ગુજરાતમાં હોટેલ અને રેસ્ટોરન્ટ પર આરોગ્ય વિભાગની તવાઈ, 1477 સ્થળોએ ચેકિંગ; 175 હોટેલોમાં ગંદકી મળી
ગુજરાતના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઓપરેશન હેલ્થ’ નામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા રાજ્યભરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, આઈસ્ક્રીમ પાર્લર અને ફ્રોઝન ડેઝર્ટ વેચતા એકમોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 1,477 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન અનેક સ્થળોએ સ્વચ્છતાના નિયમોનું પાલન થતું ન હોવાનું સામે આવ્યું છે.
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાનનો મુખ્ય હેતુ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવાનો અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. ખાસ કરીને હાઈવે પર આવેલી હોટેલોમાં મુસાફરોને યોગ્ય અને સ્વચ્છ ભોજન મળે તે માટે તંત્ર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
1477 સ્થળોએ તપાસ, 175 હોટેલોમાં ગંદકી મળી
ઓપરેશન હેલ્થ હેઠળ રાજ્યભરમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના એકમો ઉપરાંત હાઈવે પર આવેલી હોટેલોની પણ તપાસ કરવામાં આવી હતી. મુખ્ય હાઈવે પર આવેલી કુલ 691 હોટેલોમાં અધિકારીઓએ તપાસ કરી હતી. જેમાંથી 175 હોટેલોના રસોડામાં ગંદકી, અસ્વચ્છતા અને ખોરાક બનાવવાની બિનઆરોગ્યપ્રદ પદ્ધતિઓ જોવા મળી હતી.
આ હોટેલોના સંચાલકોને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ અનેક સંચાલકોએ પોતાની હોટેલ સ્વૈચ્છિક રીતે બંધ રાખીને સફાઈ અને જરૂરી સુધારાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ, તપાસમાં સંતોષકારક સ્થિતિ ધરાવતી 516 હોટેલોને પણ સ્વચ્છતાના નિયમોમાં વધુ સુધારા કરવા સૂચના આપવામાં આવી છે.
તપાસ દરમિયાન 14 હોટેલોમાંથી શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. અધિકારીઓએ આ ખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. સાથે જ જરૂરી નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જો લેબોરેટરીના રિપોર્ટમાં ખાદ્ય પદાર્થો નિર્ધારિત માપદંડ પ્રમાણે યોગ્ય નહીં હોવાનું સાબિત થશે તો સંબંધિત સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત હવે જણાવવો પડશે
ઓપરેશન હેલ્થ અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત ગ્રાહકોને સમજાવવાનો પણ છે. ઘણી વખત ગ્રાહકો દેખાવ અને સ્વાદમાં સમાન લાગતા આ બંને ઉત્પાદનોને એક જ વસ્તુ માનીને ખરીદી કરે છે. જોકે બંનેની બનાવટમાં તફાવત હોય છે.
આઈસ્ક્રીમ સામાન્ય રીતે દૂધની ચરબીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વનસ્પતિ તેલ અથવા અન્ય ચરબીનો ઉપયોગ થઈ શકે છે. બંને ઉત્પાદનો કાયદેસર રીતે વેચી શકાય છે, પરંતુ ગ્રાહકોને તેઓ શું ખરીદી રહ્યા છે તેની સ્પષ્ટ જાણકારી હોવી જરૂરી છે.
રાજ્યમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના કુલ 786 એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં 590 એકમો માત્ર આઈસ્ક્રીમનું વેચાણ કરતા હોવાનું, 32 એકમો માત્ર ફ્રોઝન ડેઝર્ટ વેચતા હોવાનું અને 164 એકમોમાં બંને પ્રકારના ઉત્પાદનો વેચાતા હોવાનું જાણવા મળ્યું હતું.
હવે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં ન આવે તે માટે સંબંધિત એકમોમાં સ્પષ્ટ માહિતી દર્શાવતા બોર્ડ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી ગ્રાહક પોતાની પસંદગી અને જાણકારીના આધારે ખરીદી કરી શકે.
હોટેલના કર્મચારીઓ માટે ગ્લોવ્ઝ અને કેપ ફરજિયાત
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ હોટેલ, રેસ્ટોરન્ટ અને વિદ્યાર્થીઓની હોસ્ટેલના રસોડામાં સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે ખોરાક બનાવતા અને પીરસતા કર્મચારીઓએ ફરજિયાતપણે હાથમાં ગ્લોવ્ઝ પહેરવાના રહેશે. સાથે માથા પર કેપ પહેરવી પણ જરૂરી રહેશે.
રસોડામાં સફાઈ, ખાદ્ય પદાર્થોના યોગ્ય સંગ્રહ અને ભોજન પીરસવાની સ્વચ્છ પદ્ધતિઓનું પાલન કરવું પડશે. આ નિયમો માત્ર મોટી હોટેલ માટે જ નહીં, પરંતુ નાની રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય ખાદ્ય એકમો માટે પણ લાગુ પડે છે.
નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી
આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાના મામલે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. તપાસમાં ગંભીર ખામી સામે આવશે અથવા લેબોરેટરી રિપોર્ટમાં ખાદ્ય પદાર્થો નિષ્ફળ જશે તો સંબંધિત એકમ સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે.
જરૂરિયાત જણાય તો હોટેલ કે ખાદ્ય એકમને કાયમી ધોરણે સીલ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. ખાસ કરીને ફૂડ પોઈઝનિંગ જેવી ઘટના બને તો તેની જવાબદારી સંબંધિત હોટેલ સંચાલકની રહેશે તેમ મંત્રીએ જણાવ્યું છે.
નાગરિકોને પણ જાગૃત રહેવા અપીલ
સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાનમાં માત્ર અધિકારીઓની જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોની ભાગીદારી પણ મહત્વપૂર્ણ છે. ગ્રાહકોને હોટેલ કે રેસ્ટોરન્ટમાં ભોજન લેતી વખતે સ્વચ્છતા અંગે સજાગ રહેવા અપીલ કરવામાં આવી છે.
જો કોઈ સ્થળે ગંદકી, વાસી ખોરાક અથવા ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળે તો નાગરિકો જિલ્લા કક્ષાની ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીમાં ફરિયાદ કરી શકે છે.
રાજ્ય સરકારનું કહેવું છે કે ઓપરેશન હેલ્થ અભિયાન આગામી સમયમાં પણ ચાલુ રહેશે. આ અભિયાનથી હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં જવાબદારી વધશે અને ગ્રાહકોને વધુ સુરક્ષિત ખોરાક મળી શકશે. હવે જોવાનું એ રહેશે કે તપાસ બાદ આપવામાં આવેલી સૂચનાઓનું કેટલું અસરકારક પાલન થાય છે.

