Mahindra Bolero Neo+ 9-Seater: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની લોકપ્રિય બોલેરો નીઓ એસયુવીનું નવું 9-સીટર વર્ઝન બજારમાં લોન્ચ કર્યું છે. તેને Bolero Neo+ નામ આપવામાં આવ્યું છે. Bolero Neo+ને P4 અને P10 એમ બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. તેમની કિંમત અનુક્રમે રૂ. 11.39 લાખ અને રૂ. 12.49 લાખ (એક્સ-શોરૂમ) છે. 7-સીટર બોલેરો નિયોની તુલનામાં, તે લગભગ 1.49 લાખ રૂપિયા મોંઘી છે. કંપની આ વાહનને ત્રણ રંગોમાં ઓફર કરી રહી છે – ડાયમંડ વ્હાઇટ, મેજેસ્ટિક સિલ્વર અને નેપોલી બ્લેક.
બોલેરો નિયો+ ડિઝાઈન અને સ્ટાઇલની દ્રષ્ટિએ તેના સમકક્ષ (બોલેરો નિયો) જેવું જ લાગતું હોવા છતાં, તે 4.4 મીટર લાંબુ છે. અંદર પહેલા કરતા વધુ જગ્યા છે. ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં 22.8 સેમી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ (બ્લૂટૂથ, ઑક્સ અને યુએસબી કનેક્ટિવિટી સાથે), હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, આગળ અને પાછળની પાવર વિન્ડો, આર્મરેસ્ટ, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ORVM અને એન્ટિ-ગ્લાર IRVM છે.
Bolero Neo+માં નવું 2.2-લિટર mHawk ડીઝલ એન્જિન છે, જે 118bhp પાવર અને 280Nm ટોર્ક જનરેટ કરે છે. આ વાહનમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને રીઅર વ્હીલ ડ્રાઈવ (RWD) છે. તે રેગ્યુલર બોલેરો નિયો કરતાં વધુ પાવરફુલ છે, જે 100bhp 1.5 લિટર ડીઝલ એન્જિન સાથે આવે છે.
નવી XUV 3XO લોન્ચ થશે
નોંધનીય છે કે મહિન્દ્રા 29 એપ્રિલ (2024) ના રોજ નવી XUV 3XO લોન્ચ કરવા માટે તૈયાર છે. આ SUV નવી ડિઝાઇન, વધુ પ્રીમિયમ ઇન્ટિરિયર, હાઇ-ટેક ફીચર્સ અને નવા Aisin-સોર્સ્ડ 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવી શકે છે. આ XUV300નું અપડેટેડ વર્ઝન હશે.
રસપ્રદ વાત એ છે કે, XUV 3XO તેના સેગમેન્ટમાં પેનોરેમિક સનરૂફ ધરાવતી પ્રથમ SUV હશે. આ સિવાય તેમાં લેવલ 2 ADAS ટેક્નોલોજી, 360 ડિગ્રી કેમેરા અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ પણ મળી શકે છે.
XUV300 ની જેમ, નવી Mahindra XUV 3XO માં પણ સમાન 1.5L ડીઝલ, 1.2L ડાયરેક્ટ ઈન્જેક્શન ટર્બો અને 1.2L ટર્બો પેટ્રોલ એન્જિન વિકલ્પો મળવાની શક્યતા છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં નવી 6-સ્પીડ ઓટોમેટિક, 6-સ્પીડ મેન્યુઅલ અને AMT શામેલ હોઈ શકે છે.