોટા અને સંવેદનશીલ વિભાગોમાં અત્યંત મોંઘા મેડિકલ સાધનોને ગેરકાયદેસર રીતે વારંવાર કામમાં લેવામાં આવી રહ્યા હતા. જેમાં મુખ્યત્વે હૃદયની બીમારીઓ સાથે જોડાયેલા કાર્ડિયોલોજી વિભાગમાં વપરાતા કાર્ડિયાક કેથેટર, ગાઈડવાયર અને બલૂન કેથેટરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કિડનીની સારવાર માટેના નેફ્રોલોજી વિભાગમાં ઉપયોગમાં આવતા ડાયલાઈઝર અને બ્લડ ટ્યુબિંગને પણ ગેરકાયદેસર રીતે ફરીથી વાપરવાના કિસ્સાઓ પકડાયયા છે. કેન્સર અને ન્યુરોસર્જરી જેવા અત્યંત નાજુક વિભાગોમાં પણ સર્જિકલ સ્ટેપલર, લેપ્રોસ્કોપિક ટ્રોકર અને સોય જેવી ચીજવસ્તુઓનો પુનઃઉપયોગ થવાની અનેક ફરિયાદો મળી રહી હતી, જેને ગંભીરતાથી લેવામાં આવી છે.
દર્દીઓના ખિસ્સા પર આર્થિક ડાકો અને કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન
આ કડક પ્રતિબંધ પાછળ માત્ર સ્વાસ્થ્ય સુરક્ષાના કારણો જ નહીં, પરંતુ મોટાપાયે આર્થિક છેતરપિંડી પણ એક મુખ્ય વજહ રહી છે. સરકારને એવી અનેક વિશ્વસનીય ફરિયાદો મળી હતી કે ઘણી નામાંકિત કોર્પોરેટ હોસ્પિટલો એક જ વાર વાપરવાના સાધનોને ફક્ત સાફ કરીને બીજા નવા દર્દી પર વાપરતી હતી, પરંતુ દર્દીના અંતિમ બિલમાં તે જ સાધનના પૂરેપૂરા નવા સાધનો જેટલા જ નાણાં વસૂલવામાં આવતા હતા.
સ્વાસ્થ્ય મહાનિદેશાલયે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની કૃત્ય એ ‘ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940’, ‘ક્લિનિકલ એબ્લિશમેન્ટ એક્ટ 2010’ અને ‘બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ’ના કડક કાનૂની નિયમોનું સીધું અને ખુલ્લું ઉલ્લંઘન છે. હોસ્પિટલો દ્વારા આ પ્રકારે દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આર્થિક લૂંટ ચલાવવામાં આવી રહી હતી.
તમામ રાજ્યોને કડક નિરીક્ષણ અને તાત્કાલિક કાર્યવાહીના આદેશ
કેન્દ્ર સરકારના આ નવા અને કડક આદેશ પછી સમગ્ર દેશનું સ્વાસ્થ્ય તંત્ર અને પ્રશાસન સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. તમામ રાજ્યોના મુખ્ય સચિવો, સ્વાસ્થ્ય વિભાગો અને ડ્રગ કંટ્રોલર્સને ખાસ આદેશો આપવામાં આવ્યા છે કે તેઓ પોતપોતાના વિસ્તારોની હોસ્પિટલો પર ચાંપતી નજર રાખે. ડ્રગ ઇન્સ્પેક્ટરો અને સ્વાસ્થ્ય અધિકારીઓની વિશેષ ટીમોને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ (અચાનક દરોડા) કરવા માટે સૂચના આપવામાં આવી છે.
જો તપાસ દરમિયાન કોઈ પણ હોસ્પિટલ નિયમોનું ઉલ્લંઘન કરતી પકડાઈ જશે અથવા તો ઓરિજિનલ મેન્યુફેક્ચરરની ગાઇડલાઇન વિરુદ્ધ જઈને સાધનો ફરીથી વાપરતી જણાશે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, દોષિત જણાતી હોસ્પિટલનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે તેવી આકરી ચેતવણી આપવામાં આવી છે.

