કિડનીમાં પથરી હોવાની ઓળખ કેવી રીતે કરવી? અસહ્ય પીડા, પેશાબમાં ફેરફાર અને તાત્કાલિક તબીબી સારવાર અંગે જાણો બધું જ
આજના આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલી, ઓછું પાણી પીવાની ટેવ અને ખોરાકમાં અસંતુલન જેવા કારણોસર ‘કિડનીમાં પથરી’ (Kidney Stones) એ અત્યંત સામાન્ય પણ પીડાનાયક સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. શરૂઆતના તબક્કે કિડનીમાં પથરી હોય ત્યારે તેના કોઈ ખાસ કે સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી. પરંતુ જ્યારે આ પથરી ખસીને પેશાબની નળીમાં (Urinary Tract) પસાર થવા લાગે છે, ત્યારે વ્યક્તિને અસહ્ય પીડા અને અનેક શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં યોગ્ય સમયે લક્ષણો ઓળખીને નિદાન કરાવવું ખૂબ જરૂરી બની જાય છે.
કિડની પથરી એટલે શું અને તે કેવી રીતે બને છે?
માનવ શરીરમાં જ્યારે પેશાબમાં કેલ્શિયમ, ઓક્ઝાલેટ અને યુરિક એસિડ જેવા ખનિજો તથા ક્ષારનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય છે, ત્યારે આ કણો એકઠા થઈને સખત સ્ફટિકનું રૂપ ધારણ કરે છે. તેને કિડનીની પથરી કહેવામાં આવે છે.
નાના કદની પથરી ઘણીવાર કોઈ મોટા લક્ષણો વગર પેશાબના પ્રવાહ સાથે સરળતાથી બહાર નીકળી જાય છે. જોકે, જ્યારે આ પથરી કદમાં મોટી હોય છે, ત્યારે તે પેશાબના માર્ગમાં અટકાયત અથવા અવરોધ ઊભો કરે છે. આ અવરોધના કારણે પેશાબની નળીમાં સોજો આવે છે અને તીવ્ર પીડા થાય છે.
શરીરના પાછળના અને બાજુના ભાગમાં અસહ્ય દુખાવો
કિડનીમાં પથરી હોવાનું સૌથી પહેલું અને અગત્યનું લક્ષણ એટલે પેટના પાછળના ભાગમાં, પાંસળીઓની નીચે અને કમરની બંને બાજુએ થતો તીવ્ર દુખાવો. આ દુખાવો અચાનક ઉપડે છે અને સમય જતાં ઓછો-વધારે થતો રહે છે.
ઘણા કિસ્સાઓમાં આ પીડા પીઠના ભાગથી શરૂ થઈને પેટના નીચેના ભાગમાં અને જાંઘ સુધી ફેલાય છે. પથરીના કારણે થતા અસહ્ય દુખાવાના લીધે દર્દીને ચક્કર આવવા, ઉબકા થવા કે ઉલટી થવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
પેશાબના રંગ અને પ્રવાહમાં થતા ફેરફારો
કિડનીમાં પથરીનું નિદાન પેશાબમાં આવતા ફેરફારોથી ખૂબ જ સરળતાથી થઈ શકે છે:
-
લોહી આવવું (Hematuria): પથરી પેશાબની નળીની અંદરની ત્વચા સાથે ઘસાય ત્યારે પેશાબનો રંગ ઘેરો લાલ, ગુલાબી કે કથ્થઈ રંગનો થઈ જાય છે.
-
પેશાબમાં ફીણ કે કણો: પેશાબમાં ક્ષાર અને ખનિજોના વધુ પડતા કણોને કારણે પેશાબ વધુ પડતો દૂધિયા કે ફીણવાળો (Foamy) દેખાઈ શકે છે.
-
બળતરા અને અટકાયત: પેશાબ કરતી વખતે તીવ્ર બળતરા થવી અથવા પેશાબ થોડો-થોડો અને વારંવાર આવવો પણ પથરી હોવાની નિશાની છે.
તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો?
જો તમને કમરમાં તીવ્ર દુખાવાની સાથે અચાનક સખત તાવ આવે, ઠંડી લાગે, પેશાબ સંપૂર્ણપણે અટકી જાય અથવા વારંવાર ઉલટીઓ થાય, તો આ લક્ષણો પેશાબના માર્ગમાં ગંભીર ચેપ (Infection) અથવા અવરોધ હોવાનો સંકેત આપે છે. આવી સ્થિતિમાં ઘરગથ્થુ ઇલાજનો પ્રયાસ કર્યા વિના તાત્કાલિક ધોરણે નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
નિદાન અને ઉપચારની ક્રાંતિકારી પદ્ધતિઓ
તબીબી તપાસ દરમિયાન ડૉક્ટરો દર્દીની શારીરિક તપાસ ઉપરાંત પેશાબ અને બ્લડ ટેસ્ટ કરાવે છે. પથરીના ચોક્કસ કદ, સ્થાન અને પેશાબના માર્ગમાં કોઈ અવરોધ છે કે નહીં તે જાણવા માટે અલ્ટ્રાસાઉન્ડ સ્કેન અથવા સીટી સ્કેન (CT Scan) કરવામાં આવે છે.
નાના કદની પથરી હોય તો દર્દીને દરોજજ પુષ્કળ પ્રમાણમાં પાણી અને તરલ પદાર્થો પીવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ ચોક્કસ દવાઓ દ્વારા પથરીને ઓગાળીને કે સરળતાથી બહાર કાઢી શકાય છે. પરંતુ જો પથરી મોટી હોય અથવા પેશાબનો માર્ગ રૂંધાઈ ગયો હોય, તો અત્યાધુનિક લેઝર ટ્રીટમેન્ટ, લિથોટ્રિપ્સી અથવા શસ્ત્રક્રિયા (Surgery) દ્વારા પથરીને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવે છે.
યોગ્ય પ્રમાણમાં પાણી પીવું, મીઠાનું સેવન મર્યાદિત રાખવું અને હેલ્ધી ડાયેટ જાળવવાથી કિડનીની પથરીથી બચી શકાય છે.

