TVS મોટરે મિલાનમાં રજૂ કરી શાનદાર Apache RTR 125 LC, જાણો શું છે ખાસિયતો
ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે એક ગર્વની ક્ષણ સામે આવી છે. પ્રખ્યાત ટૂ-વ્હીલર નિર્માતા કંપની TVS મોટર કંપનીએ મિલાનમાં આયોજિત પ્રતિષ્ઠિત ઓટો શો ‘EICMA 2026’ માં પોતાની તદ્દન નવી અને પાવરફુલ મોટરસાઇકલ TVS Apache RTR 125 LC પરથી પડદો ઉઠાવ્યો છે. કંપનીએ આ શાનદાર બાઇકને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારોને ધ્યાનમાં રાખીને રજૂ કરી છે, પરંતુ તેના આકર્ષક લુક અને ફીચર્સે ઓટો જગતમાં ચર્ચા જગાવી દીધી છે.
દમદાર એન્જિન અને પર્ફોર્મન્સ
નવી અપાચે RTR 125 LC માં ૧૨૫ સીસીનું લિક્વિડ-કૂલ્ડ, ૪-વાલ્વ, DOHC એન્જિન આપવામાં આવ્યું છે, જે આ સેગમેન્ટમાં તેને ખૂબ જ શક્તિશાળી બનાવે છે. આ એન્જિન 9,000 rpm પર આશરે ૧૪.૭ bhp (૧૪.૯ PS) ની પાવર અને 7,000 rpm પર 12 Nm નો પીક ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.
સવારીને વધુ રોમાંચક બનાવવા માટે આ મોટરસાઇકલને ૬-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવી છે, જેમાં મલ્ટીપ્લેટ આસિસ્ટ અને સ્લિપર ક્લચ પણ સામેલ છે. આ ફીચર ડાઉનશિફ્ટિંગને સુરક્ષિત અને સરળ બનાવે છે. સાથે જ, રાઇડર્સ પોતાની જરૂરિયાત મુજબ અલગ-અલગ રાઇડિંગ મોડ્સ પણ પસંદ કરી શકે છે.
સ્પોર્ટી ડિઝાઇન અને આધુનિક ફીચર્સ
ડિઝાઇનની વાત કરીએ તો, આ બાઇક એક આક્રમક ‘હાઇપર-નેકેડ સ્ટ્રીટફાઇટર’ લુક સાથે આવે છે. તેમાં શાર્પ ટેન્ક કવર, ફ્લેટ હેન્ડલબાર, સ્પ્લિટ-સીટ સેટઅપ અને આકર્ષક એલઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ આપવામાં આવ્યા છે. બાઇકની મજબૂતાઈ માટે તેને સ્ટીલ ટ્રેલિસ ફ્રેમ પર તૈયાર કરવામાં આવી છે.
સસ્પેન્શન અને બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો, તેમાં આગળના ભાગમાં 41mmના KYB USD (અપસાઇડ-ડાઉન) ફોર્ક્સ અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યા છે. સુરક્ષિત રીતે બાઇકને રોકવા માટે, તેમાં આગળ 300mm અને પાછળ 240mmની ડિસ્ક બ્રેક્સની સાથે ડ્યુઅલ-ચેનલ ABS પણ આપવામાં આવ્યું છે.
કનેક્ટિવિટી અને ટેક્નોલોજી
રાઇડર્સ માટે આ બાઇકમાં ૫ ઇંચની કલર TFT ડિસ્પ્લે આપવામાં આવી છે, જે બ્લૂટૂથ કનેક્ટિવિટી અને ફુલ-સ્ક્રીન મેપ મિરરિંગ (ટર્ન-બાય-ટર્ન નેવિગેશન) જેવા આધુનિક ફીચર્સને સપોર્ટ કરે છે.
હાલમાં TVS દ્વારા આ બાઇકને યુરોપિયન બજારને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવી છે, પરંતુ ઓટો એક્સપર્ટ્સનું માનવું છે કે જો ભવિષ્યમાં આ બાઇક ભારતીય બજારમાં આવશે, તો તે યુવાનોમાં ભારે લોકપ્રિય સાબિત થશે.

